મહાભારતના અજાણ્યા પાત્રો : મહાન પાંડવ અર્જુનનો પુત્ર ઇરાવન.

0
477

ઇરાવન ભલે મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર નથી, પણ મહત્વનું પાત્ર તો ગણાય જ. ઇરાવન મહાન પાંડવ અર્જુનનો પુત્ર હતો, જેનો જન્મ એક નાગકન્યા ઉલૂપી દ્વારા થયો હતો.

દ્રૌપદી સાથે લગ્ન કરતા પહેલા જ, દેવર્ષિ નારદની સલાહ મુજબ, પાંચ ભાઈઓએ અંદરો અંદર એક સમજૂતિ કરી હતી કે દ્રૌપદી એક વર્ષ સુધી કોઇપણ એક ભાઈની પત્ની બની તેની સંગે રહેશે. તે એક વર્ષમાં, જો કોઈ અન્ય ભાઈ પરવાનગી સિવાય તેઓના ખંડમાં ભૂલથી પણ પ્રવેશ કરે, તો તેને બાર વર્ષ માટે વનવાસ ભોગવવો પડશે.

દેવર્ષીએ આ અનુબંધ એટલા માટે કરાવ્યો હતો કે જેથી દૌપદીને કારણે ભાઈઓ વચ્ચે કોઈ મતભેદ કે મનભેદ ન થાય.

પણ એકવાર કેટલાક લૂંટારુઓ એક બ્રાહ્મણની ગાય છીનવી ગયા, એટલે તે મદદ માટે પાંડવોના મહેલે પહોંચ્યો. ત્યાં તેણે પ્રથમ અર્જુનને જોયો જેની પાસેથી તેણે મદદ માટે આજીજી કરી.

પરંતુ અર્જુનને સ્મરણ થયું કે તેનું પોતાનું ગાંડીવ ધનુષ તો યુધિષ્ઠિરના કક્ષમાં હતું અને હવે એ સમયે યુધિષ્ઠિર અને દ્રૌપદી કક્ષના એકાંતમાં હતા અને ત્યાં જવાનો અર્થ ‘સમજુતીનો ભંગ અને 12 વર્ષનો વનવાસ’ એવો થાય.

તે છતાંય બ્રાહ્મણને મદદ પણ જરૂરી જ હોવાથી અર્જુને તેમ કરવું પડ્યું.

લૂંટારુઓ પાસેથી ગાય છોડાવી આવ્યા બાદ અર્જુન પોતાના વનવાસની તૈયારી કરવા લાગ્યો. બીજા પાંડવોએ સમજાવ્યું કે અંગત કારણસર નહીં, પણ પ્રજાહિતના પરમાર્થી કાર્યાર્થે થયેલો કરારભંગ સજાપાત્ર ન ગણાય. પણ અર્જુનને એ નૈતિક દ્રષ્ટીએ ખોટું જણાયું અને એણે વનવાસ માટે પ્રયાણ કર્યું.

પ્રવાસ દરમ્યાન એ ઉત્તરપૂર્વ દિશામાં આગળ અને આગળ વનમાં વધતો ગયો અને એક દિવસ એ સ્નાનાર્થે કોઈ તળાવમાં ઉતર્યો. પણ ત્યાં તો સર્પોનો વાસ હતો, જેની રાજકુમારી ઉલુપી અર્જુન પર મોહિત થઈ ગઈ. એટલે અર્જુન સાથે લગ્ન કરવાની તેની પ્રબળ ઈચ્છાને કારણે ઉલુપી તેને પાણીમાં ખેંચીને નાગલોકમાં લઈ આવી.

ત્યાં, ઉલુપીની વારંવાર વિનંતી પર, અર્જુને તેની સાથે લગ્ન કર્યા અને ગુપ્ત રીતે તેના કક્ષમાં બેઉ રહેવા લાગ્યા. પરંતુ પાછળથી એ રહસ્ય ખુલ્લું પાડતાં ઉલુપીના પિતાએ તેની સામે એક શરત મૂકી કે ઉલુપી અને તેના થનાર બાળકે તો ત્યાં નાગલોકમાં જ રહેવું પડશે.

સમય જતાં ઉલૂપીની કુખે એક પુત્ર જન્મ્યો, તે પુત્ર એટલે ઈરાવાન. પછી એ બેઉ માતા-પુત્રને નાગલોકમાં મૂકીને, અર્જુન એક વર્ષ પછી આગળની યાત્રા માટે નીકળ્યો.

પુત્ર ઇરાવન, પછી માતૃકુળમાં જ લાલન-પાલન પામી ઉછર્યો અને અનેક માયાવી શક્તિઓ સાથે તે એક મહાપ્રતાપી યોદ્ધો બની ગયો, જે મહાભારતના યુદ્ધમાં પાંડવોની બાજુમાં લડ્યો.

મહાભારતના યુદ્ધના સાતમા દિવસે અવંતીના રાજકુમાર વિંદ અને અરવિંદ સાથે તેણે ભયંકર યુદ્ધ કરી બેઉને પરાજિત કર્યા અને પછી નવેસરથી કૌરવ સેનાનો સંહાર શરૂ કર્યો.

