લઘુકથા – લે નાહી લીધું :
પાછલે પાદર કાચો વાડો. એક કોર આઠ-દશ ભેંશ-પાડરડાં. બીજી કોર નીરણનો ઢગલો. એક પડખે કાચું છાપરું ને બાજુમાં છાણ-મુતર ઓગઠનો ઉકરડો.
આજે ગોકળ-આઠમના મેળામાં જવાનું હતું. બપોરાં કરીને દેરાણી-જેઠાણીએ છોકરાં નવડાવવાનું ચાલુ કર્યું.
ત્રણે છોકરીઓએ તો હોંશે હોંશે નહાઈ લીધું. હવે નેભાનો વારો હતો.
પાંચેક વરસનો નેભો, બે ભાઈના કુટુંબમાં એકનો એક. ભારે ખેપાની. આખો દિવસ પાડરડાં ભેગો ને ભેગો. ઢોર ચારવા ગમે, પણ નહાવું ધોવું તો જરાય નહીં.
વારંવાર કહેવા છતાં નેભો આવતો નહોતો. અંતે પાછળ દોડીને પકડ્યો. કાથીના ખાટલે બેસાડી, એકે પકડી રાખ્યો ને બીજીએ પરાણે નવડાવ્યો. હાથે-પગે ઠીકરું ઘસીને મેલ ઉખેડ્યો.
વાંસો ચોળતાં બગલ પાસે હાથ જાય ને નેભો ખીખીયાટો કરીને ઠેકડો મારે.
નવડાવવાનું કામ મહામહેનતે પુરું થયું.
પછેડીએથી લુછીને નેભાને છુટો કર્યો.
“જા… નવા લુગડાં પહેરી લે.”
હડી મેલીને નેભો ખાબક્યો ઉકરડામાં. આળોટીને ઉભો થયો.
“લે… મેં નાહી લીધું.”
બેઉ હસી પડી. માઁ બોલી “મારો રોયો વાયડો.”
– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)