10-12 જણા માટે બનાવેલું ભોજન 30 જણા જમ્યા તો પણ વધ્યું, વાંચો જલારામ બાપાના જીવનનો પાવક પ્રસંગ.

0
777

દેવકીગાલોળમાં સંત રામભગતની એક જગ્યા આવેલ છે. આ સંત તેમના પૂર્વ જન્મમાં, દેવકીગાલોળમાં થઈ ગયેલા અવતારી પુરુષ કર્મણ ભગતના અવતાર મનાતા. આ જગ્યા કર્મણ ભગતે બાંધેલી. કર્મણ ભગતે આખરની અવસ્થામાં ગામના એક કણબીને અમુક નિશાનીઓ આપી જગ્યા સોંપી અને હેમાળો ગાળવા ચાલી નીકળ્યા હતા. પાછળથી તેમણે રામભગત નામ ધારણ કરી દેવકીગાલોળમાં જ અવતાર લીધો.

રામભગત ઉંમરલાયક થતાં પેલા કણબી પાસે આવી, હિમાલય જતાં જે નિશાની આપી હતી તે જ નિશાની કહી. આ સાંભળી કણબી ભગત રામભગતના ચરણમાં પડ્યા અને જગ્યા તેમને સોંપી આપી. જલારામ બાપા જ્યારે જ્યારે દેવકીગાલોળ પધારતાં ત્યારે રામભગતને મળવા જતાં અને રામભગતને પગે લાગતાં. રામભગત તરત જ કહેતા, ‘હાં! હાં! ભગત આ શું કરો છો? હું તો તમારી પાસે બાળક ગણાઉં. આપે પગે લાગવાનું હોય! આપે તો મને આશીર્વાદ આપવાનો હોય!’

બાપા કહે, ‘રામભગત! આપ તો મારાથી મોટા છો.’ આ સાંભળી રામભગત હસતા અને વાત આટલેથી જ અટકતી. પણ એક વખત જ્યારે બાપા ફરી રામભગતને પગે લાગ્યા ત્યારે રામભગતે હઠ લીધી કે, ‘બાપા! હવે હું આપને પગે લાગવા નહીં દઉં. આપ પગે લાગો તેથી મારી અપકીર્તિ થાય, નહિતર કહો કે શા માટે આપ મને મોટો માનો છો?’

બાપા અને રામભગત એકાંતમાં ગયા, ત્યાં બાપાએ હાથ જોડી કહ્યું કે, ‘રામભગત! આપ કર્મણ ભગતના અવતાર છો. હેમાળો ગાળી પછી રબારી કોમમાં આપે અવતાર લીધો છે અને રામભગત નામ ધારણ કર્યું છે. કર્મણ ભગત, હવે કહો મારાથી આપ મોટા ખરા કે નહીં?’ આ સાંભળી રામભગતે કહ્યું કે, ‘ભલે જલાભગત! હું તમારાથી મોટો રહ્યો પણ એક વચન આપો કે આપે હવે બીજા કોઈને વાત કરવી નહીં ને મને પગે લાગવું નહીં.’

બાપાએ કહ્યું કે, ‘જેવી આપની આજ્ઞા.’ આમ બાપા, દેવકીગાલોળ રામભગતને મળવા પધારતાં ત્યારે બાપાનો ઉતારો ધર્મની બહેન ગલાલબહેનને ત્યાં રહેતો. બાપા એક વખત પચીસેક સંતજનો સાથે બરાબર જમવાને વખતે દેવકીગાલોળ પધાર્યા અને બહેનને ઘરે જઈ ઊભા રહ્યા. ગલાલબહેને બાપાના મીઠડાં લીધાં અને ઢોલિયો પાથરી દીધો અને સાથે આવેલા સૌ સાધુઓને પ્રેમપૂર્વક બેસાડ્યા.

જમવાનો વખત હતો એટલે બહેન પાછાં રસોડામાં ગયાં. બાપા સમજી ગયા કે બહેન જમવાના વખતે આ 30 જણા આવ્યા છીએ એટલે મૂંઝવણમાં પડી ગયાં હશે અને બીજી રસોઈ કરવા મંડશે. બાપા પોતે રસોડામાં પધાર્યા અને કહ્યું કે, ‘અરે ગલાલબહેન, આ શું કરો છો?’ ‘ભાઈ, સાચું કહું? આ અમારા 10-12 જણા માટે મીઠો ભાત કર્યો છે. તે તો તૈયાર છે પણ તમને 30 જણાને ક્યાંથી પૂરો થાય? એટલે બીજું આંધણ મૂક્યું છે. આપ થોડી વારમાં ભાત થઈ જશે.’

બાપા કહે, ‘મને તમારા રાંધેલ ભાતનું ઠામ દેખાડો એટલે હું જોઈ લઉં કે, ભાત અમને સૌને પૂરો થાશે કે નહીં?’ બહેને તો ભાતનું ઠામ ઉઘાડ્યું. ત્યાં તો બાપા બોલ્યા કે, ‘અરે બહેન! આટલા ભાત થોડા! આ તો બધાયને થઈ રહેશે. ઘીનો દીવો કરી, માથે ફાળિયું ઢાંકી દો અને તમો મંડો પીરસવા.’ બાપા ઊભા રહ્યા અને ગલાલબહેન મંડ્યા પીરસવા, સાધુઓએ માંડ્યું જમવા, ખૂબ જમ્યા. બહેને પણ તાણ કરી કરીને જમાડ્યા. પછી કુટુંબના સૌ માણસો જમ્યાં.

અને છેલ્લે ભાઈ બહેન સાથે બેસીને ખૂબ આનંદપૂર્વક જમ્યાં. જમી લીધા પછી બહેને તપેલામાં જોયું તો ભાત હજુ પડ્યો છે, આ જોઈ બહેન તો બાપાના પગમાં પડ્યા. બાપા કહે કે, ‘અરે બહેન! તમે પગમાં પડો તો તો હું પાપમાં પડું. તમારે તો દુખણા લેવા જોઈએ.’ ત્યારે ગલાલબહેન બોલ્યા કે, ‘અરે મારા વીરા! આ તારો ચમત્કાર તો મેં આજે નજરોનજર જોયો. અને મારા કુટુંબમાં પણ સૌએ જોયો. એટલે હું તો તમને મનુષ્ય કેવી રીતે માનું! તમે તો દૈવી પુરુષ છો.’ ત્યારે બાપા બોલ્યા કે, ‘બહેન, એ તો ઠાકરની માયા છે. ઠાકર સૌને જમાડે છે. તે મારો ‘વહાલો’ મારી લાજ રાખે છે.’

તુલસીદાસજી મહારાજે યથાર્થ ગયું છે-

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ,

ઈતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન…

આજ પણ ગલાલમાના વંશજો એવા જ ભક્તિભાવથી બાપાને પૂજે છે.

– સાભાર નયસત ગોસાઈ (આપણો ઇતિહાસ ગ્રુપ)