“કાબુલીવાલા” રવિન્દ્રનાથ ટાગોરની આ લાગણીસભર વાર્તા એકવાર જરૂર વાંચજો.

0
2103

મારી પાંચ વરસની પોરી મીની એક ઘડી પણ બોલ્યા વિના રહી શકતી નથી. પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યા પછી ભાષા શીખવામાં તેણે માત્ર એક જ વરસ કાઢ્યું હતું, પણ તે પછીથી તો તે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એક પળ પણ મૌન રહેવામાં બગાડતી નથી. મારું ઘર રસ્તા પર હતું. ઓચિંતાની મીની અગડમ બગડમ રમવાનું છોડી બારી આગળ દોડી ગઈ અને જોરથી બૂમ પાડવા લાગી : ‘કાબુલીવાલા, એ….ઈ કાબુલીવાલા !’

મેલું ઢીલું લૂગડું પહેરેલું છે, માથા પર પાઘડી છે, ખભા પર ઝોળી છે, હાથમાં બેચાર દરાખની પેટીઓ છે, એવો એક ઊંચો કાબુલી ધીમાં પગલાં ભરતો રસ્તા પર થઈને જતો હતો – તેને જોઈને મારા કન્યારત્નના મનમાં કેવો ભાવોદય થયો તે કહેવું અઘરું છે, તેણે શ્વાસભેર તેને બોલાવવાનું શરૂ કરી દીધું. મને થયું કે હમણાં જ ખભા પર ઝોળીવાળી એક આફત આવીને ખડી થઈ જશે અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

પરંતુ મીનીની બૂમ સાંભળી કાબુલીએ હસીને જ્યાં મોં ફેરવ્યું અને અમારા ઘર તરફ આવવા માંડ્યું, ત્યાં તો મીની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડી ગઈ અને ક્યાં સંતાઈ ગઈ તેની ખબરે ન પડી. એના મનમાં એવી કોઈક આંધળી માન્યતા હતી કે કાબુલીવાલાની એ ઝોળીની અંદર મીનીના જેવી બે-ચાર છોકરીઓ પૂરેલી છે.

આ તરફ કાબુલી આવી, હસીને મને સલામ કરી ઊભો – મને થયું પ્રતાપસિંહ અને કાંચનમાલાની હાલત બહુ દયાજનક છે, તોપણ આને ઘરમાં બોલાવી આણ્યા પછી એની પાસેથી કંઈ ખરીદીએ નહીં એ સારું નહીં ! કંઈક ખરીદ્યું. પછી આડીઅવળી વાતો નીકળી પડી. આબદર રહમાન, રશિયા, અંગ્રેજો વગેરેથી તે સરકારની સરહદનીતિ વિશે વાતો ચાલવા માંડી. છેવટે ઊઠતાં ઊઠતાં તેણે પૂછ્યું : ‘બાબુ, આપની લડકી ક્યાં ગઈ?’

મીનીની ખોટી બીક દૂર કરવાના હેતુથી મેં તેને અંત:પુરમાંથી બોલાવી આણી – તે મને વળગીને કાબુલીના મોં અને એની ઝોળીની તરફ સંદેહભરી નજરે જોતી રહી – કાબુલીએ ઝોળીમાંથી દરાખ, અખરોટ કાઢીને એને આપવા માંડ્યાં, પણ તેણે તે ન લીધાં. ઊલટું, બમણા વહેમથી તે મારા ઘૂંટણને વળગી રહી. પ્રથમ પરિચય આ રીતે પૂરો થયો.

થોડા દિવસ પછી, એક દિવસ સવારે, હું કામપ્રસંગે ઘરમાંથી બહાર નીકળતાં જોઉં છું તો મારાં દીકરીબા બારણા આગળ બેન્ચ ઉપર બેસીને કંઈ કંઈ બોલ્યે જ જાય છે, અને કાબુલી તેના પગ આગળ બેસીને હસતે મોઢે બધું સાંભળી રહ્યો છે અને વચમાં વચમાં પ્રસંગાનુસાર પોતાનો અભિપ્રાય પણ ભાંગીતૂટી બંગાળીમાં વ્યક્ત કરે છે. મીનીને એની પાંચ વરસની જિંદગીમાં એના બાપ સિવાય, આવો ધીરજવાન શ્રોતા કદી મળ્યો નહોતો. વળી મેં જોયું તો એનો ખોળો દરાખ-બદામથી ભરેલો હતો.

