ભાગવત રહસ્ય 159: જીવના સ્વાર્થી પણા બાબતે પ્રહલાદે પિતા હિરણ્યકશિપુને કયો બોધ આપ્યો, જાણો. 

0
184

ભાગવત રહસ્ય – ૧૫૯

પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે. પુસ્તકો વાંચવાનું કે ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું નાટક કરે છે. પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.

ગુરુજીને લાગે છે કે છોકરો ડાહ્યો છે. તેની કેળવણી જોઈ રાજા કંઈક ઇનામ આપશે. શંડામર્ક પ્રહલાદને દરબારમાં લઇ આવે છે. પ્રહલાદજી પિતાને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને ગોદમાં ઉઠાવી પ્યાર કર્યો છે. અને પ્રહલાદને પૂછે છે કે, તને ગુરુજીએ ભણાવેલો જે ઉત્તમ પાઠ યાદ હોય તે બોલ.

પ્રહલાદજીએ વિચાર્યું કે, ગુરુજીએ તો મારફાડની વિદ્યા ભણાવી છે તે ઉત્તમ કેમ કહેવાય? પિતાજીએ તો ઉત્તમ પાઠ પૂછ્યો છે. એટલે તે બહુ સુંદર બોલ્યા છે.

પિતાને કહે છે, આપણા અધઃપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાન આ ઘર છે. મનુષ્યને માટે એ જ શ્રેયસ્કર છે કે આ ઘરને છોડી વનમાં જાય, અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે. અને આજ માત્ર એક ઉપાય છે. (ભાગવત-૭-૫-૫)

પિતાજી મને મારા અનેક જન્મો યાદ આવે છે. અનેક જન્મોમાં હું રાજા હતો, રાણી હતો. અનેક જન્મોના અનુભવ પરથી કહું છું કે, આ જીવ અનેક વાર સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, બન્યો છે. હજારો જન્મથી પ્રભુથી વિખુટો પડેલો આ જીવ લૌકિક સુખ ભોગવે છે, છતાં તેને તૃપ્તિ નથી થઇ. ભોગથી તૃપ્તિ થતી નથી, તૃપ્તિ ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે, પ્રત્યેક જીવ દુઃખી છે. પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ફળ સુખ છે.

આ સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. સ્વાર્થ અને કપટ સિવાય સંસારમાં બીજું કંઈ નથી. તેમ છતાં જીવને વિવેક નથી. જીવ પર નિ:સ્વાર્થ પ્રેમ કરનાર માત્ર પરમાત્મા જ છે. જ્યાં સ્વાર્થ છે, વિકાર છે, વા સના છે, ત્યાં મોટે ભાગે છળ કપટ કર્યા વગર ચાલતું જ નથી. એને છળ કપટ કરવું જ પડે છે. પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. પતિ -પત્ની સાથે પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે છે. જીવ કેવો સ્વાર્થી છે?

એક બહેન એક વખત રડતાં હતા. કોઈએ તેમને રડવાનું કારણ પૂછ્યું. બહેન કહે છે કે, “સાસુએ કહ્યું કે ત્રણ છોકરીઓ થઇ છે, હવે જો આ વખતે છોકરી થઇ તો ઘરમાંથી કઢાવી મુકશે.”

છોકરો આવે કે છોકરી આવે તે બહેનના હાથમાં ક્યાં છે? પુત્ર તો એક જ કુળ તારે છે, પુત્રી લાયક હોય તો પિતાનું અને પતિનું બંને કુળ તારે છે. છતાં મોટે ભાગે લોકો પુત્રની ઈચ્છા રાખે છે, વારસદાર જોઈએ.

પત્ની માંદી પડે તો પતિ સારવાર પાછળ પાંચ દસ હજાર ખર્ચો કરશે. બેચાર વર્ષ રાહ જોશે, પછી સારી ન થાય તો ઠાકોરજીની બાધા રાખશે કે આનું કંઈક થઇ જાય તો સારું. વિચારે છે કે મારી ઉંમર પણ વધારે નથી, હમણાં જ ૪૮ મું બેઠું. ધંધો પણ સારો ચાલે છે, બીજી મળી રહેશે.(વિચારમાં યે વિવેક નથી!)

પત્ની પતિને કે પતિ પત્નીને સુખ આપે એટલે અરસ પરસ પ્રેમ કરે છે. પણ સુખ મળતું બંધ થઇ જાય કે તરત જ પતિ હોય કે પત્ની હોય બંને એ જ વિચારે છે કે આનું કંઈક થઇ જાય તો સારું.

‘સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી સબ હી કર પ્રીતિ’

ઋષિ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચે સુંદર સંવાદ થયેલો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તેથી તેમણે પોતાની બન્ને પત્નીઓ (મૈત્રેયી અને કાત્યાયની) ને બોલાવી કહ્યું કે, મારે હવે સંન્યાસ લેવો છે તમારાં બન્ને વચ્ચે ઝગડો ના થાય તે માટે મારી સર્વ સંપત્તિ તમારાં બન્ને વચ્ચે સરખા ભાગે વહેચી આપું.

મૈત્રેયી બ્રહ્મ વાદિની હતી. તેણે પૂછ્યું, આ ધનથી હું મોક્ષ પામી શકીશ? હું અમર થઇ શકીશ?

યાજ્ઞવલ્ક્ય કહે કે, ધનથી મોક્ષ ન મળી શકે. ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે. અને તમે સુખથી જીવી શકો. મૈત્રેયી કહે છે કે, આ બધું ધન તમે કાત્યાયનીને આપો. જેનાથી હું અમૃત ન થાઉં તેવા આ સંસારના પદાર્થો લઇને હું શું કરું? મૈત્રેયીની જીજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)