બાળકોના ઝગડામાં મોટા વચ્ચે પડ્યા અને વાત ઘરના ભાગલા સુધી પહોંચી, પછી જે થયું તે દરેકે સમજવા જેવું છે

0
667

“સુંદર બોધ”

ગઈ સાંજથી આખા ઘરમાં તણાવ ભરેલી સ્થિતિ હતી. એમતો પરિવારમાં એક ઘરડી માં તેના બે જુવાન છોકરા, બે વહુઓ અને ચાર પૌત્ર પૌત્રીઓ છે. પણ આજે તેમાંથી કોઈ પણ એકબીજા સાથે વાત કરતા નહોતા. ઘરડી માં ખાટલા પર સુતા સુતા રડી રહી હતી. અને કરે પણ શું? જ્યારથી તે બાથરૂમમાં પડી ત્યારથી તે ખાટલા પર જ છે. પણ આજે બંને છોકરાને અને બીજા નાના નાના બાળકોને એકબીજા સાથે વાત ન કરતા જોઈ, તે ઘણી અસ્વસ્થ અનુભવ કરી રહી હતી.

નહીંતર ઘરમાં વાતચીતની સાથે સાથે હસવાના અવાજો ગૂંજતા રહેતા હતા, પણ આજે રસોડામાં વાસણોના અવાજથી ચોખ્ખી ખબર પડી રહી હતી કે બંને વહુઓની પોતપોતાની નારાજગી જણાવતા કામ કરી રહી હતી. બંનેએ પોતાના બાળકોને એકબીજાને મળવા માટે ચોખ્ખે-ચોખ્ખી ના પાડી દીધી હતી. બંનેના બાળકોને કદાચ પોતપોતાના રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

એવામાં નાના ભાઈએ આવીને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ઘરના ભાગલા પાડી દેવામાં આવે. અને વચ્ચોવચ મોટી દીવાલ ઉભી કરી દેવામાં આવે. નાના ભાઈની આવી વાતો સાંભળીને મોટો ભાઈ ભીંસમાં આવી ગયો.

નાના બાળકોના ઝગડામાં મોટાઓનું કુદવું આટલું ભયંકર થઈ જશે, તેની કોઈએ કલ્પના પણ કરી નોહતી. આટલું મોટું આંગણું જેમાં બંને ભાઈઓ પોતે અને તેમના બાળકો બધી રમત રમતા અને સાઇકલ ચલાવતા મોટા થયા હતા. હવે એ આંગણું ભાગલા પડીને નાનું થઈ જશે. એક હસતો રમતો પરિવાર બે પરિવારમાં ફેરવાઈ જશે.

એક પરિવારમાં બધા તહેવાર હળીમળીને કેટલા હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાતા હતા, કેટલી રોનક થઈ જતી, પરંતુ હવે પરિવાર અલગ અલગ થઈ જવાથી બધું જાણે રોનક વગરનું થઈ જશે. જયારે આખો પરિવાર એકસાથ મળીને એક જ ટેબલ ઉપર ખાવાનું ખાય છે ત્યારે કેટલું સારું લાગે છે, ઘરમાં બનવાવાળું સાધારણ ખાવાનું પણ કેટલું સ્વાદિષ્ટ લાગે છે, પણ હવે શું બબ્બે ચૂલા સળગશે? બે અલગ જગ્યાએ ખાવાનું બનશે?

ભીની આંખોને સાફ કરતા કરતા તેણે ખાટલામાં સૂતી માં તરફ જોયું, અને બડબડવા લાગ્યો કે આવું કેમ માં… આજે તું ચુપચાપ કેમ બેઠી છો? નાનપણમાં અમે બે ભાઈઓ જયારે ઝગડતા હતા ત્યારે તું કોઈની પણ ભૂલ જાણ્યા વગર બંને ને ખુબ ખિજાવાતી હતી, ને કેટલીય વાર મેથીપાક પણ ચખાડતી હતી, અને જાણી જોઈને અલગ અલગ બેસાડી દેતી હતી, પરંતુ અમે બંને ભાઈઓ અલગ નોહતા રહી શકતા, થોડી જ વારમાં અમે બંને સાથે રમતા અને કુદતા થઈ જતા.

માં આજે પણ તું ઉઠીને આવું જ કેમ નથી કરતી? અમારા પર ખીજવાઈ જા, ઈચ્છે તો મા-ર-મા-રી લે પણ ભાગલા… માં પપ્પાના પ્રેમથી બનાવેલા આ ઘરને ખેદાનમેદાન ના થવા દઈશ. માં ઉદાસ, લાચાર, નિ:સતેજ ખાટલામાં બેઠી મોટા દીકરાના મનની વ્યથા સમજી રહી હતી અને વિચારી રહી હતી કે… કદાચ … કદાચ… હું મારા પગ ઉપર ઉભી રહી શકતે અને આ શરીરમાં તાકાત હોત તો… પરંતુ આજે મારું કોઈ સાંભળી પણ નથી રહ્યું.

