જાણો વડતાલ, જુનાગઢ જેવા ભવ્ય અને દિવ્ય મંદિરો બંધાવી સત્સંગને અમૂલ્ય ભેટ આપનાર ‘સદગુરુ બ્રહ્માનંદ સ્વામી’ વિષે.

0
304

સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ રાજસ્થાન રાજ્યમાં શિરોહી તાલુકાના ખાણ ગામમાં વિ.સં.1828 મહા સુદ વસંત પંચમીના દિને માતા લાલુબા દેવી અને પિતા શંભુદાનજી થકી થયો હતો. તેમનું બાળપણનું નામ લાડુદાન હતું. તેવો મારુ ચારણ કુળમાં આશિયા શાખાના ગઢવી કુળના હતા. મોટા થતા શિરોહીના મહારાવશ્રીના લગ્ન પ્રસંગમાં લાડુદાનજી ગયા. ત્યાં તેમની કાવ્ય શક્તિ દીપી ઊઠી.

કિશોરવયના લાડુદાનજીએ દુહા–છંદની એવી તો રજુઆત કરી કે રાજી રાજી થઇ રૂડા રાજવીએ કહ્યું કે લાડુદાનજીને ડીંગળ–પીંગળનું ભણવા કચ્છ મોકલો, માતા-પિતાનું મન પુત્રને આંખથી દુર કરવાનું ન હતું. પણ કિરતારે જેના લલાટમાં શ્રીહરિના ચરણ સેવીને ગુણગાન ગાવાની ટાંક ત્રોફી હતી, એવા લાડુદાનજીને કચ્છથી મહેમાન તરીકે આવેલા ભૂદેવ પોતાની સાથે લઇ ગયાં. લાડુદાનજી તો કોઈ દિવ્ય મહાપુરુષ હતા. તેમનું આ પૃથ્વી પરનું આગમન અનેક જીવના કલ્યાણ માટે દિશાસૂચન રૂપ હતું.

ભુજ (કચ્છ) માં પોતે 10 વર્ષ સુધી પીંગળ અને અન્ય કાવ્ય શાસ્ત્રનો અભ્યાસ કરી તીવ્ર મેઘાના પ્રતાપે શતાવધાની વિદ્યા હાંસલ કરી લીધી. વૃજ પાઠશાળામાં લાડુદાનજીનો અભ્યાસ આરંભાયો અભયદાનજી પાસેથી તેમને એષ્ટાવધાન-શતાવધાન પર સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી. ભાંગતી રાત્રે જ્યારે લાડુદાનજી રેણકીછંદ લલકારે ત્યારે અર્ધુનગર ભર નિંદરમાંથી જાગી જઇને તેમની અમૃતવાણીમાં વિહરી રહેતું. પૂર્ણ અભ્યાસને આંબી જઇને લાડુદાનજીએ પોતાના વતન ભણી વળી નિકળવા પ્રયાણ આદર્યું એની જાણ કચ્છના મહારાવને થતાં તેમણે લાડુદાનજીને કહ્યું કચ્છમાં કાયમી મુકામ કરો, તો પસાવા અને બાર ગામ બક્ષિસ આપું.

મહારાવ મારા માતા-પિતાને મારા વિયોગ વસમો લાગે છે. રોકાય જવું યોગ્ય નથી. પછી તો લાડુદાનજી ધ્રાંગધ્રાના રાજવીને રીજીવીને પાંચ હજારનો ઇનામ મેળવ્યો. જામનગર-માળીઆ થઇને જુનાગઢના નવાબને પોતાની કાવ્ય ચાતુરીથી ચકિત કરીને ફલદાર અને કીર્તિ મેળવીને ફરતા ફરતા ભાવનગરના ભૂપ સામે ખડાં થયા બળકટ બાની વહેતી કરીને કવિએ ભરી કચેરીને રસ તરબોળ કરી દીધી. ભાવનગરની કચેરીમાં રાજુલાના સોની નાગભાઇના કપાળમાં સ્વામિનારાયણનું તિલક નિહાળીને લાડુદાનજીએ પુછ્યું.

