જસદણના આલા ખાચરની ઉદારતા….
“રંગ તમારી ચતુરાઈને ! માખીઓ તો દિવસ હોય એટલે કે દીનમાન હોય ત્યાં આવે, બાપ ! મારા આંગણે સૂરજના પ્રતાપે રાજનો દીનમાન છે, માટે તો માખીઓ આવે છે”
ક્યારેક સૂરજ ઊગતો હોય, ક્યારેક નાડાવા ઊંચો ચડ્યો હોય… ક્યારેક માથા પર હોય, તો ક્યારેક આથમતો હોય. દરબાર આલા ખાચર કચેરીએ હોય, કાં ઘોડેસવાર થયા હોય, પણ એમની આસપાસ ગરીબોનો , અભ્યાગતનો, કોઈ ભગતના ભેખનો યાચનાભર્યો ઉદ્દગાર ઊઠતો હોય : ‘ ખમ્મા… ખાચર કુળને ઘણી ખમ્મા, જસદણના રાજવીને ! ખમ્મા કાઠીકુળ ભાણને ! જીવતો રહે , બાપ !’
અને વળતી પળે ચોરાશી ગામના ધણીના કેડિયાની કસો તૂટે. અંતરે મોજનાં તોરા વછૂટે. ક્યારેક ખિસ્સામાંથી, ક્યારેક ‘ ખડિયા ‘ ના ખાનામાંથી, ક્યારેક વળી આંગળીઓમાંથી સોનાનાં વેઢ, વીંટી કે ફેરવા ઊતરે અને માગતલની ઝોળીમાં ઠલવાય.
‘ લે, ભાઈ ! રાજી થા, ‘
દરબારના મન – અંતરમાં કોઈને દીધાનો પોરસ અષાઢી વરસાદની વાછંટ થઈને ફરી વળે.
પણ પડછાયાની જેમ જસદણના ધણીની સાથે રહેનાર જસદણ રાજના દીવાનને અંતરે શારડી ફરે. ‘ શ્રી લાભ સવાયા ‘ લખીને કલમ ચલાવનાર વેપારી દિલના એ કારભારીની દાંતની બત્રીસી કચકચી ઊઠે કે આ માગણ, આ રાંકા, આ ભિખારાં જસદણરાજની તિજોરી માથે ઝપટ કરે છે, તે ક્યારેક ખજાના તળિયાઝાટક કરી નાખશે મારાં હાળાં ! ધોકો અને ધડકી લઈને હાલી જ મળ્યાં છે ભિખારાં અને દરબાર આલા ખાચર પણ કાળો કોપ કે બીજું કાંઈ ?
આગળ પાછળનો જરાય વિચાર કરે છે ? ખિસ્સા અને ખડિયામાંથી કાં તો દરદાગીના અને આંગળીના વેઢ ઉતારી આપે છે. અરે, એક વાર તો આલા ખાચરે પગનો સોનાનો ત્રોડો પણ કાઢીને દાન કરી દીધેલો ! કાળો કોપ કે બીજું કાંઈ ?
‘ બાપુ ! આલા ખાચર ! ‘ દીવાન કમકમી ગયા.
‘ બોલો, કારભારી ! ‘
‘ સાંભળો તો વાત કરું જસદણના ધણી. ‘
‘ કરો, હું સાંભળું જ છું. ‘
‘ જીવો તમને !’ કામદાર રાજી થઈને આગળ બોલ્યા :
‘ આપ તો ચતુર રાજવી છો, બાપ ! ‘
‘ હશે, પણ વાત શું છે ? ‘ દરબાર આલા ખાચરની પાંપણના ફરકાટમાં અણગમો અને આશંકા ફરકી ગયાં :
‘ તમારો ચહેરો ધણી વાર કટાણો કેમ થઈ જાય છે, કામદાર ? ‘
‘ થાય જ ને ? આ ભિખારાં, રાંકા, માગણિયા તો આપનો સગડ છોડતાં નથી, લપીનાં પેટનાં ! મારાથી ઇ બધું વેઠાતું નથી, પણ શું કરું ? હું તો તમારો પગારદાર ચાકર. કરી કરીને પેટબળતરા સિવાય બીજું શું કરું ?’
‘ હોય કાંઈ ? તમે તો રાજના ખજાનાના રખેવાળ. બોલો, શું કહેવું છે તમારે?
‘ આ માગણિયાતો આપની પાસે શા માટે આવે છે બાપુ?’
‘ લ્યો કરો વાત ? હું ચોર્યાશી ગામનો ધણી છું કામદાર ! મને ભાળે એટલે બચ્ચારાં એમના દુઃખ, ભૂખ, સંકટનો નિસ્તાર વાંછે કે નૈ ? ‘
‘ કજાત… બધીય કજાત ! ન મળે શરમ કે ન મળે સાન..! પાકા આંબાના વેડનારા… ખોટાં – ખોટાં રોનારાં, આંખે થૂંક ચોપડીને આંસુડાંનો દેખાવ કરનારાં ! રાજની તિજોરી માથે ધા કરનારાં ! શું કે પોચું ભાળી ગયાં ! ગળ હોય એટલે માખીઓ આવે જ ‘
‘ ભારે સાચી વાત કરી , કામદાર ! ગોળ હોય ત્યાં માખીઓ આવે જ ને બચ્ચારી ! ‘
‘ હા, બાપુ ! ગોળ ભાળ્યો નથી અને માખીઓ આવી નથી.’
