જેમના વગર શ્રીકૃષ્ણ અધૂરા છે તે રાધાજી વિષે આ વાતો જાણવી અને તેમનો મહિમા સમજવો ખુબ જરૂરી છે.

0
658

રાધાષ્ટમી વિષેશ (શ્રી રાધાનો પ્રાગટ્ય દિવસ)

આજે રાધાષ્ટમી વિષેશ લખતાં મારું મન રાધે રાધે કરતું ઘેલું બની જાય છે. મને ખબર છે હું કાના ને ચાહું છું કાનો મને ખૂબ પ્રિય છે. એક વાત એ પણ જાણું છું કે કાના સુધી જવા માટે રાધા રાણીને ચાહવી જોઇએ. રાધા કૃષ્ણ ને પણ ખૂબ પ્રિય હતી. કાન રાધા બંન્ને એકબીજા વગર અધૂરા હતાં.

કાનાનો પ્રેમ ભાવ રાધા પ્રત્યે પરિશુધ્ધ હતો. નારી ને માન આપતાં એમણે જ કહ્યું છે “મને પામવા, જાણવા, પ્રેમ કરવા પહેલાં રાધા ને ચાહો પ્રેમ કરો તો એ તમને મારી પાસે પહોંચાડવા તમારી સહાયક બનશે. તેથી હું રાધા રાણી ને પ્રેમ કરું છું.”

“રાધે રાધે રાધે શ્યામ સે મિલા દે” કહી ભલે નરસિહ કે મીરાં નથી પણ એવો ભાવ સાધવા મથું છું. આમ પણ કાનાનો સ્વભાવ હર નારીને માન દેનારો હતો. જેનાં મનમાં કે ઘરમાં નારીનું માન છે એ ખરેખર મહાન છે એમ હું જાણું છું. આ તો પૃથ્વી પરનાં અધર્મ નો નાશ કરવા આવનાર સ્વયં નારાયણ હતાં ને રાધા જી એ સ્વયં લક્ષ્મી જી હતાં.

અમુક સમુહનાં લોકો ફફ્ત રાધાજીને જ માનનારાં છે જે રાધાજીનાં જ ગુણ ગાન ભક્તિ કરે છે. અરે પુરુષ નારીનાં વસ્ત્ર પહેરી શણગાર સજે છે. ધર્મ પુરાણોમાં રાધાજીનું પણ રાધા પુરાણ છે.

કહેવાય છે કે રાધા કૃષ્ણ ગોલોકમાં રહેતાં હતાં ત્યારે કૃષ્ણ ભક્ત શ્રીદામા ત્યાં કૃષ્ણ ને મળવા આવ્યા. એ કૃષ્ણ કૃષ્ણ રટતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં એમને કૃષ્ણ સખીઓએ કહ્યું, “તમે કૃષ્ણ કૃષ્ણ નહીં રાધે રાધે બોલો તો શ્રી રાધે થી તમે શ્રીકૃષ્ણ સુધી જઇ શકશો” કહી એમને રોક્યા.

શ્રીદામા મનોમન રાધા પર ગુસ્સે થયાં અને મનોમન બોલ્યા “આ રાધા વળી કૃષ્ણ થઈ મોટી ક્યાંથી થઇ? મારા અને કૃષ્ણ વચ્ચે કેમ બાધા બને છે? મારા શ્રી કૃષ્ણ ને તો હું સીધો મળવા ચાહું છું”.

આગળ વધતાં એમણે કૃષ્ણ ને રાધા સાથે જોતાં ક્રોધિત થઈ રાધાને કૃષ્ણને ભૂલીજવાનો ને વિરહનો સો વરસનો શ્રાપ આપી દીધો. મારો કૃષ્ણ મુઝ ભક્ત ને છોડી રાધાને કેમ પ્રેમ કરી શકે?” ને રાધાએ વિસ્મૃતિ સાથે પૃથ્વી પર જન્મ લીધો. કૃષ્ણ પણ એમની સાથે અવતાર લઇ પૃથ્વી પર અવતાર લીધો પણ વિસ્મૃતિ થી રાધા કૃષ્ણ ને ઓળખતાં નહીં. પણ કૃષ્ણ એમની સાથે જ રહ્યાં.

શ્રી રાધાનો પ્રાગટ્ય દિવસ ભાદરવા સુદ આઠમ હતી જેને રાધાષ્ટમી કહેવાય છે. એ વ્રજમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં શ્રી વૃષ ભાનુ પિતા અને માતા કીર્તી દેવીને ત્યાં એમનું પ્રાગટ્ય થયું હતું.

રાધાજી પ્રેમ સમર્પણ અને ત્યાગ નું મુર્તિમંત સ્વરુપે છે. હરિવંશ પુરાણ અને વાયુપુરાણમાં રાધાજીનો મહિમા ખૂબ ગવાયો છે. આખું જગત શ્રી કૃષ્ણ ને આધિન છે ભજે છે પણ શ્રી કૃષ્ણ તો રાધાજીને ચાહે છે. વૃંદાવનમાં તેથી જ રાધે રાધે નો મહીમા ગવાય છે. આપણે જેમ જયશ્રી કૃષ્ણ કહીએ એમ ત્યાં લોકોની સવાર રાધે રાધેથી થાય છે. અને રાધે શ્યામ બોલાય છે.

શ્રી કૃષ્ણ ની આઠ પટરાણીઓ હતી છતાં પ્રેમ તો રાધા સંગે જ કરતાં હતાં. શ્રીરાધાજીનું નામ વ્રજ સુખ આપનારું કહેવાયું છે. અને વ્રજ ચોર્યાસી કોસમાં વૃંદાવન, મધુવન બરસાના અને નંદગામ આવેલાં છે જ્યાં રાધા કૃષ્ણ ની લીલા ધામ થી પાવન ધામ ગણાય છે. એ ચોર્યાસી કોસની જાત્રા એમનાં ભક્તો ભક્તિ ભાવ સાથે આજે પણ કરે છે.

રાધાજીને માનનાર રાધા વલ્લભ સંપ્રદાય ઘણો મોટો છે. જે રાધા રાણી નાં જ ગુણ ગાન ગાય છે. શ્રી રાધાજી નાં ઘણાં મંદિરો છે જેમાં રાધા લાડલી બિરાજમાન છે. વ્રજ ચોર્યાસી માં રાધા કુંડ પણ છે જે ગોવર્ધન પર્વત ની નજીક છે. બરસાનામાં શ્રી રાધાજીનું ઊંચું દિવ્ય મંદિર આવેલું છે.

તો ચાલો આપણે સૌ કૃષ્ણ ને પામવા સાચું જાણી ને રાધાજીની ભક્તિ કરી આપણાં પ્રિય કૃષ્ણ લગી પહોંચવા પ્રયત્ન કરીએ. રાધા કૃષ્ણ નો પ્રેમ તેથીજ પરમ પદનો અમર ગણાયો છે. રાધા વિણ કૃષ્ણ નહીં ને કૃષ્ણ વિણ રાધા નહીં એમ જાણતાં

શ્રી રાધાજીનો પ્રેમ એટલે શ્રીકૃષ્ણ ની મુરલી, મોર પીંછ, રાસલીલા, જમના તટ અને કૃષ્ણનો સાથ એમની સાથે કરેલી લીલાઓ ને સમજીએ શ્રી કૃષ્ણ એ દીધેલા રાધા રાણીને (નારીને) માન જાણીએ અને જીવનનું સત્ય સમજીએ કે જે ઘરમાં નારીનું માન સન્માન ને હરખાતું હૈયું જોવા મળે ત્યાં શ્રી કૃષ્ણ જરુર વસતો અનુભવી શકાય.

રાધે રાધે શ્યામ મિલાદે.. રાધે રાધે શ્યામ મિલાદે… કહેતાં આદ્રભાવે શ્રી કૃષ્ણ સખી શ્રીરાધા રાણીને લાખો વંદન.

– કોકિલા રાજગોર, ભીવંડી થાના મુંબઈ