સમજ્યા-વિચાર્યા વિના કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર તરત વિશ્વાસ કરવાથી થઇ શકે છે નુકશાન.

0
416

એક કંજૂસ સંતના નવા શિષ્યએ ચોરી તેમની કિંમતી પોટલી, વાંચો સારી શીખ આપતી કથા.

પહેલાના સમયમાં એક ગામમાં એક સંત રહેતા હતા. તે સંત ઘણા કંજૂસ હતા. તે ગામના મંદિરમાં પૂજા-પાઠ કરતા હતા. ગામડાના લોકો જાણતા હતા કે તે સંત કંજૂસ છે, તેમ છતાં પણ લોકો તે સંતની ખૂબ ઇજ્જત કરતા હતા. સમય-સમય પર ગામના લોકો સંતને દાન-દક્ષિણા પણ આપતા હતા. ક્યારેક અનાજ, કપડાં વગેરે વસ્તુઓ પણ ભેટમાં આપી દેતા હતા.

સંત એકલા હતા તો તેમનો ખર્ચ પણ વધારે નહોતો. જેના કારણે તેમની પાસે ઘણુંબધું ધન ભેગું થઇ ગયું હતું. અને તેમણે બધી કિંમતી વસ્તુઓ એક પોટલીમાં બાંધી રાખી હતી.

સંતને ચોરીનો ભય હતો એટલા માટે તે પોટલીને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. ગામડાના લોકો તે પોટલી વિષે જાણતા હતા. એક દિવસ ગામમાં એક ચોર આવ્યો અન તેને તે સંતની પોટલી વિષે ખબર પડી. ચોર સંતની પોટલી ચોરવા માટે તક શોધવા લાગ્યો.

ઘણા દિવસો પછી પણ ચોર તે પોટલીને ચોરી શક્યો નહિ, કારણ કે સંત દરેક ક્ષણે તે પોટલીને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. ચોરે ઘણી યુક્તિ વિચારી પછી નક્કી કર્યું કે, તે સંત પાસે શિષ્ય બનીને રહેશે અને તક મળતા જ પોટલી ચોરી લેશે.

ચોર વેશભૂષા બદલીને સંત પાસે પહોંચ્યો અને તે સંતના ખુબ વખાણ કર્યા. તેણે જણાવ્યું કે, તે સંતની સાથે રહીને પૂજા-પાઠ કરતા શીખવા માંગે છે. તે સંતની જેમ જ જ્ઞાની અને વિદ્વાન બનવા માંગે છે. અજાણ્યા વ્યક્તિથી પોતાની પ્રશંસા સાંભળીને સંત ખુબ ખુશ થઇ જાય છે અને તેને પોતાનો શિષ્ય બનાવી લે છે.

થોડા દિવસોમાં તો નવા શિષ્યએ સંતનો વિશ્વાસ જીતી લીધો. હવે સંત જ્યાં-જ્યાં જાય ત્યાં ત્યાં નવો શિષ્ય પણ તેમની સાથે જ જતો. મંદિરની સાફ-સફાઈથી લઈને સંતના ખાવાની વ્યવસ્થા પણ નવો શિષ્ય જ કરવા લાગ્યો હતો.

સંતને તેના પર ઘણો વિશ્વાસ થઇ ગયો હતો. એક દિવસ સંત તેને લઈને નદી કિનારે પહોંચ્યા અને પોતાની પોટલી શિષ્યને આપીને તેને જણાવ્યું કે, હું નદીમાં સ્નાન કરીને આવું ત્યાં સુધી તું આ પોટલીનું ધ્યાન રાખજે. શિષ્યના રૂપમાં ચોર આ ક્ષણની જ રાહ જોઈ રહ્યો હતો. અને જેવો જ સંત નદીમાં ઉતર્યો કે ચોર ધનથી ભરેલ પોટલી લઈને ત્યાંથી ભાગી ગયો. અને સંતના હાથમાં કાંઈ આવ્યું નહિ.

શીખ : ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિ પર તરત વિશ્વાસ કરવો જોઈએ નહિ. નહિતર નુકશાન થઇ શકે છે. સમજી વિચારીને કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરવો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.