“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.” જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. આ કાવ્યમાં માતાની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી – આ ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે .
કવિઓએ માતૃપ્રેમને સ્વર્ગથી પણ ચડિયાતો ગણ્યો છે. કવિ શ્રી બોટાદકર કહે છે કે, મીઠા મધ અને મેહુલાથી પણ મારી માતા મીઠી છે. તેઓ કહે છે કે, માતાની સરખામણી કોઇની સાથે ન થઈ શકે તે અજોડ છે. માતા એ તો ભગવાનના પ્રેમ અને હેતની પૂતડી છે તેથી એ આખી દુનિયાથી અલગ છે. માતાનું સર્જન પ્રભુએ કર્યું છે એટલે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન છે અને એનો સ્વભાવ તો જગતના બધા લોકો કરતાં નિરાળો એટલે કે અલગ છે. એટલે કે આખા વિશ્વથી માની પ્રેમની જોડ જુદેરી અલગ છે.
માં ની આંખો અમીથી ભરેલી અને તેના વેણ વહાલથી ભરેલા છે. એટલે હે સખી માતાની પ્રેમની આવી જોડ ક્યારેય નહી જડે. માં ના હાથ સુવાળા રેશમથી ગુથેલા હોય તેવા છે, અને એનું હદય હેમંતઋતુની શીતળતાથી ભરેલાં હેલ એટલે કે માનું હૈયું શીતળ છે. એટલે કે સખી માતાની આવી જોડ ક્યારેય નહી જડે.
માતાના દૂધ એટલે કે ધાવણ દેવ લોકોને થોડા પણ ન મળે તેવા દુર્લભ છે. કેહવાય છે કે ત્રણ જગતનો નાથ પણ એ વિના અનાથ છે, અને એનો ખોળો તો ચંદ્રની ચાંદનીથી સીંચેલો હોય એવો શીતળ છે. એટલે કે સખી આવી માતાની જોડ જગતમાં બીજી મળવી મુશ્કેલ છે.
આખા જગતનો આધાર માતાની આંગળી છે જે આપણે આંગળી પકડી બાલમંદિરના પગથિયાં સુધી પહોંચાડે છે. માતાના હદયમાં કેટકેટલા અરમાનો ભર્યા છે એટલે કે હે સખી આ જગતમાં માતાની આવી જોડ નહી જડે. માતાનું મન જાણે બાળકના સુખમાં જ રહેલું હોય છે એટલે કે, એ હમેશાં બાળકને સુખી જોવા જ વિચારતી હોય છે. આથી એના પ્રાણ પ્રત્યેક સમયે પોતાના બાળક સાથે બાંધયેલા હોય છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે .
માં ના હદયમાં મૂંગા આશીવચનો મલકાતા રહે છે અને એના એ આશીવચનની ભેટ આપણે લઈએ તોપણ તે ક્યારેય ખૂટતાં નથી. એટલે કે હે સખી! આ જગતમાં માતાની જોડ આવી મળવી મુશ્કેલ છે. ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજતી હશે પણ માં પોતાના બાળક પ્રત્યેની લાગણીમાં ક્યારેય વિચલિત થતી નથી. એટલે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.
ભારતની પવિત્ર ગણાતી ગંગા નદીનો પ્રવાહ એટલે કે વહેતો વ્હેણ ક્યારેક વધતો ઘટતો થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ તો નિરંતર એકસરખો જ રહે છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે. આકાશમાં રહેલી વાદળો પણ ક્યારેય વરસી જાય છે તો ક્યારેય બંધ થઈ જાય છે, પરંતુ માતાનો પ્રેમ તો વરસાદની જેમ અવિરત બારેમાસ મળી જ રહે છે. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે .
કવિ કહે છે ચંદ્રની ચાંદનીમાં પણ સુદ એટલે કે, શુક્લ પક્ષમાં વધારો થાય છે, જ્યારે વદ એટલે કે, કૃષ્ણ પક્ષમાં ઘટાડો થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી. એટલે કે હે સખી! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)