જીદ્દી સ્વભાવને કારણે સંતાનોના લગ્ન માટે રાજી ના થયા, પછી જે થયું તે દરેક માતા પિતાએ જાણવું જોઈએ.

0
869

મિલન :

ગોવિંદભાઈને બે પુત્રો. મોટો હાર્દિક અને નાનો હાર્દ. પત્નિ સુશીલાબેન નામ પ્રમાણે જ સુશીલ. અમદાવાદમાં કાપડની મોટી દુકાન ધરાવતો આ ભર્યો ભાદર્યો આ પરિવાર. પરિવારનું મૂળ વતન બનાસકાંઠાના પાલનપુર પાસેનું એક ગામ.

મોટો દિકરો હાર્દિક એમબીબીએસ પુરુ કરીને એમ ડી બનવા ન્યુયોર્ક, અમેરિકા ગયો. હાર્દિક સ્વાભાવે એકદમ સરળ. ના કોઈ મોટાઈ કે ના કોઈ અભિમાન.

હાર્દિક છેલ્લા વર્ષમાં હતો ત્યારે વંદના નામની યુવતી સાથે પરિચય થયો. વંદના પણ એમ ડી માટે જ અહીં આવી હતી અને એનો પરિવાર પણ અમદાવાદમાં જ રહેતો હતો. એમનું મૂળ વતન પણ બનાસકાંઠાનું ડીસા પાસેનું એક ગામ. પિતા રાજેશભાઈ અને માતા સંગીતાબેનનું લાડકવાયું સંતાન વંદના. એક નાનો ભાઈ ખરો જે બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે. સાહજિક પરિચય બાદ બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ. બન્ને પોતાના અભ્યાસ પ્રત્યે તો સભાન અને સજાગ જ હતાં.

બન્નેએ લગ્નના બંધને બંધાવવાનું નક્કી કર્યું પરંતુ સાથે સાથે વંદનાની એક શરત હતી કે, બન્નેએ પોતપોતાના માવતરની સંમતિ મેળવવી.

વંદનાએ તો એના માબાપની સંમતિ પણ લીધી. એક જ જ્ઞાતિ ઉપરાંત હાર્દિક સોહામણો પણ હતો એટલે અભ્યાસની વિગત અને ફોટો જોઈને જ વંદનાનાં મા બાપે સંમતિ આપી દીધી. વંદનાનાં મા બાપને પોતાની દિકરીની કાબેલિયત પર કોઈ શંકા તો ક્યારેક હતી જ નહીં સાથે સાથે વંદનાના સંસ્કારો પર પણ સંપૂર્ણ વિશ્વાસ હતો.

હાર્દિકનો એકદમ સરળ સ્વાભાવ અને થોડી શરમાળ પ્રકૃતિ આડે આવીને ઉભી રહી એટલે એના મા બાપને કહી ના શક્યો પરંતુ એનેય એટલો આત્મવિશ્વાસ હતો કે, મા બાપ મારી પસંદગીને સ્વિકારી જ લેશે.

હાર્દિકનો અભ્યાસ પુરો થયો. બન્ને જણ અમદાવાદ આવ્યાં અને પોતપોતાના ઘેર જવા માટે છુટાં પડ્યાં.

બીજા દિવસે હાર્દિકે સુશીલાબેનને શરમાતાં, સંકોચાતાં બધી હકીકત જણાવી.

સુશીલાબેને સાંજે જમતી વખતે ગોવિંદભાઈને બધી વાત કરી. વંદનાનાં માતાપિતાનાં નામ અને ગામ જાણીને ગોવિંદભાઈ ભડક્યા. અરે! આતો એજ રાજેશ છે કે જેણે મારી પિતરાઈ બહેન રીંકુને છુટાછેડા અપાવ્યા હતા કે જેનાં લગ્ન એના પિતરાઈ ભાઈ સાથે થયેલ હતાં. હા, એની દિકરી ડોકટરનું ભણી રહી છે. હું કોઈ કાળેય આ સબંધ માટે તૈયાર નથી. વીસ વર્ષ પહેલાંની ઘટનાને સંભારીને ગોવિંદભાઈએ આ સબંધ પર ચોકડી મારી દીધી.

