અનાથાશ્રમમાં રહેતી રુપલને સ્નાતક પદવીનું છેલ્લું સત્ર પુરું થયું.. એ તરછોડાયેલી મળી આવી, તે વખતે લખાયેલ અંદાજી જન્મ તારીખ પ્રમાણે , તેને વીસ વરસ પુરા થયા હતા..
મનહર એ જ સંસ્થામાં ઉછર્યો હતો.. વાણિજ્યમાં સ્નાતક થઈ, એ શહેરમાં સારી કંપનીમાં હિસાબનીશ તરીકે જોડાયો હતો.. તે રુપલ કરતાં દોઢેક વરસ મોટો હતો..
સંસ્થાના સંચાલકોને યોગ્ય જણાતા, પરસ્પર સંમતિ લઈ, લગ્ન કરાવી દીધા.. અને સમાજમાં પોતાનું સ્વતંત્ર ઘર વસાવવા વિદાય કર્યા..
મનહરને સારો પગાર મળતો.. કંપની નજીકના મકાનમાં ફલેટ ભાડે રાખી, ઘરસંસાર ચાલુ કર્યો..
પણ રુપલ માટે આ બધું સાવ નવું નવું હતું.. સંસ્થામાં સોએક માણસની રસોઈ સાથે થાય.. અહીં બે માટે કરવાની..
એ બીજી બહેનો સાથે જઈને બેસે.. પણ તેઓના વાતના વિષય સાવ જુદા.. કોઈ લગ્ન પ્રસંગની વાત કરે.. તો કોઈ ખરખરા દહાડાની.. કોઈને ત્યાં મહેમાન આવે.. ફઈ ફુઆ, મામા માસી.. એની વાતો થાય.. કોઈ ઢોકળા ઈડલી પતરવેલીયા.. એવી રસોઈની વાતો કરે.. પણ રુપલને આમાંથી કંઈ લાગુ ના પડે.. એટલે મનમાં અકળામણ થાય..
એને વધુ સંબંધ બંધાયો, અડોઅડના ફ્લેટવાળા શાંતાબા અને સવજીદાદા સાથે.. સાઈઠ ઉપર પહોંચેલું દંપતી એકલું રહેતું.. સૌ એને બા દાદાના ટુંકા નામથી ઓળખે.. દાદા સરકારી કચેરીમાં પટાવાળા હતા.. એક દિકરી હતી, તે સાસરે હતી.. અહીં પોતે બે જ રહેતા.. રુપલને કંઈ જરુર પડે તો એ બાને પુછે.. બાએ કંઈ નવી વાનગી બનાવી હોય, તો ચાખવા વાટકી ભરી દે..
રુપલને સારા દિવસો રહ્યા.. એ એકલી, તબીયત બતાવવા નિયમિત જતી.. આજે મનહરને રજા હતી એટલે એ સાથે ગયો..ડોક્ટરે કહ્યું ..
“બધું બરાબર છે.. દોઢ માસની વાર છે.. હવે આવો ત્યારે સુવાવડ માટે જે આવ્યું હોય તેને સાથે લાવજો.. હું એને સમજ આપીશ.. હળવું ઘરકામ ચાલુ રાખજો..”
દવાખાનાની બહાર પડખેના બગીચામાં બેય જઈને બેઠાં.. રુપલની આંખો સજલ બની ગઈ..
“મનહર, આપણે તો અહીં સાવ એકલાં થઈ ગયા.. બીજીની સુવાવડ કરવા સાસુ નણંદ મા બહેન ભાભી.. આવે, મારે કોણ આવશે..? દિકરો આવે તો સાસુ સસરા હરખના પેંડા વહેંચવા નિકળે.. આપણા બાળક માટે પેંડા કોણ વહેંચશે..?”
મનહરે સધીયારો આપ્યો “આપણા એવા નસીબ નહીં હોય.. પણ તું બાને કહેજે .. એ તારી મદદ કરશે..”
રુપલ બોલી.. “તો એક વાત કહું.. એ બેય ઘરડા અને એકલા જ છે.. એને આપણી સાથે જ રાખી લઈએ તો ?.. એ આપણું ઘર, છોકરાં સાંચવે.. આપણે એને સાંચવીએ..”
ઘરે આવી બેય સીધા બા દાદા પાસે ગયા.. રુપલે તબીયતની વાત કરી .. પછી પુછ્યું..
