જીવનમાં સકારાત્મકતાનું મહત્વ સમજાવતી આ સત્ય ઘટનાને થોડો સમય આપીને પુરેપુરી વાંચજો.

0
344

16-17 વર્ષની ઉંમરનો એક ફુટડો યુવાન હિપેટાઇટીસ – બી નો ભોગ બન્યો. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના આ લાડકવાયા દિકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દિકરાને એનો બાપ પોતાની બાંહોમાં ઉપાડીને ડોકટર પાસે લાવ્યા. આ છોકરાને તપાસ્યા બાદ ડોકટરો અંગ્રેજીમાં અંદરોઅંદર વાત કરી રહ્યા હતા.

છોકરો આ વાત સાંભળે એ પહેલા જ એના પિતાએ ડોકટરને વાત કરતા અટકાવ્યા. છોકરો પણ હોશિયાર હતો અને અંગ્રેજી સારુ જાણતો હતો એટલે ડોકટરોની વાત સાંભળીને એની આંખમાં આંસુ આવી ગયા બાપને સમજતા વાર ન લાગી કે દિકરાને પણ સમજાઇ ગયુ છે કે એ હવે લાંબું જીવી શકે તેમ નથી અને માત્ર થોડા દિવસનો જ મહેમાન છે. બાપે દિકરાને એટલું કહ્યુ કે બેટા તારી મમ્મીને આ વાતની ખબર ન પડવા દેતો. છોકરાએ એના પપ્પાને હિંમત આપતા એટલું જ કહ્યુ કે પપ્પા ચિંતા ના કરશો મમ્મીને આ બાબતે કંઇ જ ખબર નહિ પડે.

એ છોકરાને ઘેર લાવ્યા. આ પરિવાર સાથે અંગત સંબધ ધરાવતા એક ડોકટરને આ બાબતની ખબર પડી એટલે એ ડોકટર છોકરાને રુબરુ મળવા માટે આવ્યા. છોકરાના રૂમમાં ગયા. બીજા સભ્યોને રૂમની બહાર મોકલી દીધા. છોકરાનો હાથ પોતાના હાથમાં લઇને પુછ્યુ, “બેટા, જીવવું છે?”

છોકરાએ આંખમાં આંસું સાથે જવાબ આપ્યો, “હા અંકલ, બહુ જ ઇચ્છા છે જીવવાની. હજુ તો હમણા જ કોઇ છોકરીએ મારા હદય રૂપી ખેતરના ચાસમાં વાવેલા પ્રેમના બી અંકુરીત થયા છે. આ પ્રેમના અંકુરથી જ મને ખુબ આનંદ મળ્યો છે મને તો એના વિશાળ વૃક્ષના ફળ ખાવાની ઇચ્છા છે.”

ડોકટરે એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યુ, “બેટા, જો તારી જીવવાની ઇચ્છા પ્રબળ છે તો આપણે મો તસામે જંગ માંડીએ. મને વિશ્વાસ છે કે આપણે તેમા જીતીશું”. ડોકટર પોતાના ઘેરથી વીસીઆર અને કેટલીક વિડીયો કેસેટ લઇ આવ્યા. આ છોકરાને જોવા માટે આપી. જીવનમાં પોઝીટીવીટી આવે એ પ્રકારની આ કેસેટો હતી. ક્યારેક ડોકટર પણ સાથે બેસીને આ યુવાનને સમજાવે કે જો બેટા આ ફિલ્મના આ પાત્રને કેટલું દુ:ખ પડે છે પણ એ કોઇ ફરિયાદ કર્યા વગર કેવું સરસ જીવન જીવે છે અને કુદરત એને સાથ આપે છે.

હકારાત્મક વિચારસરણીએ આ યુવાનમાં પ્રાણ ફુંક્યા. ડોકટરોના તમામ તારણો ખોટા પાડીને એમો તને સતત દુર ઠેલતો રહ્યો. રીલાયન્સ જેવી કંપનીમાં સારી નોકરી મળી. જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે જ લગ્ન પણ થયા. અને પ્રેમના ફળ સ્વરૂપે એક દિકરી અને એક દિકરાના પિતા બનવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું.

આજે આ યુવાન 42 વર્ષનો છે. હમણા પોરબંદર એક કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે આ યુવાન સાથે સમય વિતાવવાની અને તેની સાથે વાતો કરવાની ખુબ જ મજા આવી.

આજે પણ એને ઘણી શારિરિક તકલીફો છે. સમયાંતરે નિયમિત અમુક સારવાર લેવી પડે છે. અને છતાય આ યુવાન મોજથી જીંદગી જીવે છે કોઇપણ જાતની ફરિયાદો કર્યા વગર.

નાની-નાની તકલીફોમાં ફરિયાદ કરનારા આપણે આ યુવાનની તકલીફો સામે જોઇએ ત્યારે કુદરતે આપણને ઘણી સારી સ્થિતીમાં રાખ્યાની અનુભુતિ થયા વગર રહેતી નથી.

આ યુવાન એટલે પોરબંદરના રહેવાસી અને હાલમાં રાજકોટ ઇન્સ્યોરન્સ બીઝનેસ સાથે સંકળાયેલ વિજય ભટ્ટ અને પેલા ડોકટર એટલે ડો. આઇ. કે. વિજળીવાલા.

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)