મેં કાબુલીને કહ્યું : ‘એને આ બધું શું કરવા આપ્યું? હવે ફરી આપશો નહીં !’ આમ કહી મેં ગજવામાંથી એક આઠ આની (અડધો રૂપિયો) કાઢી તેને આપી. તેણે લેશ પણ સંકોચ વગર આઠ આની લઈને ઝોળીમાં નાખી. ઘેર પાછો આવીને જોઉં છું તો એ આઠ આનીની બાબતમાં ઘરમાં સોળ આની ધમાધમ મચી ગઈ હતી. મીનીની મા હાથમાં એક સફેદ ચમકતો ગોળ પદાર્થ લઈ ગુસ્સામાં મીનીને પૂછી રહી હતી : ‘તું આ અડધો ક્યાંથી લાવી?’

મીની કહેતી હતી : ‘કાબુલીવાલાએ આપ્યો !’

તેની મા કહેતી હતી : ‘પણ કાબુલીની પાસેથી તેં એ લીધો કેમ?’

મીની રડવા માંડી કહ્યું : ‘મેં માગ્યો નથી, એણે એની મેળે આપ્યો છે.’

મેં આવીને મીનીને એના પર આવી પડેલી આ આફતમાંથી બચાવી લીધી. હું એને બહાર લઈ ગયો.

મને ખબર પડી કે કાબુલીની સાથે મીનીની આ બીજી મુલાકાત નથી. પણ આ પહેલાં લગભગ દરરોજ આવીને, પિસ્તાબદામ લાંચમાં આપીને તેણે મીનીનું નાનકડું હૃદય ઘણું કબજે કરી લીધું હતું. મેં જોયું કે આ બે દોસ્તો વચ્ચે કેટલીક વાતો અને ગમ્મતો રોજ એકની એક ચાલ્યા કરતી હતી. દાખલા તરીકે, રહમતને જોતાં જ મારી દીકરી હસતી હસતી પૂછતી : ‘કાબુલીવાલા… એ…ઈ… કાબુલીવાલા, તારી આ ઝોળીમાં શું છે?’

રહમત ઉચ્ચારમાં એક અનાવશ્યક ચંદ્રબિંદુ ચડાવી દઈ હસતો હસતો જવાબ દેતો : ‘હોંથી !’ અર્થાત્ એની ઝોળીમાં હાથી છે એ જ તેના હસવાનો સૂક્ષ્મ મર્મ હતો. અતિ સુક્ષ્મ તો ન કહી શકાય, તો પણ આ ગમ્મતમાં બંનેને ભારે મજા પડતી અને શરદઋતુના પ્રભાતમાં, એક મોટી ઉંમરના માણસનું અને એક નાની વયની બાલિકાનું સરળ હાસ્ય જોઈ મને પણ સારું લાગતું.

એમની વચ્ચે બીજી પણ એક વાત પ્રચલિત હતી. રહમત મીનીને કહેતો : ‘કીકી, તું કદી સાસરે જતી નહીં !’ બંગાળી ઘરની છોકરી જન્મથી જ સાસરું શબ્દથી પરિચિત હોય છે, પરંતુ અમે જરા નવા જમાનાના માણસ હોવાથી છોકરીને સાસરી સંબંધી કંઈ જ જ્ઞાન આપ્યું નહોતું. એથી રહમતનો અનુરોધ મીની સમજી શકતી નહીં, છતાં એનો કંઈ પણ જવાબ દીધા વગર ચૂપ રહેવું એ બિલકુલ એના સ્વભાવની વિરુદ્ધ હતું. એટલે તે સામો સવાલ પૂછતી : ‘તમે સાસરે જવાના છો ?’

રહમત કાલ્પનિક સસરાની સામે પ્રચંડ મૂઠી ઉગામી કહેતો : ‘સસૂરને હું ઠોકીશ..’ સાંભળી મીની સસૂર નામે કોઈ એક અજાણ્યા માણસનું આવી બન્યું કલ્પીને ખૂબ હસતી.

