જરૂર ના હોવા છતાં બીજાના ભાગનું અનાજ મફતમાં લાવેલા લોકોને ડોશીમા એ જે કહ્યું તે જાણવા જેવું છે.

0
670

લઘુકથા – સત્સંગ :

આજે તાલુકે મીટીંગ હતી.. મહામારીમાં લોકોને મફત અનાજ વિતરણની કામગીરીનો અહેવાલ આપવા તલાટી સાથે સરપંચને પણ જવાનું હતું.

સરપંચે પરવાનેદારને વિગત પુછી.. આવેલ મોટાભાગનો માલ વહેંચાઈ ગયો છે.. પણ સત્સંગ-મંડળની વીશેક ડોશીઓના ઘરના લઈ ગયા નથી.. ને લેવાની ના પાડે છે.

તલાટી સાથે ચર્ચા કરી.. “ઉધારી નાખો ને..” પણ તલાટી તૈયાર નહતો.. આવા કડક તપાસના સમયે નોકરી જવાની બીક લાગી.

નક્કી થયું.. બે-ચાર જણા જઈને ગંગામાને સમજાવીએ.. તે કહેશે તો બધી ડોશીઓ માની જશે.. કામ ઓછું દેખાશે તો ગામની આબરુ જાશે.

સરપંચ.. ને બીજા ત્રણેક ગંગામાને ઘેર ગયા.. ને વાત કરી.. પણ ગંગાડોશી ઉલટા ઉકળી ઉઠ્યા.

“મારા રોયાઓ.. મહામારી શેરમાં છે.. ગામડે ક્યાં છે.. ને આખા ગામમાં વરસ દાડાથીય વધારે ચાલે તેટલું ધાન છે.. ને તમને આવો મફત માલ ગામ માટે લાવતાં શરમ ના આવી.. તમારી બાયડીયું આ ઘઉં ચબુતરે ઉડાડશે.. ને ચોખાના પાપડ કરશે.. કોકના પેટ ભુખ્યા રહેશે.. તો કેવડું પાપ થાશે.. ને આબરુ હોય તો સરકારને કહી દેવું હતું ને કે, અમારા ગામની ચીંતા તમે ના કરતા.. એક વરસ સુધી અમે કોઈને ભુખ્યા સુવા નહીં દઈં. તમારા પાપમાં સાથ દઈને અમારે સત્સંગને કાળો કરવો નથી.”

બધા વીલે મોંએ પાછા ફર્યા.. તોય લાગ્યું કે.. ડોશીની વાત છે તો સાવ સાચી.

ગામ ભેગું કર્યું.. ચર્ચા થઈ.. સરપંચે કહ્યું.. “જે થવાનું હતું તે થયું.. પણ હવે આપણે ઘરદીઠ પાંચસો-પાંચસો કાઢો.. ને સરકારી મદદ ખાતામાં ફાળો આપી દઈએ.”

સૌએ એકમતે સ્વીકારી લીધું.

યુવાનોએ ઘરે-ઘરે ફરીને રુપિયા એકઠા કરી લીધા.. દોઢસો જેટલા સધ્ધર ઘર હતાં.. ઘટતી રકમ સરપંચે નાખી..ને “એક લાખ રુપિયા… સત્સંગ મંડળ તરફથી” એમ બીજે જ દિવસે સરકારમાં જમા કરાવી દીધા.

– જયંતીલાલ ચૌહાણ ૧૯ -૪ -૨૦

(ફોટા પ્રતીકાત્મક છે.)