જ્યાં લાગણીનો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ પણ મુર્ખામી છે, આ પ્રસંગ દ્વારા સમજો આ વાત.

0
517

લાગણીનો વ્યાપાર એક મૂર્ખામી?

તમારે…. ઘરમાં નવરા બેસીને મોબાઈલમાં બેલેન્સ ની કેમ જરૂર પડે છે?

મેં જ્યારે મારા પુત્ર ભાવેશ ને કીધું : બેટા મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે…

ત્યારે મને સામે મળેલ પ્રત્યુતરથી મારું આત્મસન્માન ઘવાયું, છતાં હું ચૂપ રહ્યો…

મારી પત્ની નંદા ને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે, તેમાં ભાવેશ શું ખોટું કહે છે?

આ ઉંમરે ઘરમાં બેસવા કરતાં તમારે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ….

અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી….

આમ તો ધીરે ધીરે આ રોજ નું થયું હતું…. કોઈને વ્યવહાર કરવાનો હોય કે મારે મસાલો ખાવો હોય તો દસ સવાલ ના જવાબ આપ્યા પછી જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય, તેમ મારી પત્ની અને પુત્ર… મને હાથમાં રૂપિયા આપતા…. આ અપમાનિત સ્થિતિ માંથી છૂટવા મેં ઘણા નિરર્થક પ્રયત્ન કર્યા.. પણ તેમાં નિષ્ફળતા જ મળી.

મારી ઉંમર ૫૯ વર્ષ, હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી… કે ગોતવા જવી?

હું કંઈ જ બોલ્યા વગર મારા બેડ રૂમમાં જતો રહ્યો… બારી માંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મારી મુર્ખામી ઉપર હું છુપા આંસુ પાડતો રહ્યો… હું મારા ભૂતકાળ માં ધીરે ધીરે જતો રહ્યો………

લગ્ન થયા ત્યારે અમારા શહેરની મોટા માં મોટી કંપની માં હું એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો… મારા લગ્ન થયા મારી પત્ની પણ લિમિટેડ કંપનીમાં નોકરી કરતી હતી…. હું મારા મિત્રો ની અંદર મારી જાતને સૌથી વધારે સુખી ગણવા લાગ્યો…

આ સમય દરમિયાન અમારા ઘરે સંતાનનું આગમન થયું. તેનું નામ અમે ભાવેશ રાખ્યું.. મારા આનંદ નો પાર ન હતો… ભગવાન ની જાણે કૃપા અને આશીર્વાદ મારા ઉપર વરસતા હોય તેવું મને લાગતું હતું….

મને જે તકલીફો પડી તે મારા બાળક ને ન પડવી જોઈએ, એ વિચાર થી શહેરની મોટી કહેવાતી મીડીયમ ઇંગલિશ સ્કૂલમાં ફી ની ચિંતા વગર ભાવેશ નું એડમિશન લીધું… તેની દરેક જરૂરિયાતો નું પણ હું પુરી બારીકાઈ થી ધ્યાન રાખતો..

મારા પપ્પા ઘણી વખત મને કહેતા : બેટા આપણે મધ્યમવર્ગીય પરિવારના બાળકો છીયે, જે ખર્ચ કરો, એ ભવિષ્ય નો વિચાર કરી ને કરવો. રૂપિયા વગર નું ઘડપણ બોજા રૂપ લાગે છે… આવી સ્થિતીમાં બાળકો સામે હાથ લાંબો કરવો, એ મો તબરાબર લાગે છે.. મારે તો સરકારી નોકરી છે.. પેંશન મળે છે.. તું તારા ભવિષ્ય નો વિચાર કરજે…

હું પણ ધૂતરાષ્ટ્ર ની જેમ પુત્ર અને પરિવાર ના પ્રેમ માં અંધ બની ગયો હતો..

પપ્પા મમ્મી તો આ દુનિયા માં રહ્યા નહતા.. પણ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતા હતા.. તેમની સલાહ નજર અંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો…

ભાવેશ ભણવામાં હોશિયાર હતો.. હું પણ સમાજમાં કુટુંબમાં તેના વખાણ કરતા થાકતો ન હતો…. ૧૨ મા ધોરણમાં સારા માર્ક આવ્યા એટલે… મેં તેને ડોકટર બનાવવા નો નિર્ણય કર્યો.

આ સમય દરમિયાન અમારી કંપનીમાં અને મારા જીવનમાં તોફાન આવ્યું..