હાર્દિક આ બધું કાનોકાન સાંભળી રહ્યો હતો. પુરેપુરા ધર્મસંકટમાં મુકાઈ ગયો. હવે શું કરવું? પિતાજીના સ્વભાવની એને ખબર હતી. એ કોઈ કાળે નહીં માને એ હાર્દિક સારી રીતે જાણતો હતો. વંદનામાં એ પુરેપુરો ખોવાઈ ચુક્યો હતો એ પણ એટલું જ સત્ય હતું.

અને વંદના! હાર્દિકને ખબર હતી કે આ હકીકત વંદના સહન નહીં કરી શકે. વંદનાને અભ્યાસનું એક વર્ષ બાકી હતું એટલે એને શું કહેવું હવે?

છેવટે મનમાં પાકો નિશ્ચય કરીને હાર્દિકે વંદનાને ફોન કર્યો.

‘વંદના, મેં ઘેર બધી વાત કરી છે. મમ્મી પપ્પાએ હા પાડી છે પરંતુ સાથે સાથે કહ્યું છે કે, વહુનો અભ્યાસ પુરો થવા દે’.

વંદનાએ પ્રત્યુતર વાળ્યો, ‘મને સારુ લગાડવા માટે ખોટું બોલી રહ્યા છો તમે! તમારાં મમ્મી પપ્પાએ ક્યારેય હા નહીં પાડી હોયા! ‘

હેં! હાર્દિક ખચકાઈને બોલતો બંધ થઈ ગયો.

ધીમા ડૂસકા સાથે વંદના બોલી, ‘મેં અમેરિકાથી ફોન કર્યો હતો ત્યારે મમ્મી પપ્પાનાં નામ અને ગામ નહોંતાં જણાવ્યાં પરંતુ ઘેર આવીને બધું સવિસ્તર જણાવ્યું એ સાથે જ મારા પપ્પાએ પણ સબંધ આગળ નહીં વધારવાની સૂચના આપી દીધી. અધુરામાં પુરુ તમારા પપ્પાનો ફોન પણ મારા પપ્પા પર આવી ગયો ને એમણે કહ્યું કે, જોજો બધાં ભેગાં થઈને મારા દિકરાને ફસાવતાં નહીં!’

‘વંદના, હું અત્યારે જ તને મળવા આવું છું. બોલ ક્યાં કેટલા વાગ્યે મળશું? હાર્દિકે ફોન પર કહ્યું.

‘રીંગરોડ નરોડા સર્કલ સાંજે પાંચ વાગ્યે’-વંદના રડતાં રડતાં બોલી.

પાંચ વાગ્યે મળીને ઘણીબધી ચર્ચા, વાતો સાથે બન્નેએ નકકી કર્યું કે, બન્નેનાં મા બાપને મનાવવાના પ્રયત્નો ચાલું રાખવા છતાંય નિષ્ફળતા મળે તો વંદનનાનો અભ્યાસ પૂર્ણ થતાં જ પ્રેમલગ્ન કરી લેવાં….. અને બન્ને સજળ નયને છુટાં પડ્યાં.

હાર્દિકે ડોકટર હાઉસમાં છ એક મહિના સેવા આપીને પછી પોતાની હોસ્પિટલ શરૂ કરી. થોડી પિતાજીની મદદ અને થોડી લોન લઈને.

પિતાજીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ગોવિંદભાઈ એકના બે ના થયા. વેરીની દિકરી મારા ઘેર તો ના જ લાઉં! -આ જ પ્રત્યુતર. જો કે વંદનાની પણ એ જ પરિસ્થિતિ હતી.

વંદનાનો અભ્યાસ પુરો થયો. બન્નેના પિતાજીઓના જિદ્દી સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં.

