જાણો શામળાજી મંદિરની રોચક વાતો, ભગવાન શામળાજી વૈષ્ણવ વાણીયાના રૂપમાં પ્રગટ થયેલાં.

0
1216

સાબરકાંઠા જિલ્લામાં ભિલોડા તાલુકામાં મેશ્વો નદીના કિનારે પવિત્ર યાત્રાધામ શામળાજી આવેલુ છે. આ મેશ્વો નદી અરવલ્લીની પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. તે મોડાસા, ભિલોડા, પ્રાંતિજ તાલુકાઓ અને અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી વહે છે. ખેડા પછી તે વાત્રક નદીને મળે છે. ૨૦૩ કિમી સુધી મેશ્વો નદી ખારી નદીની સમાંતર વહે છે. શામળાજી પાસેથી નેશનલ હાઇવે પસાર થાય છે.

શામળાજી મુખ્યત્વે વૈષ્ણવોનું ધાર્મિક સ્થળ છે. તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમૂનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ માનવામાં આવે છે. શામળાજીનું મુખ્ય મંદિર છે તે ભગવાન કૃષ્ણના નામ શામળશા શેઠ પરથી પડ્યું છે તેવુ માનવામાં આવે છે. તેમજ એવુ પણ માનવામાં આવે છે કે ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળીયા પણ કહેવામાં આવે છે.

આ મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં જોવા મળે છે. શામળાજીનું મંદિર ગુજરાતનાં ત્રણ મહત્વનાં વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે. અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે. મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિસુંદર છે. તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ઘરાવે છે. ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડું કરે છે.

શામળાજી મંદિર બે માળનું છે. ગર્ભ ગૃહ ઉપર શિખર છે જયારે મંડપના થાંભલાઓ તથા જાળી પર કોતરણી જોવા મળે છે. મંદિરને ફરતે કોટ છે. કોટના દરવાજા આગળ બંને બાજુ મોટા બે હાથીઓની પ્રતિમા છે. મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારાયેલા છે. અંહિયાની નગરી ખૂબજ પ્રાચીન કાળની છે. એટલે કે હરિશ્ચંદ્રની નગરી માનવામાં આવે છે.

બીજા બે મંદિરોમાં એક સાંગા નારાયણનું છે. આ મંદિરની બાંધણી ઉપરથી આ પ્રદેશનું સૌથી જુનુ મંદિર હોવાનો સંભવ લાગે છે. ઇ.સ. ૧૨-૧૩ના શતક માં પશ્ચિમ હિંદમાં આ જાતના પદ્મનારાયણ, વીરનારાયણ, ગોગ્ગા નારાયણ વગેરે નામથી વિષ્ણુ તથા બળદેવના મંદિરો બંધાયા હોવાના પુરાવા મળે છે. એટલે આ સ્થળે પહેલુ મંદિર સોમનારાયણ ૧૨-૧૩ મા શતકમાં ઇડર પરમારોના હાથમાં હતુ તે વખતે બંધાયેલુ હોવાનો સંભવ છે. અહીં મહાદેવનુ મંદિર છે. તે ભોંયરામાં છે. આ સિવાય બાકીના તદ્દન ખંડેરો છે.

આ મંદિરની અંદર બહાર દીવાલ પર રામાયણ મહાભારતના દ્રશ્યો તેમજ હાથીઓ ચીતરેલા છે. જયારે મુખ્ય મંદિર પાસે રણછોડ રાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે. તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસોએક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલુ એક મોટું તળાવ છે. વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે.

મંદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે મંદિર પાસે મેશ્વો નદીમાં મોટો ધુનો છે. તેમાં કારતક સુદ ચૌદસના રોજ નાહવા થી ભૂતનુ વળગાડ હોય તો હટી જાય તેવી માન્યતા પ્રવર્તે છે. કારતક સુદ પૂનમે અહીં શામળાજીના મેળા તરીકે મોટો મેળો ભરાય છે.

તેમજ માહી પૂનમ અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે. આ મેળામા પશુઓની લે વેચ થાય છે. હિંમતનગરથી શામળાજી નજીક છે જયારે અમદાવાદથી ૧૩૦ કિ.મી. ના અંતરે આવેલુ છે. જયારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી અહીં તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણીયાના રૂપમાં પ્રગટ થયેલાં.

વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત જુલાઈ ૨૦૧૯.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)

તસવીરો ગૂગલના સૌજન્યથી.