ગિરનાર પર આવેલા જૈન મંદિરો સાથે જોડાયેલી રોચક વાતો, જે બધાને ખબર નથી, જાણો તેના વિષે.

0
932

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ – તા 9/9/21.

ગિરનાર જૈન મંદિરો, જુનાગઢ, ગુજરાત.

ગિરનાર જૈન મંદિરો એ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં જુનાગઢ નજીક ગિરનાર પર્વત પર આવેલા છે. પર્વત પર દિગંબર અને શ્વેતાંબર બંને જૈન ફિરકાઓના મંદિરો છે.

સ્થાન : જુનાગઢ નજીક, ગિરનાર, ગુજરાત.

જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓનીક તલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ. તેમની વિવાહિતા રાજુલે પણ સંસારનો ત્યાગ કર્યો અને તેઓ સાધ્વી બન્યા.

ગિરનારને પ્રાચીન કાળમાં રૈવત કે ઉજયન્ત તરીકે ઓળખવામાં આવતો હતો. તે ૨૨મા તીર્થંકર નેમિનાથને સમર્પિત હતું અને ઈ.સ. પૂર્વે ૨૫૦ સમ્રાટ અશોકના કાળ સુધી જૈનોનું યાત્રાધામ હતું.

આ મંદિર સંકુલ ગિરનાર પર્વતના પ્રથમ સપાટ ભાગ પર, ૩,૮૦૦ પગથિયે, જુનાગઢથી ૨૩૭૦ ફૂટની ઊંચાઈ પર સ્થાપિત છે. તે ગિરનારના પ્રથમ શિખરથી ૫૦૦ ફૂટ નીચે છે. આ મંદિરો ખૂબ સુંદર કોતરણી ધરાવે છે. તેમની કોતરણીની સરખામણી રાજસ્થાનના આબુ નજીક આવેલા દેલવાડાના દેરાસરો સાથે થઈ શકે છે. અહીં જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર બંને પંથના લોકો દર્શનાર્થે આવે છે.

જૈન મંદિર સંકુલમાં પ્રવેશ કરતાં, ડાબી તરફ મંદિરોનો મોટો સમુહ છે. જમણી તરફ માનસિંગ રાજા, કચ્છના ભોજ રાજાનું જુનું ગ્રેનાઈટનું મંદિર છે તેથી વધુ આગળ વસ્તુપાળનું વિશાળ મંદિર છે.

અહીંના ૧૬ મંદિરો એક ઉંચી કરાડ પર નાનકડા કિલ્લા જેવી રચના કરે છે. જો કે તે પ્રથમ શિખરથી ૬૦ ફૂટ નીચે છે. સૌ મંદિરોમાં નેમિનાથ મંદિર સૌથી મોટું છે તે ૧૯૫ ફૂટ x ૧૩૦ ફૂટના લંબચોરસ આકાર પ્રાંગણમાં આવેલું છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૧૨૮ થી ૧૧૫૯ સુધી થયેલું હોવાનો અંદાજ છે. આ મંદિરો બે ખંડ ધરાવે છે. જેને મંડપ કહે છે અને છેવટે ગર્ભ ગૃહ છે. ગર્ભ ગૃહમાં નેમિનાથની પદ્માસનમાં બેઠેલી કાળી મૂર્તિ છે, તેમની હથેળીમાં શંખ છે.

આ મુખ મંદિરને ફરતે આરસની ઘણી મૂર્તિઓ છે. બાહ્ય અને આંતરિક ખંડ વચ્ચે બે મૂર્તિઓ છે. બાહ્ય ખંડમાં પીળા પથ્થરના બે નાના ઓટલા છે, જે પગનો આકાર ધરાવે છે તેને પાદુકા કહે છે. જે તેમના પ્રથમ અનુગામી ગાંધારોના ૨૪૫૨ ફૂટ ના પગલાં દર્શાવે છે. આની પશ્ચિમ તરફ સીધો ઢોળાવ ધરાવતી ખીણ છે. આના બે સ્તંભો પર ૧૨૭૫, ૧૨૮૧ અને ૧૨૭૮ના જીર્ણોદ્દાર વર્ણવતા લેખો છે. આ સંકુલની ફરતે લગભગ ૭૦ નાની દેરીઓ છે.

દરેકમાં આરસની પ્રતિમા છે. દેરી આગળ નાનકડી ચાલી છે. મંદિરનો મુખ્ય પ્રવેશ પૂર્વ તરફ હતો, પણ તેને હમણાં બંધ કરી દેવાયો છે. હવે ખેંગારના મહેલની પ્રાંગણથી આવતો પ્રવેશ વાપરવામાં આવે છે. જુના નીચા અંધારિયા મંદિરમાં જવા એક નાનો રસ્તો છે. આ મંદિરમાં ગ્રેનાઇટના સ્તંભોની હાર છે. પ્રવેશની સામે એ ખંડ છે જેમાં બે મોટી કાળી મૂર્તિઓ આવેલી છે. તેની પાછળ આક્રમક સિંહોની કોતરણી છે. તેની ઉપર તરફ મગરની કોતરણી છે.

આ ખંડની પાછળથી એક ગુફામાં જવાય છે તેમાં મોટી આરસની મૂર્તિ છે, તે પ્રાયઃ સાધુજીઓ દ્વારા બંધ રખાય છે. તેના ખભા પર એક ખાડો છે. તેનું કારણ કર્ણમાંથી થતી અમીઝરા બતાવાય છે. ઉત્તરમાં અમુક કોતરણી છે. તેમાં લખેલું છે કે, અમુક ઠાકોર દ્વારા સવંત ૨૦૧૫માં આ મંદિરનું કાર્ય પૂર્ણ થયું અને અંબિકા દેવીનું મંદિર બંધાવાયું.

આ સિવાય ડાબી તરફ ૩ મંદિરો છે. દક્ષિણ તરફ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ દેવની પાલીતાણાના મંદિર જેવી જ મોટી મૂર્તિ છે. તેને ભીમ-પદમ કહે છે. આ મૂર્તિનું આસન ૧૪૪૨ માં પીળા પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તેમાં ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે.

આ મંદિરની સામે પાંચભાઈના અર્વાચીન મંદિરો છે. મોટા મંદિરના પશ્ચિમ તરફના ભાગને મલકાવીસી કે મેરાવસી કહે છે. આ મંદિર પાર્શ્વનાથને સમર્પિત છે તેનું બાંધકામ ૧૫ મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે. ઉત્તર તરફ એક અન્ય મંદિર છે, તેમાં પાર્શ્વનાથની આરસની સફેદ મૂર્તિ છે. આ મૂર્તિ પણ શેષફણી નામનો નાગ પોતાની ફેણથી છત્ર ધરે છે.

નાગની ફેણ ના છત્ર ધરાવતી દક્ષિણ ભારતમાં સામાન્ય હોય છે, પણ ઉત્તર તરફ તે સામાન્ય રીતે દેખાતી નથી. તેની તારીખ ૧૮૦૩ ની છે. ઉત્તર તરફનું છેલ્લું મંદિર ચાલુક્ય વંશના કુમારપાળ રાજાએ બંધાવેલું કુમારપાળ મંદિર છે. આ મંદિર પશ્ચિમ તરફ વિશાળ ખુલ્લુ આંગણું ધરાવે છે. આ મંદિર મુસ્લિમ રાજાઓ દ્વારા દ્વંસ કર્યાનું મનાય છે. આ મંદિરનો ૧૮૨૪ માં હંસરાજ જેઠાએ જીર્ણોર્દ્ધાર કરાવ્યો હતો. આ મંદિરો પર્વતની પશ્ચિમ ઢોળાવ પર છે અને ચારે બાજુએ બંધ છે.

ઊત્તર દિશામાં બહારની તરફ ભીમ કુંડ છે તેમાં હિંદુ જાત્રાળુઓ સ્નાન કરે છે. આ કુંડ ૭૦ ફૂટ x ૫૦ ફૂટ માપનો છે. નેમિનાથના મંદિર પાછળ વસ્તુપાળ-તેજપાળના ત્રિમંદિર છે. આ મંદિરને બંને ભાઈઓએ ૧૧૭૭ માં બંધાવ્યા હતા. આ ત્રણ મંદિરો જોડાયેલા છે. તેમાં ૧૯ મા તીર્થંકર મલ્લિનાથની નીલ-શ્યામ મૂર્તિ છે.

ઉત્તર તરફ વધુ આગળ સંપ્રતિ રાજાનું મંદિર છે. આ મંદિર સમગ્ર પર્વત પરના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. (ઈ.સ. ૧૧૫૮) સંપ્રતિ રાજા ઈ. પૂ. ત્રીજી શતાબ્દિમાં ઉજ્જૈન પર રાજ્ય કરતા હોવાનું મનાય છે. તે અશોકના ત્રીજા પુત્ર કુણાલના પુત્ર હતા. દક્ષિણ દિશામાં, શિખર તરફ જતાં, ૨૦૦ ફૂટ ઉપર, ઝરણા આગળ ગૌમુખી દેવળ છે.

ગિરનાર પર્વતપર પાંચ મુખ્ય ટૂંક છે.

પ્રથમ ટૂંક: બે માઈલ જેટલો પર્વત ચઢતા. એક દિગંબર જૈન મંદિર અને રાજુલમતીની ગુફા આવે છે. એમ કહેવાય છે કે રાજુલમતિ એ અહીં સાધના કરી હતી. અહીં એક નાનકડું અન્ય મંદિર છે જેમાં બાહુબલીની એક નાનકડી (૧૨૦ સે.મી.) ઊભી મૂર્તિ છે. તેની બાજુમાં કુંદકુંદ મુનિની પગલી છે. મંદિરમાં મૂળ નાયક નેમિનાથ છે (વિક્રમ સંવત ૧૯૨૪). તે સિવાય પાર્શ્વનાથ અને નેમિનાથની અન્યમૂર્તિઓ છે. અહીં ગોમુખી ગંગા નામનું ઝરણું છે અને તેની નજીક ૨૪ તીર્થંકરની પગલીઓ છે.

બીજી ટૂંક: ૯૦૦ પગથિયા પછી મુની અનિરુદ્ધ કુમરની પગલીઓ અને દેવી અંબિકાનું મંદિર આવે છે.

ત્રીજી ટૂંક: અહીં સમ્બુક કુમાર મુનિની પગલીઓ આવેલી છે. આ સ્થળે મુનિ નિર્વાણ પામ્યા હતા.

ચોથી ટૂંક : અહીં શ્રી કૃષ્ણના પુત્ર પ્રધ્યુમ્નકુમારની પગલીઓ આવેલી છે. તેઓ આ સ્થળે નિર્વાણ પામ્યા હતા.

પાંચમી ટૂંક : પંચમી ટૂંક પર નેમીનાથના પગલીઓ આવેલી છે. ભગવાન નેમિનાથ આ સ્થળે નિર્વાણ પામ્યા હતા.

– સાભાર મુકુંદરાય ધારૈયા (અમર કથાઓ ગ્રુપ) (મૂળ સ્ત્રોત ગુજરાતી વિકિપીડિયા)