“જાનું – ગીરની જાન!” – પોતાની વાછરડીને બચાવવા માટે સિંહણ પાછળ દોડી હતી નીડર છોકરી, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
600

જાનું જટ પાછા પગલાં નો ભરે એવી મધગરયના નેહડાનાં વસતા મેરુ માલધારીની દીકરી, પણ તે’દી એણે સાવજને હુટકાર્યો નય અને પાછા પગલાં ભરી લીધાં’તા. બન્યું તું એમ કે.. એ રાતે અડધો અષાઢ અધમુવો થઈ જાય એમ વરસી ગયો તો,,નેહડાની કાંખમાંથી પસાર થતી નદી,,કાંખ ચોલતી ગઈ તી, જોકના જાળા હાર્યે ઢસડી ગયેલ,, સવાર કોર્ય વરસાદ રહી જતાં નદીના પાણી ઓસરી ગયેલ.

આમ તો મેરુને દોઢસોયેક ભેહનું ગરયને પણ ગૌરવ થાય એવું ખાડું પણ એ એક અસલ ગરયની ગળેડ ગાય પણ રાખે,,અસલ ચણોઠીના રંગની ગળેડ ગાયે ચાર પાંચ દિવસ પહેલા ગોરી વાછરડીને જન્મ આપેલો…

ત્રણ દિવસથી રાત ઉજાગરા કરી જાનુએ પોત્યે રાતે બે વાગ્યે ઇ વાછરડીના ખરીયા ખેંચી એનો જનમ કરાવેલો.. જાનું જ પરિચારિકાની ભૂમિકામાં સમજો ને…

બાજરાની ઘૂઘરીમાં ચણોઠી નાંખીને જરનો પડતી હોઈ તો માલઢોર ને ખવડાવાઈ એ પણ જાનું જાણે.. સુપડાં જેવા મોટા અને કેળના પાન જેવા લાંબા કાન વાળી એ રૂપાળી વાછડી જાનુંનો જીવ હો બાપ! હાલતા ચાલતા,, વાંચીદા કરતાં,,કાવડ ભરીને આવતાં એમ..વારે વારે જાનું એ વ્હાલુડી વાછડી પર સ્નેહથી હાથ ફેરવ્યા કરે… એની નાની બેન ના હોઈ જાણે!..હેતનાં હલેચા હો હમણાં તો જાનુને… સૂતા પહેલાં પણ જાનું એ વાછરડી હાર્યે રમી લેઇ ઘડીક…

અષાઢની અડધી રાતનો વરસાદ તે’દી જોકના જાળા તાણી લઈ ગયો તો એ રાતે…. ઉઘાડી થઈ ગયેલ જોકમાંથી એકલ ડાલામથ્થો મેરુની અડધી ઉઘાડી જોકમા ઘુસી ગયો તો.. ભેંહુ ભૂરાટી થઈ ને..ઇ જામ્બા જટાળાને ભીંહમાં લઈ ને સીંગ અને માથા મારી મારી ઘણો ફગાવ્યો..પણ એ જામ્બો જાણે આજ ખાલી હાથ જાવા ન માંગતો હોઈ એમ..

જાત બચાવતો કુંદતો, જાનું જ્યાં સૂતી એ ઝૂપડા બાજુ ભાગ્યો.. આખું નેહડું જાગી ગયેલું… ભાગતા ભાગતાં ઇ સિંહણનો સાયબો.. જાનુંના ખાટલાની ઇહ હાર્યે બાંધેલી એની વાલી વાછરડી ને મોઢામાં ઉપડતો ગયો.. જાનું આ જોઈ ન શકી..”બાપો બાપો..દીકરી બટા,, થોભ થોભ.. ના જા…એ ભૂખ્યો હશે.. વગાડી દેહે બેટા!”

એમ મેરુ ને એની ઘરવાળી અને બીજા લોકો કહેતાં રહયાં પણ,,જાનુંમાં કઈક અલગ જોમ હતું,,,ગુસ્સો હતો,,તપી ગઈ એ ગરયની ગાથા,,, હાથથી ઝાપાનું અડલું ખેંચતી થઈ વાંહે હો ઇ ગા ગોજારની! વાછરડીના વેરીની,,!!

વોકળું વળોટી વનરાજ ડુંગરના ગાળામાં પેહી ગયો.. એ વાછરડી તો ક્યારની માત્ર મારણ રહી ગઈ’તી…સાવજના મોઢામાં એના લબડતાં રેશમી કાન જાનુંથી જોવાતા ન્હોતાં..

વોકળાના વહેતા પાણીમાં જાતને જબોળતી, બહુ બળુકી જાનું… વાછરડીના મારતલને જાણે મેલવા માંગતી ન હોઈ એમ ગઈ પાછળ ગિરિવરના ગાળામા પાછળ પાછળ,,

વાંહે આખું નેહડું હલકી આવે છે..” ઉભી રે જાનું,, બસ બેટા,, હવે પાછી ફર્ય.. એમ રાડયું પાડતું”

હાથમાં અડલાને આમળતી,,,જાનું વરસાદને લીધે ભીંની થયેલ માટીમાં સાવજના સગડ દબાવતી,,, ધોડી જાય છે. અચાનક એક ઘટાટોપ કરમંદીના ઘેરામાં કંઈક અવાજ આવતા અટકી,,,એની ગોરી ગોરી વાછરડીના પગના ખરીયા દેખાતાં.. જાનુંના જીગરમાં ક્રોધે… આંટો લઈ લીધો…મા રું કે મ રું… એમ નક્કી કરી અડલું ઉગામતી કરમંદીની કાંટયને હડસેલતી ઘુસી ગઈ ઢવામાં…

ડાલામથ્થો લો હિયાળ મોઢે,,હાંફતો ,,મોંઢામાંથી લાળ જેરવતો બેઠો છે…..અડલું ઉપાડી ને જ્યાં જાનું એના માથામાં મારવા જાય છે ત્યાં ઉભો થઇ ગયો હો ગર્યનો ગરવો હાવજ,,,સાવજની આંખ અને જાનુંની આંખ મળી…ત્રાટક રચાયું…જાનું જોઈ રહી…એ વિકરાળ આંખમાં એને ક્રૂરતા નો દેખાણી.. બે હાથ ભીડીને વીંઝાયેલ અડલું ઉભું રહી ગયું,,, પાછળ મેંરું રબારી અને નેહના લોકોની બુમો નજીક આવતી હતી.

જાનુની નજર ફરી,, ત્રાટક તૂટયું,, આમ નજર ફેરવી તો સિંહણ એની ગોરી ગાયની કુંણી વાછરડીને અડધી ભરખી ચુકી હતી… એનો પેટનો ખાડો અને બાજુમાં તાજા જન્મેલા બે સિંહ બાળ વાછરડીના કુણા કાન થી રમતા હતાં..એ દ્રશ્ય જાનુની આંખ્યમાં આવીને આળગોટિયું ખાઈ ગયું…

સિંહ પર પ્રહાર કરવા ઉગામેલા હાથ ઉંચા જ ઉભા રય ગયા..પાછળથી અચાનક પુગી ગયેલા મેંરુંએ એની દીકરીને બાથમાં લઈ ને ખેંચી લીધી ઇ કરમંદીના ઢવામાંથી..

એ વનનાં રાજાના મોઢે ચોંટેલા લો હીસીવાય.. એના પેટમાં આ વાછરડીના શરીરની એક બોટી નય ગઈ હોઈ.. ગઈ રાત્યે સિંહણે બે બાળને જન્મ આપતાં,, સુવાવડી એ સિંહણની ભૂખ ભાંગવા એ સિંહણનો ભડથાર શિ કાર કરી ગ્યો તો એ નાનકડી વાંછરડીનો.

સ્તબ્ધ થયા પછી શાંત થયેલી જાનું ગરયની આ ગડમથલને સમજી ગઈ તી,,,એની કંકુવરણી વાછરડીના કુંણાં કુંણાં કાન હાર્યે સિંહ બાળને રમતાં નિહાળ્યાનું દ્રશ્ય આંખના અમી જેમ ભરી ને પાછી વળી ગઈ જાનું પોતાની જોકમાં,,હાં એના બાપૂના ખંભાને ટેકે…સહારે જ તો..

આવીને જાનુએ વાછરડીને બાંધતી એ ચોટીયો(દોરડું) હાથમાં લઈ ગળે વળગાડી લીધો…વાદળ વચાળેથી સૂરજ મહારાજે ડોકું કાઢયું… ને જાનુની આંખમાં ટગ ટગી રહેલાં આંહુડાએ સૂરજના તેજ ઝીલ્યાં..

– દેવાયત ભમ્મર.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

(સાભાર હિતેશ ગોજીયા આહીર, અમર કથાઓ ગ્રુપ)