ના શોખીઓ મળી, કોઈ અદા ય ના મળી,
વફા-જફા-વિરહ-મિલન-સદા ય ના મળી,
સિતમ-કરમ, ઈકરાર કે ઇન્કાર ની ક્યાં વાત,
એ રીતે ભૂલ્યા, માફી શું, સજા ય ના મળી.
અવગણના નહોતી, અને ગણના ય ના મળી,
અપેક્ષા ય ના મળી, કે ઉપેક્ષા ય ના મળી.
અસ્તિત્વ ને જ જાણે, નકારી દીધું હો સાવ,
પ્રેમ શું, કોઈ તણી ઘૃણા ય ના મળી.
સફળતા ન પામ્યો, વિફળતા ય ના મળી,
નિષ્ઠુરતા નહોતી, સરળતા ય ના મળી,
દુનિયા ના પ્રપંચો ને ખાળી શકું એવી,
જીદ તો ન મળી, એવી કુટિલતા ય ના મળી.
ધન પણ ન મળ્યું, સાવ ગરીબી ય ના મળી,
મહેરુમ સાવ નહોતો, મગરૂબી ય ના મળી,
અજ્ઞાની ન’તો, જ્ઞાન પણ પામ્યો નહીં ઝાઝું,
અચ્છાઈ ને છોડો, કોઈ બુરાઈ ના મળી.
કંઈ પણ નથી મળ્યું, તેથી ફિકરે ય ના મળી,
મળયું છે એને, ચેન ની નીંદરે ય ના મળી.
પહોંચ્યો હું નથી ક્યાંયે, હતો ત્યાંને ત્યાંજ છું,
પહોંચી ગયા છે એમની ખબરે ય ના મળી.
નાસ્તિકતા મળી કે ન આસ્તિકતા મળી,
સજ્જન નથી મોટો, નથી દુર્જનતા મળી,
ભોળો ય નથી સાવ, નથી ઘીટતા મળી,
નાદાન નથી, કિન્તુ ના ગંભીરતા મળી.
ઈશ્વર નથી મળ્યો, એની ઝલકે ય ના મળી,
ઘૂમી વળ્યો છું, આખા મલકે ય, ના મળી,
જાણું છું કે, કણ-કણ અને જણ જણ માં તું વસે છે,
તને પામવાની, કિન્તુ, તકે ય ના મળી.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)