કંપની ખોટમાં ચાલતી હોવાથી VRS સ્કીમ મેનેજમેન્ટે મૂકી…. મેં ઘરે વાત કરી… ભોળો બની VRS માં કેટલી રકમ મળશે, એ પણ મેં કહી દીધું….

મારી પત્ની અને ભાવેશે કીધું, પપ્પા VRS લઈ લ્યો…મૂડી ઉપર વ્યાજ પણ બેન્કમાં સારું મળશે.. મમ્મી સર્વિસ કરે છે.. અને હું ડોકટર થઈશ પછી તમને રૂપિયાની કોઈ ચિંતા નહિ રહે.. નંદા ના ચહેરા ઉપર ભાવેશ ની વાત ને મૂંગો સપોર્ટ હતો.

હું… આ બન્નેની વાતોમાં આવી ગયો..

વગર ઉમ્મરે VRS લઈ ઘરે બેસી ગયો.

આ દરમ્યાન ભાવેશ ને ડોકટર બનાવવાના ખર્ચ ને પહોંચી વળવા એક પછી એક મારી ફિક્સ હું તોડવા લાગ્યો… ભાવેશ ડોકટર બની ગયો, અને ખુશ થઈ મારા મિત્ર મંડળ, કુટુંબ માં પેંડા વહેંચ્યા..પણ મારો આ આનંદ લાંબો સમય ન ટક્યો.

ભાવેશ ના લગ્ન થયા…. મારી દશા તો ઘરમાં નાણાં વગર ના નાથીયા જેવી હતી… ઘરમાં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી.. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ મને ચીંધી દેતા શરમ કે સંકોચ નો અનુભવ કરતા ન હતા..

પાછા ઉપર થી ચીટ્યો ભરતા જાય, અને બોલતા જાય.. લ્યો નવરા બેઠા છો.. તો આટલું કામ કરી નાખો.

મેં મારા બેડરૂમ ની ભીંત ઉપર લટકાવેલ પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ કીધું… પપ્પા તમારી વાત યોગ્ય સમયે માની હોત, તો હું આજે આટલો લાચાર અને નિ:સહાય બન્યો ન હોત…

હું ભીની આંખે, હતાશ મનથી થાકી હિંમત હારી, પપ્પા ને યાદ કરતા કરતા ઊંઘી ગયો..

થોડી વાર પછી અચાનક હું ઉભો થઈ ગયો… સ્વપ્નામાં પપ્પા ના હાથ માં અમારા મકાન ના દસ્તાવેજ હતા એ મારા હાથમાં મુકતા બોલ્યા : બેટા તું તારી જાત ને લાચાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો? આ મકાન મેં તારા નામે કરેલ છે. જો તારો પરિવાર તારું ધ્યાન ન રાખતો હોય, તારી જરૂરિયાતો પૂરી ન કરતા હોય, તો વેચી માર આ મકાનને, તારી લાગણી ની મજાક ઉડાવતા હોય તો તું શા માટે લાચાર બની બેઠો છે?

ઉઠ ઉભો થા… આ તારી અસ્તિત્વ અને આત્મસન્માન ની લડાઈ છે.. અને આ લડાઈ હંમેશા લાગણીથી નહિ બુદ્ધિથી લડવી પડે. મારા કાન માં પપ્પાના આ શબ્દો ના ભણકારા ક્યાંય સુધી પડતા રહ્યા.

હું ઉભો થઈ પપ્પાના ફોટાને દીવાલ ઉપર થી ઉતારી છાતી એ લગાવી ખૂબ રડ્યો… પપ્પા, તમે સાચું કહો છો… હવે.. હું આ લોકો ના વાણી વર્તન વ્યવહારથી ક્યારનો થાક્યો છું.

હું ઘરેથી ભાગી જવા અથવા જીવનનો અંત લાવવાનો વિચાર કરતો હતો, ત્યાં તમે મને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું… જીવતા તો તમારી સલાહ ન માની, પણ હવે તમારી સલાહ આંખ માથા ઉપર.

મેં મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી. ઘર જૂનું હતું, પણ ૮૦૦ વાર ના પ્લોટમાં હતું.. બજારની અંદાજિત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો હું માલિક હોવા છતાં, ભિખારીની જેમ કેમ ઘરમાં રહેતો હતો? એવો વિચાર પણ મને બે ઘડી આવી ગયો.

ખરાબ અનુભવો પછી વ્યક્તિનો નવો જન્મ થાય છે. હવે પછીનો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો. મારી બેઠક રૂમમાં સોફામાં બેસવાની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી.