પ્રતીકાત્મક ફોટો

આગલી સવારે પણ સ્થિતિ લગભગ એવી જ હતી, બંને વહુઓએ ચા નાસ્તો બનાવ્યો પણ એકબીજાને પીરસ્યો નહીં, ત્યાં બંને ભાઈઓ વગર નાસ્તો કર્યે ટિફિન લીધા વિના પોતપોતાના કામે ચાલ્યા ગયા. મોટો ભાઈ અત્યારે પણ નાના ભાઈના ભાગલા વાળી વાતથી બેચેન થઈ રહ્યો હતો. તેનું મન ફેક્ટરીમાં નોહતું લાગી રહ્યું. આવી જ સ્થિતિ નાના ભાઈની પણ હતી.

સાંજે ફેક્ટરીએથી છૂટીને મોટો ભાઈ રિક્ષામાં ઘરે ગયો. ઘરની નજીક બગીચાના દરવાજા પાસે જેવી રીક્ષા ઉભી રહી અને તે ઉતરીને રીક્ષાવાળાને પૈસા આપી જ રહ્યો હતો, ત્યાં સામે બગીચાનો નજારો જોઈને તેનો ચહેરો ખીલી ઉઠ્યો. ઘરમાં ચાલી રહેલા ઝઘડાથી જાણે અજાણ હોય તેમ બંને ભાઈઓના છોકરાઓ એકબીજા સાથે મળીને હસતા હસતા રમી રહ્યા હતા. તે ઝડપથી ઘર તરફ આગળ વધ્યો. ઘરમાં આવીને તેણે બે કપ ચા બનાવવા કહ્યું, પછી પોતાના ભાઈને બૂમ પડતા કહ્યું, નાનલા… એ નાનલા… ક્યાં છે, આવ સાથે બેસીને ટીવીમાં ક્રિકેટ જોઈએ અને ચા પિયે.

મોટા ભાઈનો અવાજ સાંભળીને નાનો ભાઈ પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને મલકાઈને તેની તરફ જોતા મોટા ભાઈને અચરજ અને નારાજ સ્વરમાં કહ્યું, શું થયું ભાઈ… કાલે સાંજે આટઆટલું જે સારું-ખરાબ કહ્યું એ બધું ભૂલી ગયા કે શું?

મોટા ભાઈએ કહ્યું, અરે નાનલા ભૂલી ગયો કે નાના હતા ત્યારે આપણે લોકો ઝઘડતા હતા અને મા-રા-મા-રી પણ કરતા હતા પરંતુ થોડા સમય પછી બધું ભૂલી જતા હતા. માં ભલે આપણને અલગ અલગ બેસાડી દેતી, પરંતુ આપણે લોકો એકબીજા વગર નોહતા રહી શકતા, મારા ભાઈ આપણે નાના હતા ત્યારે જે કરતા તે અત્યારે કેમ ના કરી શકીએ!

નાનો ભાઈ હજી પણ અચરજ સાથે મોટાભાઈને જોઈ રહ્યો હતો, ત્યારે મોટા ભાઈએ બગીચામાં રમતા પોતાના બાળકોની વાત બધાને જણાવતા કહ્યું, મારા ભાઈ આપણે આપણા બાળપણ માંથી અને બાળકો પાસેથી બોધ શીખવો જોઈએ. અને જો આ જ બોધ બધા લોકો લેશે તો કોઈપણ ઘરના ભાગલા પડશે નહિ.

નાનલા આ ઘર પરિવાર આપણો છે, આપણા બધાનો છે. જો એક ગરમ થાય તો બીજાએ ઠંડા રહીને એકસાથ રહેવાનું વિચારવું જોઈએ. આપણે કેમ અને કેવી રીતે ભૂલી ગયા કે ભૂલ ભલે કોઈની પણ હોય પણ આપણા બાળકોએ જ કરી હોય તો તેમને જ એ ભૂલ સુધારવા દેવી જોઈએ, જેવી રીતે માં આપણને અલગ અલગ બેસાડીને એકબીજાની વેલ્યુ, એકબીજાનો સાથ ના હોવાથી જે એકલા હોવાનો અનુભવ કરાવતી હતી, પરંતુ આપણે મૂર્ખા તે નાની વાતને મોટી બનાવીને ઝઘડી પડતા.

ભૂલ બાળકોની નહિ આપણા બધાની છે. એટલે બધા એકબીજાની માફી માંગે, અને રાત ગઈ વાત ગઈ, સમજીને બધું બાળકોની જેમ ભૂલી જઈએ.

આ સાંભળી નાનો ભાઈ ભીની આંખે દોડીને મોટા ભાઈના ગળે વળગીને માફી મંગાવા લાગ્યો, થોડીવારમાં બંને વહુ પણ એકબીજાને ગળે લાગીને માફી માંગી રહી હતી. ત્યાં ખાટલામાં પડેલી માંની આંખો પણ ખુશીને કારણે ભીની થઈ ગઈ હતી. અને તે બંને હાથ જોડીને કહી રહી હતી, ઈશ્વર આવી સદબુદ્ધિ બધા બાળકોને આપજો, જેથી તેઓ આ સુંદર બોધ સમજી શકે, કારણ કે એક માતાપિતા માટે બહુ મુશ્કેલ હોય છે, પોતાના હૃદયના બે ટુકડા કરવા.