“જીવાત્મા” આત્મા અને યમદૂતના સંવાદની આ રસપ્રદ લઘુકથા તમને જીવનનું સત્ય જણાવતી જશે.

0
488

ઘણું સાથે ચાલ્યા હોઈ જીવાત્માને યમદૂત સાથે સારો મનમેળ થઈ ગયો હતો. પરલોક હજું દૂર હતું. બેઉ પાડાની પાછળ પાછળ ચાલતા જતાં હતા. પાડાની પીઠ પર પાલખીમાં ઓક્સિજન સિલિન્ડરો બાંધ્યાં હતાં.

જીવાત્માએ પૂછ્યું, “આટલાં બધાં સિલિન્ડરો લઈ જઈ શું કરશો?”

” જીવ ! અમે રહ્યાં નોકરિયાત ! અમારે ઉપરી અધિકારીને રાજી રાખવા પડે ! પહેલાં ગેઝેટની ડિમાન્ડ હતી, અત્યારે આ ઓક્સિજન સિલિન્ડર ઈન છે! અમે આવીએ બેસીને ને જઈએ ત્યારે પોઠય ઉપર કૈંક ને કૈં લાધીને લઈ જઈએ! ”

” તમે આ પાડાને પોઠય કહો છો ? ”

” હા , જો ને બિચારો કેવો શાંત ને ગરીબ જીવ ! ”

જીવાત્મા પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો . ટાવર સારો મળતો હોવાથી નૅટવર્ક ફાસ્ટ હતું! વળી રસ્તો ચોખ્ખો, સપાટ ને સીધો હતો, ચાલવામાં કોઈ તકલીફ પડતી ન’હતી.

ખુશ થતા એ બોલ્યો, ” યમદૂતભાઈ, જુઓ તો ખરાં… આજે fb માં મારો ફોટો કેટલો મસ્ત લાગે છે ! કેટલી કોમેન્ટો ને વ્યૂઝ મળ્યાં છે ! પહેલાં તો મારી પોસ્ટ ને ગણીને પાંચ લાઈકો પણ નો’તી મળતી ! ”

” જરાં નિરખીને જો! અહીં વાદળાઓ વચ્ચે બ્લર જેવું દેખાશે, કોઈએ તને ટેગ કર્યો હશે…. ને કોમેન્ટો બધી ૐ શાંતિની હશે!

– મહાવીરસિંહ ચુડાસમા

‘અંતર્યામી’ (અમર કથાઓ ગૃપ)