જે લોકો એમ કહે છે કે મને કોઈના સહારાની જરૂર નથી તેમને આ કવિતા વાંચી સંભળાવવા જેવી છે.

0
768

સહારો જોઈએ :

વાદળ ને, વાયરા નો, સહારો જોઈએ,

વીજળી ને ચમકારા નો, સહારો જોઈએ.

આ જગત છે, અહિયાં, સંપૂર્ણ નથી કોઈ,

આ સત્ય ને વ્યવહારો નો, સહારો જોઈએ.

અંધારા માં જુગનું ને, ભલા કોણ ઓળખે?

એને ય, ઝબકારા નો, સહારો જોઈએ.

સુરજ ની સાથે, દિવસે, દેખાય તોય શું?

ચાંદા ન તો અંધારા નો, સહારો જોઈએ.

સજી ધજી ને જુવો, ડોલી માં બેઠી દુલ્હન,

પિયુ-ગૃહે જવા, કહાંરો નો, સહારો જોઈએ.

મહામૂલો આરસ, રસ્તામાં, વ્યર્થ પડ્યો છે,

શિલ્પ થાવા, ઘડનારા નો, સહારો જોઈએ.

યાત્રા કરી ઘણીંયે, મજધાર માં રહી,

મંઝિલ માટે, કિનારા નો, સહારો જોઈએ.

મયખાનું છે, સુરા છે, સાકી છે, જામ છે,

ઇંતજાર છે, પીનારા નો, સહારો જોઈએ.

થાક્યા ચરણ, સવાર થી આ સાંજ થઇ ગઈ,

હવે તો, એક ઉતારા નો, સહારો જોઈએ.

ખોટા ઠર્યા, બધાયે, દુનિયા ના સહારા,

ઈશ્વર તારા સહારા નો, સહારો જોઈએ.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)