પાણીનાં સંગ્રહ માટે બનાવવામાં આવતી વાવનું ધાર્મિક મહત્વ પણ છે, જાણો વાવ વિષે રસપ્રદ વાતો.

0
330

પૃથ્વીની ઉત્પતિ સાથે પાણીની પ્રાચીનતા રહેલી છે અને દરેક જીવ પાણીથી જીવિત રહ્યો છે. જ્યારે જીવનની પ્રાથમિક જરૂરિયાત જ પાણી હોય ત્યારે સ્વાભાવિક છે કે, પ્રાચીન સંસ્કૃતિનાં કેંદ્રસ્થાને પાણી જ રહેલું હોય. વળી તરસ્યાને પાણી પાવુ એ સદાય પૂણ્યનું કામ ગણાય છે.

બૃહદ શિલ્પ શાસ્ત્ર પ્રમાણે પાણીએ પ્રાણીમાત્રનું જીવન છે અને જે કોઈ કૂવા, તળાવ,વાવ વગેરે બંધાવશે તેની સદ્દગતી થશે. ઉપરોક્ત અગત્યતાનાં લીધે વર્ષોથી પાણીનાં સંગ્રહ માટે અને સરળતાથી પાણી મળી રહે તેવા આશયથી ઘણાં જળાશયો બાંધવામાં આવ્યા છે જેમાં વાવ વિશેષ છે. વળી, ધાર્મિક દ્રષ્ટિએ વાવ બાંધવી એ પૂણ્યનું કામ ગણાતું. સંસ્કૃતનાં સુંદર વિધાન પ્રમાણે,

“દસ કુપ સમા વાપી, દસ વાપી સમેસર”

એટલે કે એક વાવ દસ કૂવા બરાબર અને દસ કૂવા એક તળાવ ખોદાવ્યા બરાબર પૂણ્ય આપે છે એમ કહેવાતુ. જનહિતની ભાવનાથી બાંધવામાં આવતી વાવ પાછળ ધાર્મિક ઉપરાંત સામાજીક હેતુ પણ હતો. વળી, વાવનું બાંધકામ ખુબ ખર્ચાળ હોવાથી રાજાઓ, શ્રેષ્ઠીઓ અને ધનિકો જ તે બંધાવી શકતા.

કવિ દલપતરામે પોતાના કાવ્યમાં પણ વાવનું મહત્વ સમજાવ્યું છે જે આ પ્રમાણે છે,

“નિર્જળ ગામ નવાણ ગળાવો વાવ કૂવા નદી તળાવો શોધી,

જુના હરિ અર્ધ સુધારો એ દાનના ઘણી ધર્મ તમારો”.

આ ઉપરાંત લોક સાહિત્યમાં પણ વાવનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં આ ગીત જ્યાં એક ગોરી વાવડીમાં પાણી ભરવા જાય છે અને તેને પ્રેમનો કાંટો વાગે છે અને તે આશા રાખે છે કે પ્રિયતમ આવીને પીડા દૂર કરે, આ ગીત આ પ્રમાણે છે.

“હો રાજ રે

વાવડીના પાણી ભરવા ગઈ’તી

પડોશણ સાથે ગઈ’તી

મારી સાસુએ મોકલી’તી

મને કેર કાંટો વાગ્યો”.

આવા કાવ્યો, ગીતો, દંતકથા વગેરેની રચનાઓએ વાવ સ્થાપત્યનું મહત્વ ઘણું વધાર્યું છે.

– સાભાર અતુલ્ય વારસો (અમર કથાઓ ગ્રુપ)