છેવટે હાર્દિક અને વંદના કોર્ટમાં જઈ લગ્નના તાંતણે બંધાઈ ગયાં. બન્નેના પરિવાર સાથેના સંબંધો કપાઈ ગયા. એનો દોષ મા બાપોનો હતો ને બન્નેનાં મા બાપોએ સામેથી જ સબંધો કાપી નાખ્યા હતા.

પરિવાર પ્રત્યે બન્નેને અઢળક પ્રેમ હતો પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો.

હા, વંદના અને હાર્દિકને અમર આશા હતી કે, મા બાપોએ ભલે તરછોડ્યાં પરંતુ એક દિવસ જરુર સુખમયી મિલન સર્જાશે જ.

બન્ને હ્રદયરોગનાં સ્પેશિયાલિસ્ટ હતાં એટલે હોસ્પિટલ તો ધમધોકાર ચાલતી હતી, વસવસો માત્ર ‘છતાં માબાપે અનાથ’ નો હતો.

હાર્દ ભણવામાં ખાસ કંઈ ઉકાળી ના શક્યો એટલે પપ્પાની કાપડની દુકાન જ સંભાળવા લાગ્યો. લગ્ન લેવાઈ ગયાં. પાંચ વર્ષ વીતિ ગયાં ને બે બાળકોનો પિતા પણ બની ગયો. ગોવિંદભાઈમાં ઘડપણ દેખાયું. ઢીંચણની ગાદીઓ ઘસાવાથી ચાલવામાં મુશ્કેલી પડવા લાગી. દુકાને જવાનું બંધ થયું. સુશીલાબેન પણ કમરની તકલીફ સામે ઝઝૂમી રહ્યાં હતાં. કામમાં મુશ્કેલી પડવા લાગી. દિકરાનાં બે સંતાનોને સાચવવામાંય અક્ષમ બની ગયાં. હાર્દની પત્નિ મોહિનીને આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યાં.

‘એક દિકરાને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો હતો તે છેતરીને વાળી ચોળીને લઈ ગયો બધું! બેય ડોકટર છે ને લીલાલે’ર કરે છે. એવા સુખી દિકરા આગળ જઈને રહો તો ખબર પડે! પણ ક્યાં જાઉં છે ત્યાં? બસ, અમારા જ કપાળે લખાયાં છે ને! ‘ -મોહિનીનાં આવાં મહેણાં ટોણાં અને હાર્દનું ભાવહીન વર્તન છેવટે અસહ્ય થઈ પડ્યું આ વૃદ્ધ દંપતિને.

ઉંડે ઉંડે હાર્દિક યાદ આવતો હતો ગોવિંદભાઈને પરંતુ હજી જીદ્દીપણું મન પર સવાર હતું ને એટલે જ તો અનાથાશ્રમનો રસ્તો પકડ્યો ગોવિંદભાઈએ. સુશીલાબેન છુટકે ના છુટકેય ગોવિંદભાઈને અનુસર્યાં.

આજે મહિનાનો ચોથો રવિવાર હતો. કાયમના નિયમ મૂજબ વંદનાએ રસોયાને ઓર્ડર આપીને મીઠાઈ સાથેની રસોઈ બનાવડાવી દીધી.વાહનમાં ભરાવીને વંદના પોતાની ગાડી લઈ અનાથાશ્રમે પહોંચી ગઈ.

ભોજન વંદના જાતે પીરસી રહી હતી. આગ્રહ કરી કરીને જમાડી રહી હતી સૌ વૃદ્ધ માવતરોને. નવાં આવેલ બે માવતરોને જોતાં જ વંદના હચમચી ગઈ પરંતુ મોં પર કોઈ અણસાર આવવા ના દીધો. વંદનાએ લાગણીસભર અવાજે એટલું જ કહ્યું, ‘આ અનાથાશ્રમ નહીં પરંતુ ઘરડાં માનવીઓનો મેળો છે. સુખ દુ:ખની સાચી આપ-લે થાય છે. કેટલાય આલીશાન મકાનોમાં જે આડંબરસભર સુખ શાન્તિ છે એની સરખામણીએ વિશેષ સાતા મળશે અહીં….’