‘ મારો બાપલિયો ! ‘ દરબાર આલો ખાચર ‘ બાપલિયો ‘ શબ્દ પર શ્લેષ મૂકીને ખડખડાટ હસી પડ્યા, વાતને બીજે પાટે વાળી લીધી. કારભારી મૂંઝવણના કડણમાં ઊતરી ગયો . વાતનો કોઈ નિવેડો ન આવ્યો. ભારે થઈ ! ભલું પૂછો આ બાપુઓનું ! સલાહ દેવા જતાં શકોરું ન મળે તો સારું…! ‘
વાત ઉપર અરધું વરસ વીતી ગયું…!
‘ કામદાર ! જરાક ખોટી થાજ્યો.’ જસદણને આંગણે લોક કલાકારોનો ડાયરો હતો તે અરધી રાતે પૂરો થયો. માણસો વિખરાયા, એની સાથે રાજના કામદાર પણ ઘેર જવા નીકળ્યા. બે ડગલાં ચાલ્યાં કે દરબારે એમને રોક્યા : ‘ મારે તમારું અંગત કામ છે, માટે અરધો કલાક રોકાઈ જાઓ.’ આટલી વાત કરીને દરબાર આલા ખાચરે અંગત મહેમાનોની સૂવા – બેસવાની વ્યવસ્થા કરાવી. કલાકારોને માન – ધન આપીને વિદાય કર્યા. નિરાંત કરીને કામદાર પાસે આવ્યા : ‘ લ્યો, હાલો…’
દરબાર સાથે રાજના કામદાર દરબારના બેઠકખંડમાં આવ્યા, પણ દરબાર ચૂપ હતા !
‘ કાંઈ હિસાબ – કિતાબ બાકી છે દરબાર ?’
‘ હા, બાકી છે, માટે તો તમને રોક્યા,’ કહીને દરબાર એક ખૂણામાં જઈને ઊભા રહયા અને કામદારને કહ્યું : ‘ જુઓ, દીવાનજી ! આ શું ચીજ છે ?’
કામદારે ઝીણી આંખે ચીજને નિહાળી અને હસી પડ્યા : ‘ આ તો ભીલી છે, દરબાર !’
‘ શાની છે ?’ મરકતે ચહેરે જસદણ ધણી બોલ્યા.
‘ ભીલી ગોળની જ હોય ને , દરબાર ! પણ કોઠારને બદલે આપની બેઠકમાં મૂકવાની ભૂલ કોણે કરી ?’
‘ મેં કરી.’
‘ કાં ? ‘
‘ તમને દેખાડવા માટે.’
‘ ગોળમાં શું જોવાનું હતું, બાપુ ?’
‘ ઇ કે આ ગોળ છે છતાં એની ઉપર માખી કેમ નથી ? ‘
‘ પણ માખી માટે મને પૂછવાનું, બાપુ ?’
‘ હા, તમે જ વાત કરેલી કે ગોળ હોય ત્યાં માખી આવે. સંભારો, કામદાર ! હું યાચકોને દાન આપતો એ વખતે તમે જ વાત કરેલી કે દાન આપો છો, માટે માગણ આવે છે. માગણ માખી જેવો છે. તમારી પાસે ગોળ છે. ‘
‘ ઇ વાત તો સાચી ને, બાપુ ? ગોળ હોય ત્યાં માખી આવે જ.’
‘ તો આ ગોળ છે, છતાં માખી કાં નથી ?’
‘ માખી તો દિવસે આવે, બાપુ !’ કામદાર હસ્યા.
‘ મારો બાપલિયો ! ‘ દરબાર આલા ખાચર ખડખડાટ હસ્યા.
‘ કામદાર ! દિવસના બે અર્થ થાય છે જાણો છો ને ?’
‘ બે ? ‘
હા, બે. તમે તો ભણ્યા – ગણ્યા, ચતુર છો ને બીજો અર્થ ન જાણો ?’
‘ હા , બાપુ ! દિવસનો એક અર્થ સૂરજના અજવાળાનો સમય અને દિવસનો બીજો અર્થ દિનમાન, એટલે કે દહકો, જાહોજલાલી.’
‘ રંગ તમારી ચતુરાઈને ! માખીઓ તો દિવસ હોય એટલે કે દીનમાન હોય ત્યાં આવે, બાપ ! મારા આંગણે સૂરજના પ્રતાપે રાજનો દીનમાન છે, માટે તો માખીઓ આવે છે. દીનમાન ન હોય ત્યાં રાત હોય અને અંધારાં હોય. અંધારામાં કોણ આવે ? માટે, કામદાર ! રાજ – રજવાડાના ચોપડા નકરા જમા – ઉધારના ન ચાલે. ક્યારેક તો ઉધારને પણ જમા બાજુ ગણવાની હોય અને ત્યારે જ રાજા અને વસ્તીનો તફાવત દેખાય.
માટે, કામદાર ! હું કોઈ પણ યાચકને કાંઈ પણ આપું ઇ વખતે તમારો જીવ તમારે ન કોચવવો. મારી અને તમારી વચ્ચેનો ભેદ પણ આમાં જ છે. માટે સમજીને ચાલજો, મારો બાપલિયો ! ‘ દરબારે કામદારને ખભે હાથ મૂકીને હાસ્ય કર્યું, ત્યારે કામદારે બંને કાનની બૂટી બંને હાથે એકસાથે પકડીને કબૂલ કર્યું : ‘ માફ કરજો જસદણના ધણી ! હું તો હિસાબકિતાબનો માણસ, એટલે ભૂલ કરી બેઠો. હવે પછી સાવધાન રહીશ.’
જય સોનલ માં
જય અલખધણી
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)