ભાવેશ અને મારી પત્ની સાથે વાત કરવાની રીત પણ મેં બદલી નાખી હતી.. હવે હું પણ તે લોકો સાથે ઊંચા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો. મારામાં અચાનક આવેલ પરિવર્તનથી અકળાઈ ને એક દિવસ ભાવેશ બોલ્યો : મમ્મી પપ્પાની ઘરમાં બેસી બેસી ને દાદાગીરી વધવા લાગી છે, રૂપિયો કમાવવો તો છે નહીં !!

મારી પત્ની નંદા ઉભી ઉભી સાંભળતી હતી, પણ ભાવેશને આવું બોલતા રોક્યો પણ નહિ. એટલે મેં કીધું… આ બધી ચરબી ચડી ગઈ છે, એ તારા બાપે કપડાં કાઢી તને ડોકટરનું ભણાવ્યો એટલે.

સાંભળી લેજો ઘરમાં બધાંય, હવેથી મર્યાદામાં રહીને મારી સાથે વાત કરજો.

નહિંતર? ભાવેશ ઊંચા અવાજે બોલ્યો.

નહિંતર, તેં કલ્પના પણ નહીં કરી હોય તેવું પરિણામ આવશે કહી હું મારા રૂમમાં જતો રહ્યો.

મેં એસ્ટેટ બ્રોકર ને ફોન કરી ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી દીધું.

રવિવારે તો એક પછી એક લોકો મારું ઘર જોવા આવવા લાગ્યા. ભાવેશ અને મારી પત્ની નંદા કહે, આ બધું શું છે?

મેં કીધું એ પ્રશ્ન પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચુક્યા છો.. આ મકાન મારું છે, મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે.

જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવાની હોય, તો એવું ભિખારી જેવું જીવન હવે મારાથી નહિ જીવાય.

ભાવેશ, ભાવેશ ની પત્ની, મારી પત્ની નંદા, મારી સામે લાચાર નજરથી જોવા લાગ્યા.

મેં કીધું શરમ આવવી જોઈએ. એક બાપના આર્થિક માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધી. તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો,
એ તમે ભૂલી ગયા લાગો છો?

મારે ભાડા પેટે મારા ખાતામાં દર મહિને ૩૫૦૦૦ રૂપિયા જમા જોઈએ.

જો આ શરત મારી તમને મંજુર હોય, તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકૂફ રાખીશ.

ભાવેશ કહે મંજુર છે. મેં કીધું એક વખત ભોટ બન્યો. બીજી વખત બનવા માંગતો નથી..

૩૫૦૦૦/- ના ૧૨ ચેક મને એડવાન્સમાં આપી દયો….

ભાવેશ કહે, તમે બાપ છો કે સોદાગર?

મેં કીધું બેટા, એ સવાલ મારે તને કરવાનો હોય… તને શરમ આવવી જોઈએ.

શહેરમાં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે મોબાઈલનું બેલેન્સ કરાવવા ભીખ માંગે !

મેં મારું બેન્ક બેલેન્સ, ફિકસો બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડયો.

તને કદી વિચાર પણ ન આવ્યો, કે પપ્પાની પાસબુક ખાલી મારા કારણે થઈ છે.

એ પાસબુક ભરવાની જવબદારી પણ મારી છે?

સોરી બેટા, અત્યાર સુધી લાગણીથી જીવ્યો… હવે મારામાં તાકાત નથી….

મારો સોદો તમને લોકોને મંજૂર હોય તો કહેજો, આટલું બોલી હું મારા બેડરૂમમાં જતો રહ્યો…

રૂમમાં જઈ પપ્પા ના ફોટાને પગે લાગતા, વર્ષો પછી હું હસી પડ્યો.. અને બોલ્યો.. પપ્પા.. તમે કીધું તેમ બરાબર ની હવા ભરી છે… તીર નિશાન ઉપર લાગ્યું છે..

આ બધા મારા પ્રેમ, ત્યાગ, સમર્પણ અને મૌન ને મારું નિર્માલ્યપણું સમજી ગયા હતા.

પપ્પા પણ જાણે મારી સામે ફોટામાંથી આંખ મારી મને તાળી આપી રહ્યા હોય તેવું લાગ્યું.

મિત્રો, જ્યાં લાગણી નો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ પણ મુર્ખામી છે.

મગજ બંધ કરી પ્રેમ કરવાનો સમય નથી. શંકા કરી સંબંધો ન બગાડો, પણ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે.

– સાભાર અનિલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)