સુશીલાબેને એક વૃદ્ધાને પુછ્યું, આ ભોજન આપીને ગઈ એ કોણ બહેન હતી?

‘એ તો ખબર નથી પરંતુ છેલ્લા ચાર સાડાચાર વર્ષથી નિયમિત દર મહિનાના ચોથા રવિવારે જમાડવા આવે છે. એનો ખોળો ભરાયેલો નથી એ નક્કી!’-વૃદ્ધાએ કહ્યું.

બીજા મહિનાનો ચોથો રવિવાર આવ્યો. વંદના આવી પહોંચી. સૌએ જમી લીધું એટલે સુશીલાબેને વંદનાને કહ્યું, ‘દિકરી, તું કેટલી બધી ભાગ્યશાળી છે કે, આવું પુણ્યકર્મ તારા ભાગ્યમાં છે! જો તને યોગ્ય લાગે તો તારા એ ઘરનાં મને દર્શન કરાવીશ કે જે ભૂમી તને આવા પવિત્ર કાર્યમાં પ્રેરણા આપી રહી છે! ‘

એક મહિનાથી વેદનાને મનમાં જ સંગ્રહીને બેઠેલી વંદનાને કંઈક અદભુત અનુભૂતિ થઈ. હાર્દિકનાં મા બાપ અનાથાશ્રમમાં છે એ હજી જાણ નહોતી કરી વંદનાએ. એને ઉંડે ઉંડે બીક હતી કે હાર્દિક આ જાણ થતાં પડી ભાગશે. એ થોડા સમયની રાહ જોઈ રહી હતી.

એટલે જ વંદના ઝડપભેર બોલી, હા મા, કેમ નહીં? ચાલો આજે હું ફ્રી જ છું. તમને મુકવા પણ આવીશ.

સુશીલાબેન ઘેર આવ્યાં. મોટા મકાનમાં પ્રવેશતાં જ સામે દિવાલ પર ગોવિંદભાઈ અને તેમની તસવીર દેખાઈ.

વંદના ઝડપભેર રસોડા તરફ ચાલી ગઈ હતી એટલી જ ઝડપથી પ્રગટાવેલ દિવો હાથમાં લઈને આવી.

ચકળવકળ આંખે સુશીલાબેન તો એમની તસવીર જ જોઈ રહ્યાં હતાં. વંદનાએ પ્રગટાવેલો દિવો સુશીલાબેનના ચરણોમાં મુક્યો ને પગે પડીને રડી પડી. ‘મમ્મી અમારી ભુલચુક હોય તો અમને ક્ષમા કરો. અમે બન્ને પ્રેમના એક તાંતણે બંઘાઈ ચુક્યાં હતાં. એ સિવાય અમને કંઈ ખબર નહોતી..’

સુશીલાબેને કમરનું દર્દ ભુલીને નીચાં નમી વંદનાને ઉભી કરી અને બાથ ભીડી દીધી. પોતાના હાથેથી વંદનાનાં આંસું લુંછીને પછી દર્દભર્યા અવાજે બોલાયાં, બેટા, ભૂલ તમારી નહીં પરંતુ અમારી છે. એમાંય તારા સસરાનું જીદ્દીપણું અને સામાજિક વેરઝેરે ભાન ભુલાવ્યાં અમને.

હાર્દિક ક્યાં છે બેટા! ને કોઈ બાળબચ્ચું કેમ દેખાતું નથી?

આડું જોઈને મહામહેનતે વંદના બોલી, હાર્દિક તો સોમનાથ ગયા છે દર્શન કરવા મમ્મી. બીજા પ્રશ્નનો જવાબ ગળી ગઈ વંદના.