“બા, આજે હું માંગુ એ મને આપશો..? મને આ ઘર આપી દો.. અમારે તમારી સાથે રહેવું છે..” એમ લાગણીપૂર્ણ શબ્દોમાં પોતાની વાત મુકી..
ખરા હૃદયથી કહેવાયેલ વાતનો બા દાદા ઈનકાર ન કરી શક્યા.. ચારેયના મોં પર અનન્ય આનંદ હતો..
બાએ રુપલને કહ્યું.. “હવે રસોઈનું ટાણું થયું.. જા રસોડામાં.. મગ લાપસી બનાવ..”
“પણ બા.. મને લાપસી ક્યાં આવડે છે..”
બાએ મીઠી ખીજ કરી.. “ઠોબારી.. ચાલ શીખવાડું..”
બાની સુચના પ્રમાણે રુપલ કરતી ગઈ.. મગ લાપસી રંધાઈ ગયા.. બાએ સમજાવ્યું કે ‘ઘરમાં કંઈ શુભ કામ કરીએ ત્યારે શુકન માટે મગ લાપસી રાંધી ખવાય’.. ચારેયે સાથે બેસી જમી લીધું.. રુપલે સફાઈ કરી.. મનહર અને દાદા બીજા રસોડાનો સામાન તેલ ઘી લોટ વિગેરે આ રસોડામાં ભેળવી દેવામાં વળગ્યા..
મનહરે ચોખવટ કરી “દાદા મારો પગાર ઘણો છે.. હવેથી ઘરનો બધો ખરચો હું ઉપાડીશ.. તમે તમારા પેન્શનનું જે કરવું હોય તે કરજો..”
રુપલે બા પાસે બેસીને પુછ્યું “બા, હું તમારી શું થાઉં..?”
બા હસ્યા..”મારે પહેલે ખોળે દિકરો હોત તો, એનો દિકરો મનહર જેવડો હોત.. એટલે હું મનહરની દાદી અને તારી દાદીજી સાસુ ગણાઉં..”
બાએ એને પરાણે આરામ કરવા મોકલી .. ત્યાં સુધી, એ મા બાપ ભાઈ બહેન વિષે પુછતી રહી..
રોંઢે બાએ બોલાવી..”રુપલ.. ઉઠ.. તારા દાદા ક્યારના બેઠા છે.. ચા મુકી દે..“
આ સાદ રુપલને ખુબ ગમ્યો ..એનાથી બોલાઈ ગયું.. “એ હા.. આવી .. બા..”
પાડોશમાં વાત ફેલાતાં વાર ન લાગી.. સહુએ મળી આગ્રહ કર્યો કે , ‘મુરત ભલે વિતી ગયું.. તોય સીમંત તો કરવું જ છે’.. અઠવાડિયા પછી સીમંત કરવાનું નક્કી થયું.. તમામ ગોઠવણ પાડોશી બહેનોએ કરી લીધી..
દાદાએ દિકરીને ફોન કરી, વિગતવાર જાણ કરી.. ભાણો અને ભાણી.. ભાઈ બહેન સીમંત પર આવ્યા.. બાએ રુપલને ઓળખાણ કરાવી “આ તારા ફઈજીની દિકરી, એ તને નણંદ થાય.. ને આ તને દિયર થાય..”
સીમંત વિધિમાં એક પાડોશણ રુપલની મા બની.. હસી ખુશીથી પ્રસંગ જમણવાર પુરો થયો..
બન્ને એકલા પડ્યા ત્યારે, પોતાનું ઘરચોળું બતાવી રુપલે બાને કહ્યું .. “કેવું સરસ છે.. નહીં..? આના પૈસા પણ બધાએ મળીને આપ્યાને ..? બા.. વિધિની મા આવી હોય તો સાચી મા કેવી હોય..?”
બા કંઈ બોલ્યા નહીં.. એ ઉભા થયા.. બેઠેલી રુપલનું મોં પોતાની છાતી સાથે દબાવ્યું.. અને હાથ માથા પર ફેરવવા લાગ્યા.. રુપલના હાથ બાની કમરે વિંટાઈ ગયા.. એનાથી ધ્રુંસ્કું મુકાઈ ગયું..
રુપલનું રડવું સાંભળી મનહર અને દાદા આવ્યા .. બાએ કહ્યું.. “જાવ.. કાંઈ નથી.. તમે તમારું કામ કરો..”
– જયંતીલાલ ચૌહાણ 27-06-21
પ્રતીકાત્મક ફોટાઓ