પછી આઠમા દિવસે શકુની અને કૃતવર્માએ પાંડવસેના પર આક્રમણ કર્યું ત્યારે સામે, ઇરાવને એટલો જ પ્રબળ પ્રત્યુત્તર આપતા કૌરવસેનાનો મહા ભયાનક વિનાશ કર્યો, જેમાં તેણે કૌરવની અશ્વસેના લગભગ ખતમ કરી નાખી, ઉપરાંત જ્યારે શકુનીના છ પુત્રોએ તેને ઘેરી લીધો ત્યારે એકલપંડે આ પરાક્રમી નાગપુરુષે તેમનો સામનો કરી, એ સૌનો વધ કરી નાખ્યો.

આ જોઈને દુર્યોધન ભયભીત થઈ ઉઠ્યો અને ભાગીને એ, રાક્ષસ અલંબુષ પાસે ગયો અને તેની મદદ યાચી. પાછળના વર્ષોમાં ભીમસેને બકાસુરનો વધ કર્યો હતો એની શત્રુતા મનમાં ભરીને એ માયાવી રાક્ષસ રણમેદાનમાં આવ્યો અને બન્ને યોદ્ધાઓ વચ્ચે અજબગજબનું માયાવી યુદ્ધ થયું, જેમાં ઇરાવન વીરગતિને પામ્યો.

જોકે આને કારણે રોષે ભરાઈને ભીમસેને નવમા દિવસે જ નવ કૌરવોનો વધ કરીને પ્રતિશોધ લીધો.

એવું કહેવાય છે કે ઇરાવનના મૃત્યુના એક દિવસ પહેલા સહદેવ, કે જેણે ત્રિકાલદૃષ્ટિ પ્રાપ્ત કરી હતી, તેણે ઇરાવનને કહ્યું હતું કે તે બીજા દિવસે મૃત્યુ પામશે. જો કે આ સાંભળીને ઈરાવન જરા પણ ચલિત ન થયો, પણ તેણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે તે અપરિણીત મરવા માંગતો નથી.

હવે, ઇરાવન માટે આટલી ત્વરિત વિવાહ ઇચ્છુક કન્યાનો પ્રબંધ અશક્ય હતો, કારણ કે શ્રીકૃષ્ણએ યુદ્ધમાં હાજર રાજાઓને તેમની પુત્રીના લગ્ન ઇરાવન સાથે કરવા કહ્યું, પરંતુ ઇરાવન બીજા દિવસે મૃત્યુ પામશે તે જાણીને, કોઈ રાજા તેને પોતાની પુત્રી દેવા રાજી ન થયો.

ત્યારે અંતિમ ઉપાય તરીકે શ્રીકૃષ્ણે સ્વયં જ મોહિની સ્વરૂપ લઈને સ્ત્રી બની ઈરાવન સાથે લગ્ન કર્યા. પછી લગ્નને બીજે દિવસે જ્યારે ઇરાવનનો વધ થયો ત્યારે તેની વિધવા, એવી મોહિની સ્વરૂપે કૃષ્ણે હૈયાફાટ રુદન કર્યું હતું.

આ મોહિની-કથાને દક્ષીણ ભારતના તામિલનાડુમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે. ખાસ કરીને ત્યાંનો વ્યંઢળ સમાજ આ બાબતને પોતાના જીવન સાથે પણ જોડી લે છે.

તેઓના સમાજમાં, ઇરાવનને દેવતાની જેમ પૂજવામાં આવે છે. એક ચોક્કસ દિવસે, કુવાગમ ગામમાં ઘણા વ્યંઢળો ભેગા થાય છે.

વિલ્લુપુરમ જિલ્લાના આ ગામમાં, એ સઘળા આ વાર્ષિક લગ્નોત્સવમાં રંગબેરંગી સાડી પહેરી, માથામાં ચમેલીના ફુલનો શણગાર કરીને ઇરાવન સાથે સામૂહિક લગ્ન કરે છે, કારણ કે શ્રીકૃષ્ણએ સુધ્ધાં પુરુષ હોવા છતાં એક સ્ત્રી સ્વરૂપે ઇરાવન સાથે લગ્ન કર્યા હતા, એટલા આ વ્યંઢળો, કે જે સ્ત્રી રૂપમાં પુરુષ ગણાય છે, તેઓ પણ ઇરાવન સાથે એક રાત પુરતાં લગ્ન કરે છે અને તેને પોતાનો આરાધ્ય દેવ માને છે.

જો કે આ તેમનું લગ્નજીવન એક જ દિવસ ટકે છે, કારણ બીજે દિવસે તેમના દેવતા ઇરાવનના મૃત્યુ સાથે જ તેમનું વૈવાહિક જીવન ખતમ થઈ જાય છે, અને ત્યારે વિધવા-વિલાપ કરી આ સઘળા વ્યંઢળો શોકગ્રસ્ત થઈ જાય છે.

આમ મહાભારતના આ પાત્રના મૃત્યુના નામે ત્યાં દર વર્ષે એક લગ્નોત્સવ ઉજવવામાં આવે છે.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)