બીજા પ્રશ્નનો જવાબ ના મળતાં અને આડું જોઈને બોલતાં સુશીલાબેનને કંઈક ભેદ લાગ્યો.

વંદના! તું કંઈક છુપાવે છે! તમારા બન્નેના પ્રેમની દુહાઈ આપું છું. સાચેસાચું બોલ, બાળબચ્ચાંવાળી વાત તું કેમ ગળી ગઈ?

વંદનાના બંધ છુટી ગયા. સુશીલાબેનના ખોળામાં માથું નાખીને ચોધાર આંસુએ રડવા લાગી. સુશીલાબેને માથે હાથ ફેરવ્યો…..

મમ્મી! અમે પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા બન્નેનાં મા બાપ અમને જ્યાં સુધી પાછાં ના મળે ત્યાં સુધી પતિ પત્નિનાં કોઈ સુખ ભોગવવાં નહી. વાહ રે ભારતિય નારી!

હવે સુશીલાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો.

પંદરેક મિનિટ સુધી રડતાં રહ્યાં. જાતે જ આંસું લુંછીને પછી દર્દભર્યા અવાજે બોલ્યાં, ઘીના ઠામમાં ઘી નહીં પડે તો જીવ આપી દઈશ……

હાર્દિક ભોળાનાથનાં દર્શન કરીને પાછો વળી રહ્યો હતો એ જ વખતે એક વૃદ્ધ દંપતીને ભોળાનાથ આગળ કરૂણ અવાજે આજીજી કરી રહ્યું હતું એ શબ્દો કાને અથડાયા…..

હે ભોળાનાથ! લાજ રાખજો. આ કદાચ તમારાં છેલ્લાં દર્શન છે! હવે પછી દર્શને આવવાનું ભાડું મળશે કે કેમ? બસ, આટલી વિનંતી છે કે, દિકરા, વહુના હ્રદયમાં ઉતરીને એમના ત્રા સમાંથી બચાવો ભોળા. ઘરઘાટી અને આયા જેવાં કામ આ ઉંમરે નથી થતાં ભોળાનાથ!

ભીના ચહેરે બહાર નિકળીને હાર્દિક વૃદ્ધ દંપતિની રાહ જોઈને ઉભો રહ્યો.

બન્ને પાસે આવ્યાં એટલે હાર્દિકે પુછ્યું, ક્યાં રહેવું વડીલ?

અમદાવાદનાં છીએ બેટા. વૃદ્ધે કહ્યું…..

હું પણ અમદાવાદનો જ છું અને ગાડી લઈને આવ્યો છું. ચાલો તમને લઈ જાઉં છું.

રસ્તામાં આછાબોલા હાર્દિકે એટલું જ કહ્યું, ‘વડીલ ! તમે નિયમિત રીતે જ સોમનાથ જજો. તમને કાયમનું ભાડું મળી જશે. હું અમદાવાદમાં મારૂ ઘર જ તમને બતાવી દઉં છું. એ સિવાયની પણ કોઈ જરુર પડે તો મારા ઘરના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે.

વડીલની આંસુથી ખરડાયેલી આંખો તો અરીસામાં હાર્દિકને દેખાઈ રહી હતી. થોડા સમયના ખામોશીભર્યા વાતાવરણ પછી વૃદ્ધા થોડું બોલ્યાં, ‘ધન્ય છે તારાં માવતરને બેટા કે તારા જેવા સપૂતને જનમ આપ્યો. દિકરો તો મારેય છે. બાંધકામનું કરે છે ને કમાય પણ ખુબ સારું.

વહુના વાદે ચડીને હડધૂત કરી દીધાં છે અમને. પોતાના જ ઘરમાં કૂતરાં પેટ ભરે એમ પેટનો ખાડો પુરીએ છીએ. જીવતરમાં વેઠ સિવાય કંઈ નથી.

ધન્ય છે તારી ઘરવાળીને. એ પણ કોઈ સારા ખાનદાનની દિકરી હશે. છુટા હાથની હશે તો જ તું અમને આવી મદદ કરવા માટે તૈયાર થયો છે.

