ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો,
સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે…
જલ કેરી મછિયાં જળમાં વિયાણી… જલ કેરી મછિયાં…
ઈંડા એના અધર સમાયા રે,
ઈંડા એના અધર જમાયા…
ઈ રે ઈંડામાં છીંડાં રે નોતાં… ઈ રે ઈંડામાં…
પવન એમાં કહાં સે પધરાયા રે…
ધરતી પર બાવે ચૂલા રે બનાયા… ચૂલા રે બનાયા…
આસમાન તવા રે ઠેરાયા રે…
ચાર ચાર જુગ કી લકડી જુલાઈ… ચાર ચાર જુગ કી…
ધુંવા એના કહાં રે સમાયા રે…
ગગનમંડળમાં ગૌવા રે વિયાણી… ગોવા રે વિયાણી…
ગોરસ અધર જમાયા રે…
સંતોએ મિલકર ક્યિા રે વલોણા…
માખણ કોક વિરલે પાયા રહે…
શૂન રે શિખર પર ભમરગુફા મેં, આસન અધર ઠેરાયા રે…
કહત “કબીરા”, સુનો ભાઈ સાધુ
સમજ્યા સોઈ નરને પાયા રે… હો… હો… જી. – ઈતના ભેદ ગુરુ…
કબીરજીના નામે ગવાતું આ ભજન અવળવાણીનું ઉત્તમ ઉદાહરણ છે. સાધક શિષ્ય પોતાના ગુરુને કહે છે કે મારા આટલા પ્રશ્રોના સાચા ઉત્તર આપો પછી જ હું તમારી દીક્ષાનો સ્વીકાર કરીશ, આટલું સમજ્યા અને મને સમજાવ્યા પછી જ મારો હાથ પકડજો. એક જાગ્રત શિષ્યની આ ચેલેન્જ છે. એક સાત્ત્વિક આહ્વાન છે.
‘જળ કેરી મછિયાં જળમાં વિયાણી…’ સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે રજ અને બીજના સંયોગથી…. સ્ત્રી-પુરુષનાં રજ-બીજ આમ તો જળમય જ છે ને પાણીની માછલી શુક્ર પાણીમાં જ રજમાં જ પ્રસવ કરે છે અને અધર ગર્ભાશયમાં ઈંડું બંધાય છે. આ ઈંડામાં ક્યાંય છિડા તો છે નહીં તો પછી એમાં પ્રાણતત્ત્વ ક્યાંથી આવે છે ?
‘ધરતી પર બાવે…’ યેાગીસાધક મૂલાધારચક્રથી શરૂ કરીને પોતાની સુરતા સહસ્ત્રાર સુધી લઈ જાય છે. મૂલાધારચક્રનો આધાર પૃથ્વીતત્ત્વ છે, એની જાગૃતિથી છેક બ્રહ્યરંધ સુધી યોગાગ્નિ પ્રજજ્વલિત થાય છે અને કલિ, દ્બાપર, ત્રેતા અને સત્યયુગ સુધીની જુદી જુદી સ્થૂલથી સૂક્ષ્મ સુધીની ભૂમિકાએ સાધક સુરતાની યાત્રા કરે છે, અજ્ઞાન માયા બળીને ખાખ થઈ જાય છે.
‘ગગનમંડળમાં…’ તમામ ઈન્યિોની શક્તિ કેન્દ્રિત થઈને ચિદાકાશમાં એકત્ર થઈ છે, ઈન્યિો રૂપી ગાયે જ્ઞાનરૂપી વાછરડાને જન્મ આપ્યો છે અને રૂષિ-મુનિ-સંત-ભક્તોના તત્ત્વચિંતનમાંથી મંથનમાંથી પરમ સત્યરૂપી સત્ત્વ-માખણની પ્રાપ્તિ થઈ છે. આ રહસ્ય કોઈક વિરલા જ જાણે છે અને તેનો આનંદ માણે છે.
યેાગીપુરુષનાં અમનસ્ક ધ્યાન-સમાધિ અવસ્થાની વર્ણવતું આ ભજન આપણી અણમૂલી મૂડી છે. સામાન્ય બુદ્ઘિને અર્થહીન જણાતી અને ગૂંચવી નાખતી આ વાણી એના મરમી સાધકો માટે સાધનાની કૂંચી બની જાય છે. એને સમજવા માટે ભાવકની ચોક્ક્સ ભૂમિકા જોઈએ.
‘નાવ મેં નદિયા ડૂબી જાય…’ કે ‘ચિંટી કે મુખ હસ્તિ સમાઈ…’ જેવી ઉક્તિઓમાં એક અનાદિ અનંત સ્વરૂપ આત્માના નિર્મળ ધ્યાનરૂપી નૌકામાં અનેકવિધ સાંસારિક વૃત્તિઓ રૂપ નદીઓ ડૂબી જતી હોય કે હાથી જેવડા અતિ બળવાન પ્રાણી જેવું મન કીડી જેટલી વૃત્તિઓ અને વાસનાઓના મુખમાં સમાઈ જતું હોય એવો સાધનાત્મક અર્થ તો છે જ પણ વ્યવહારમાં પણ હાથી જેવડા વિશાળ વડનું બીજ નાનકડા કણ કે કીડી જેવડું જ હોય એમાંથી જ વિશાળ વટવૃક્ષ્ ઊગી ને પાંગરી શકે. આપણી વિષય તૃષ્ણા રૂપી વાસનાઓનું બીજ તો નાનકડું જ હોય પણ એને તક મળતાં તો તે હાથી જેવડું બની જાય ને હાથી જેવા સમર્થ મનને તથા પ્રાણને ખાઈ જાય.
પરંપરિત સાધનાત્મક પરિભાષા જાણ્યા વિના આવી અવળવાણીનો સાચો અર્થ ન સાંપડે. જીવ, જગત, માયા, બ્રહ્મ, બ્રહ્માનુભૂતિ, વૈરાગ્ય, ભક્તિ, યોગ અને આત્મા વિશે આપણા સંતોએ પ્રતીકાત્મક રીતે ગૂઢ-રહસ્યમય વાણીમાં ઘણું ચિંતન આપ્યું છે. એક એક શબ્દ સંતો માટે જીવનસાધના હતો, શબ્દબ્રહ્મની ઉપાસના કરતાં કરતાં જે નવનીત આ સંતોને મળ્યું તે પોતાની વાણીમાં વ્યક્ત ક્યુર્ં છે. ‘સમજ્યા સોઈ નર પાયા…’ જે આ રહસ્યને સમજી શક્યા છે તે જ પૂર્ણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે, તેમ કબીરજીએ અમસ્તું નથી કહ્યું.
અલખને લખવા આપણી સામાન્ય બોલી કે ભાષા કામ નથી આવતી, એ માટે તો આશરો લેવો પડે અવળવાણીનો ગૂઢ રહસ્યાત્મક કૃતિઓની આ પરંપરાના મૂળ છેક વેદો સુધી પહોંચે છે પણ સંતવાણી પ્રવાહમાં કબીર એના વિશિષ્ટ ને વિરલ પુરર્સ્ક્તા છે. કબીર- ગોરખની અવળવાણી શબ્દ ફેરે-ભાષા ફેરે આજ સુધીના તમામ ભજનિક કવિઓ સુધી વિસ્તરતી રહી છે.
– શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
(આપણો ઇતિહાસ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ)