“જેવું કરો તેવું પામો” – ગાંડા માણસને હેરાન કરનાર છોકરાઓની સ્ટોરી એક શીખ આપતી જશે.

0
479

લઘુકથા – ગાંડો :

– માણેકલાલ પટેલ.

એક ગામના છ વિદ્યાર્થીઓ ત્રણેક કિલોમીટર દૂર બાજુના ગામની હાઈસ્કૂલમાં ચાલતા ભણવા જતા હતા. બધા તોફાની પણ હતા.

સ્કૂલ છૂટે પછી તળાવની પાળ પર રહેલા જાંબુના ઝાડ પર ચઢી જાંબુ ખાવાં, તળાવમાં નહાવા પડવું અને એક મૂંગો માણસ જે ગાંડા જેવો લાગતો હતો એ સાંજના એટલામાં આંટા મારતો હતો એને ખીજવવો – આ એમનો નિત્યક્રમ બની ગયો હતો.

એક દિવસ એમણે એ ગાંડાને બહુ ખીજવ્યો. એની આગળ – પાછળ એ છએ જણ શર્ટ ઉતારી નાચવા માંડ્યા. જાંબુ ખાઈને ઠળિયા એના પર નાખવા માંડ્યા. એને વધુ ખીજવવા ધૂળ પણ ઉડાવવા લાગ્યા.

એમની હરકતો જોઈ વધુ ખીજાઈને એ એના ગામ બાજુ ચાલ્યો ગયો. એ પછી એ બધા હસતા હસતા તળાવમાં નહાવા પડ્યા. ત્યાંજ એ હાથમાં લાકડી લઈને આવ્યો અને એ છએ જણનાં કપડાં લઈને છોકરાઓના ગામ બાજુ ભાગ્યો.

એ છોકરાઓ બધા મુંઝાયા. તળાવની બહાર નીકળી હડી કાઢીને એની પાછળ દોડ્યા. એ આગળ અને આ બધા બધા પાછળ.

એ દોડતો ગામના ચોકમાં પહોંચ્યો. છોકરાઓ પણ એની પાછળ પાછળ જ હતા.

આ છએ જણને જાંગીયા વરાણીયે જોઈ ત્યાં હાજર બધાં આદમી, બૈરાં અને નાનાં છોકરાં શુદ્ધાં હસતાં હતાં અને કહેતાં હતાં :- “આ છોકરાઓ બધા ગાંડા થઈ ગયા છે કે શું?”

– માણેકલાલ પટેલ.