હાર્દિકનું મકાન આવી ગયું. ગાડી પાર્ક થઈ. હાર્દિક અને વૃદ્ધ દંપતિ નીચે ઉતર્યાં.

વંદના આંખો ચોળીને જોવા લાગી. એને એની આંખો પર વિશ્વાસ ના બેઠો. હોય નહિં! મમ્મી -પપ્પા! મારા આંગણે?

ડૂસકાં નાખતી બેડરૂમમાં દોડી ગઈ.

હાર્દિકને કંઈ સમજણ ના પડી. બેઠકખંડમાં જોયું તો પોતાનાં મમ્મી પપ્પા ગોવિંદભાઈ અને સુશીલાબેન દેખાયાં.

અરે! આ શું!

પાંચ પાંચ વરસે પોતાની જીદની પાછળ સંતાડી દેવ જેવા પુત્રને જોતાં જ બન્ને બેબાકળાં થઈને હાર્દિકને ભેટી પડ્યાં. ‘દિકરા અમને માફ કર. સ્વર્ગમાંથી બનાવીને મોકલેલ જોડાને અમે અમારા સામાજિક વેરઝેરમાં ઓળખી ના શક્યાં.’ ધન્ય છે મારી વંદના વહુને. ધન્ય છે તમારા મા બાપ પ્રેમને, ધન્ય છે તમારી ટેકને.

શાંત થાઓ પપ્પા, શાંત થાઓ મમ્મી. સમય સમયનું કામ કરે છે. હાર્દિકને એટલી તો ખબર પડી ગઈ કે મમ્મી પપ્પાને બધી ખબર પડી ગઈ છે છતાંય વંદના બેડરૂમમાં કેમ દોડી ગઈ એ કંઈ સમજણ ના પડી.

મમ્મી પપ્પાને સોફા પર બેસાડીને ઉચાટભર્યા હૈયે બેડરૂમ તરફ દોટ મુકવાનું કર્યું ત્યાં તો ગળે ડૂમો બાઝેલ હોય એવો પાછળથી અવાજ આવ્યો,

જશો નહીં હાર્દિકકુમાર! એને રડવા દો. અમે મનાવશું એને…….

હાર્દિકે ચોકીને પાછળ જોયું! હાર્દિકકુમાર!

આ બધું શું બની રહ્યું છે? હાર્દિકને કંઈ ના સમજાયું.

બન્ને વેવાઈ વેવાણોને તો એકબીજાની ઓળખ થઈ ચુકી હતી. બન્ને વેવાઈ ભેટી પડ્યા. વેરઝેર ભુલાઈ ગયાં.

હાર્દિક તો આ બધું જોઈને આભો જ બની ગયો, એને તાળો મેળવતાં વાર ના લાગી.

ચારેય વેવાઈ વેવાણ ચાલ્યાં બેડરૂમ તરફ. વંદના ઉંધી પડીને ડૂસકાં ભરી રહી હતી.

રાજેશભાઇ અને સંગીતાબેને દરવાજે ઉભાં રહીને જ રુદન મિશ્રિત એક જોડકણું ગાયું

ગુલામ, મોગરો રાતરાણીને

સૂરજમુખી નિરાળી,

એથીય મારી વંદના દિકરી

લાગે અમને પ્યારી…

દોટ મૂકી વંદનાએ.

વંદના સંગીતાબેન અને રાજેશભાઈને ભેટી પડી. ગોવિંદભાઈ વંદનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા.

ત્રીજા દિવસે બન્ને વેવાઈ વેવાણોએ ભેગાં મળીને વરવધૂની છેડાછેડી બાંધીને ખુબ ખુબ આશિર્વાદ આપી મોકલી દીધાં મહાબળેશ્વર ફરવા માટે.

લેખન – નટવરભાઈ રાવળદેવ થરા. તા. 09/10/21.