આ લેખ વાંચતા માત્ર 45 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે.
એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે.
એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલા બહેનને આ કંઇ સમજાયુ નહી.
બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મુકે તેની રાહ જોઇને બેઠો જેવી રોટલી મુકી કે ફટાક દઇને ઉઠાવી લીધી અને બોલ્યો “જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલી સ્ત્રી વિચારવા લાગી કે એણે મારો આભાર માનવો જોઇએ કે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે.
હવે તો આ રોજનો ક્રમ બની ગયો. જેવી રોટલી બારી પર મુકાય કે ભિખારી એ ઉઠાવીને ચાલતી પકડે. પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો. રોજ મારી રોટલી લઇ જાય છે પણ આભારના બે શબ્દો પણ બોલતો નથી.
એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મુકવા ગઇ. ભિખારી ત્યાં રાહ જોઇને બેઠો જ હતો. રોટલી બારી પર મુકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો એણે ઝેરવાળી રોટલીને ચુલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મુકી જે લઇને ભિખારીએ ચાલતી પકડી.
થોડા સમય પછી કોઇએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો તો એ સામે ઉભેલી વ્યક્તિને જોઇ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દિકરો સામે ઉભો હતો. ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી. આખુ શરીર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દિકરાને ભેટીને રડી જ પડી.
છોકરાએ કહ્યુ, “હું ઘણા દિવસનો ભુખ્યો હતો. માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઇ જ ક્ષમતા ન હતી. હું બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલી જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યુ, “હું રોજ આ રોટલી ખાઉં છું પણ આજે મારા કરતા આ રોટલીની તને વધારે જરૂર છે. માટે તું ખાઇ જા.”
પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઇ પડી. “અરે મારા પ્રભુ ! આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો?……. ઘણા સમયથી મારો દીકરો ગૂમ થયો હતો તે મારા હાથે જ જી વ ગુમાવત. હવે મને સમજાય છે એ જે બોલતો હતો તે બિલકુલ સાચુ હતુ.”
મિત્રો, કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે. માટે જીવન માં બને તેટલા સારા કર્મો કરો ઈશ્વર ને ત્યાં દેર છે અંધેર નથી કર્મ નો બદલો ચોક્કસ મળે છે.
તમારું શું કહેવુ છે મિત્રો?
મને ગમ્યું તો શેર કર્યું તમને ગમ્યું તો શેર કરો.
– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ).