શું છે હિંદુ ધર્મના વેદોનું મહત્વ? જાણો અને પોતાના બાળકોને પણ જણાવો

0
774

જાણો કેટલા છે હિંદુ ધર્મના વેદો અને શું છે તેનું મહત્વ, દરેક હિંદુને તેની જાણકારી હોવી જ જોઈએ. વિશ્વના પ્રથમ ગ્રંથોમાં વેદની ગણતરી થાય છે, તેના આધારે જ વિશ્વના બીજા ધર્મો-સંપ્રદાયોની ઉત્પત્તિ ગણવામાં આવી છે, જેમણે વેદના જ્ઞાનને પોતપોતાની રીતે જુદી જુદી ભાષાઓમાં ફેલાવ્યું છે. વેદ ભગવાન દ્વારા ઋષિઓને આપેલા જ્ઞાન પર આધારિત છે, તેથી તેને શ્રુતિ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં વેદનો અર્થ છે – જ્ઞાન.

વેદ પ્રાચીન જ્ઞાનનો અપાર ભંડાર છે. તેમાં દરેક માનવીય સમસ્યાનું સમાધાન છે. વેદોમાં બ્રહ્મા એટલે કે ભગવાન, દેવતા, બ્રહ્માંડ, જ્યોતિષ, ગણિત, રસાયણશાસ્ત્ર, ઔષધિ, પ્રાકૃતિક, ખગોળશાસ્ત્ર, ભૂગોળ, ધાર્મિક નિયમો, ઇતિહાસ, રીતિરિવાજ જેવા લગભગ તમામ વિષયોને સંબંધિત જ્ઞાન ભરેલું પડેલું છે. શતપથ બ્રાહ્મણના શ્લોક મુજબ અગ્નિ, વાયુ અને સૂર્યએ તપસ્યા કરી હતી આથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ પ્રાપ્ત થયા.

પ્રથમ ત્રણ વેદને અગ્નિ, વાયુ, સર્પ એટલે કે આદિત્ય સાથે જોડવામાં આવે છે. અથર્વવેદને અંગિરાથી ઉત્પન્ન થયો હોય એવું માનવામાં આવે છે. ગ્રંથો અનુસાર, વેદો બ્રહ્માજીના ચારેય મુખમાંથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે. વેદોને સૌથી પ્રાચીન પુસ્તકોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તેથી, કોઈ વ્યક્તિ અથવા સ્થળનું નામ વેદો ઉપરથી રાખવું સ્વાભાવિક છે, જેમ કે રામાયણ મહાભારતમાં આવેલા તમામ પાત્રોના નામ વેદો દ્વારા જ આપવામાં આવ્યા છે. વેદોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિના લગભગ સૌથી પ્રાચીન લેખિત દસ્તાવેજોમાં સમાયેલો છે. વેદોની 28,000 પાંડુલિપિ છે, જે વિશ્વના વારસા તરીકે સંગ્રહિત છે.

વેદના પ્રકાર : ઋગ્વેદ એ સૌથી પહેલો વેદ છે, જે સ્થિતિ અને જ્ઞાન પર સંપૂર્ણ રીતે આધારિત છે. આ વેદના 10 અધ્યાય છે જેમાં આ વેદની 1028 સુક્ત (મંત્રોનું જૂથ) છે, 11,000 મંત્ર અને 5 શાખાઓ છે. આ વેદમાં ભૌગોલિક સ્થાન અને દેવોના આહવાન કરવાના મંત્રોની સાથે બીજું ઘણું બધું છે. આ વેદમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટેની પ્રાર્થનાઓ પણ છે, અને દેવલોકની સ્થિતિ વિષે સંપૂર્ણ વર્ણન મળે છે. આ વેદમાં જળ ચિકિત્સા, હવા ચિકિત્સા, સૌર ચિકિત્સા, માનસ ચિકિત્સા અને હવન દ્વારા ચિકિત્સા વિશેની માહિતી પણ આપવામાં આવી છે. આ વેદમાં દવાઓની માહિતીનો પણ ઉલ્લેખ છે.

આ વેદોની શ્રેણીના બીજા વેદને આપણે યજુર્વેદ તરીકે ઓળખીએ છીએ. યજુર્વેદનો અર્થ થાય છે ગતિશીલ આકાશ, એટલે કે શ્રેષ્ઠ કર્મની પ્રેરણા આપણને યજુર્વેદ દ્વારા મળે છે. યજુર્વેદમાં યજ્ઞની પદ્ધતિઓ છે અને યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવતા મંત્રો અને યજ્ઞ સિવાય તત્વજ્ઞાનનું પણ વર્ણન જોવા મળે છે.

સામવેદ એ ત્રીજો વેદ છે, જેનો અર્થ થાય છે રૂપાંતરણ સંગીત, સૌમ્યતા અને ઉપાસના. આ વેદ ઋગ્વેદના શ્લોકોનું સંગીતમય સ્વરૂપ છે. સામવેદ કાવ્યાત્મક એટલે કે ગીતોના સ્વરૂપમાં છે. આ વેદને સંગીતશાસ્ત્રનું મૂળ માનવામાં આવે છે. 1824 મંત્રોના આ વેદમાં, 75 મંત્રો સિવાય બાકીના તમામ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે. આમાં સવિતા, અગ્નિ અને ઇન્દ્રદેવ વિશે ઉલ્લેખ છે.

ચોથો વેદ છે અથર્વવેદ જેનો અર્થ થાય છે અકંપન એટલે કે જ્ઞાનથી ઉત્તમ કાર્યો કરીને જે ભગવાનની ઉપાસનામાં લીન રહે છે, તે જ અકંપ બુદ્ધિ પ્રાપ્ત કરે છે, અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વેદમાં રહસ્યમય વિદ્યાઓ, જડી બુટીઓ, ચમત્કારો અને આયુર્વેદ વગેરેનું વર્ણન મળે છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે તથા આ વેદના 8 ખંડ છે.

વેદોનું મહત્વ : વેદોના મહિમાને અપરંપાર જણાવવામાં આવ્યો છે, તેમની મહિમાનું જેટલું વર્ણન કરવામાં આવે એટલું ઓછું છે, કારણ કે તેનું મહત્વ અને મહિમા વ્યક્ત કરવા માટે વ્યક્તિની ઉંમર ઓછી પડી શકે છે, અને તે પછી પણ તેમના મહિમાનો ઉલ્લેખ સંપૂર્ણ રીતે કરી શકાતો નથી. આજે અમે તેમના મહત્વ વિશે થોડી માહિતી આપીશું.

જે કાંઈપણ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અથવા અનુમાન દ્વારા અથવા કોઈપણ અન્ય રીતે જાણી શકાતું નથી, તે વેદ દ્વારા સરળતાથી જાણી શકાય છે. વેદ એ આપણા સંપૂર્ણ જ્ઞાનનું મૂળ છે. વેદ શાસ્ત્રને જાણવાવાળા ભલે જે આશ્રમ (અવસ્થા) માં રહે છે, તે આ વિશ્વમાં બેઠા બેઠા બ્રહ્મત્વની પ્રાપ્તિ કરી શકે છે, આજ વેદનો મહિમા છે.

આ માહિતીએસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.