‘આ ટીલુ વળી ક્યાં પંથનું છે?’

સોની મહાજને હળવેથી ઉત્તર વાળ્યો.

કવિરાજ આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું છે.

‘આ નવતર ક્યાંથી નિકળ્યું?’

આવા સવાલના જવાબમાં નાગભાઇએ સહજાનંદ સ્વામીના અપરંપાર પરચાની માંડણી માંડી લાડુદાનજી સાંભળીને એટલું જ બોલતાં કે મારે એનો તાગ લેવો પડશે. ભાવનગર નરેશ વજેસિંહના કહેવાથી તેઓ સ્વામિનારાયણ ભગવાનનું પારખું લેવા માટે ગઢડા આવે છે, ત્યારે રસ્તામાં સંકલ્પો કરે છે. ગઢવી શ્રીહરિને મળ્યા. તે સમયે શ્રીહરિએ તેમના બધા સંકલ્પો પૂરા કરી દેખાડયા. ગઢવીને શ્રીહરિમાં પ્રભુનો નિશ્ચય થયો. પારખું લઈ લીધું અને પોતે ગઢડા કાયમ માટે શ્રીહરિના ચરણમાં બેસી ગયા.

શ્રીહરિએ તેમને યુક્તિ પૂર્વક લાડુબા અને જીવુબાને ઉપદેશ આપવા માટે મોકલ્યા અને ત્યાં જ વૈરાગ્યને પામી સંત દિક્ષા લેવાનું નક્કી કર્યું. મહારાજે તેમને દિક્ષા આપી શ્રી રંગદાસ સ્વામી નામ ધારણ કરાવ્યું અને પછી બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. પોતે શ્રીહરિની 114 પ્રકરણની આકરી કસોટીમાંથી સારધાર પાર ઉતર્યા. તેમની તમામ શક્તિઓને ચાર ચાંદ લાગી ગયા. પોતાની કાવ્યકલા, વિચારશક્તિ પ્રભુ કાર્યમાં જોડી અનેક દિવ્ય પ્રસંગોના પોતે સાક્ષી બન્યા.

સાથે કૃપાપાત્ર અને સખા સેવક પણ બન્યા. વડતાલનું મંદિર બાંધવા માટે શ્રીજી મહારાજે તેમને રૂ. 12 આપી મોકલ્યા. સ્વામીએ પોતાની કુનેહ, વ્યવહાર કુશળતાને બુદ્ધિ વાપરી વડતાલનું મંદિર બનાવી તેમાં શ્રીહરિનું સ્વરૂપ તથા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. સ્વામી પોતે તો અખંડ બ્રહ્મચારી અને બ્રહ્મવેત્તા સંત હતા, તેમના યોગમાં આવતા કાઠી દરબારોને નિર્વ્યસની બનાવી દેતા. સ્વામીએ ઉપદેશ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને લગતા 10,000 થી પણ વધારે કિર્તનોની રચના કરી છે.

ધામમાં જતા પહેલા સંતો અને આચાર્ય મહારાજ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને તેડાવી નાની એવી માંદગી ધારણ કરી, સંતો-ભક્તોને જરૂરી ભલામણ કરી શ્રીજીનું ધ્યાન કરતાં કરતાં સં. 1888 ના જેઠ સુદ-10 ના મધ્યાહ્ને આ પૃથ્વી પર 60 વર્ષ 5 માસ અને 5 દિવસ રહી શ્રીહરિ સાથે આનંદપૂર્વક ધામમાં પધાર્યા. સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી વડતાલ, જુનાગઢ, મૂળી જેવા ભવ્ય અને દિવ્ય મંદિરો બંધાવી સત્સંગને અમૂલ્ય ભેટ આપી છે. આજ સ્વામીની જન્મતિથીએ સ્વામીના ચરણોમાં કોટિ કોટિ વંદન.