મીનીની મા ખૂબ વહેમી સ્વભાવની બાઈ હતી. રસ્તા પર જરા જેટલો અવાજ થાય તો આખી દુનિયાના ડા રુડિ યાઓ બાસ અમારા જ ઘરમાં ઘૂસવા દોડી આવે છે એવું એને લાગે. આખી પૃથ્વી ચારે ખૂણે ચોર, ડાકુ, ડા રુડિ યા, સાપ, વાઘ, મેલેરિયા, ઈયળો, વંદા, કાનખજૂરા અને ગોરાઓથી જ ભરેલી છે એ એનો ભય આટલા દિવસ (બહુ વધારે દિવસ નહોતા થયા) પૃથ્વી પર વાસ કરવા છતાં હજી એના મનમાંથી દૂર થયો નહોતો.

રહમત કાબુલી સંબંધી પણ તે સાવ નિ:સંશય નહોતી. એટલે તેની તરફ ખાસ નજર રાખતા રહેવાનો તે મને વારંવાર આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢવાનું કરું, તો એ સામી મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી : ‘કદીયે શું કોઈનાં છોકરાં ચોરાયાં નથી ? કાબુલમાં શું ગુલામોનો વેપાર ચાલતો નથી? આવડા મોટા કાબુલ માટે જરી જેવડી છોકરીને ઉપાડી જવાનું કામ શું સાવ અસંભવિત છે?’

મારે કબૂલ કરવું પડ્યું કે એવું બનવું સાવ અસંભવિત તો નથી, પરંતુ માન્યામાં ન આવે એવું છે. માનવા ન માનવાની શક્તિ સૌમાં સરખી નથી હોતી, એટલે મારી સ્ત્રીના મનનો ભય ટળ્યો નહીં. પરંતુ એથી કરીને વગર વાંકે રહમતને અમારા ઘરમાં આવવાની હું મનાઈ કરી શક્યો નહીં.

દર વરસે મહા મહિનાની અધવચમાં રહમત દેશમાં ચાલી જતો. આ વખતે તે પોતાનું બધું લેણું વસૂલ કરવા પાછળ ખૂબ વ્યસત રહેતો. એ માટે ઘેર ઘેર ફરવું પડે, છતાં પણ તે મીનીને એક વાર તો દર્શન દઈ જતો. એ જોઈને ખરેખર એમ લાગે, જાણે એમની વચ્ચે કંઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈ દિવસ સવારે તે આવી ન શકે તો સાંજે આવે.

અંધારા ઓરડાના ખૂણામાં એ ખૂલતા પહોળા જામા પાયજામાવાળા અને ઝોળાઝોળીવાળા ઊંચા કદાવર માણસને જોઈ ખરેખર એકદમ મનમાં આશંકા પેદા થાય, પરંતુ જ્યારે મીનીને ‘કાબુલીવાલા, એ…ઈ… કાબુલીવાલા !’ કહી હસતી હસતી દોડી આવતી જોઉં અને એ બે ભિન્ન વયના મિત્રોમાં જૂનો જાણીતો વિનોદ ચાલવા માંડે ત્યારે મારું સમસ્ત અંત:કરણ પ્રસન્ન થઈ જતું.

એક દિવસ સવારે મારી ઓરડીમાં બેસીને હું પ્રૂફ તપાસતો હતો. વિદાય લેતાં પહેલાં બે-ત્રણ દિવસથી ઠંડી ખૂબ સખત પડવા લાગી હતી. ગાત્રો ગળી જતાં હતાં, બારીમાંથી સવારનો તડકો મેજની નીચે મારા પગ ઉપર આવી પડતો હતો, અને તેનો ગરમાવો અત્યારે ખૂબ જ મીઠો લાગતો હતો. લગભગ આઠેક વાગ્યા હશે. માથે ગળપટા વીંટાળીને વહેલા પહોરના ફરવા ગયેલા માણસો ઘેર પાછા આવી ગયા હતા.

એવામાં રસ્તામાં ભારે કોલાહલ સંભળાયો. જોયું તો અમારા રહમતને બે સિપાઈઓ બાંધીને લાવતા હતા – એમની પાછળ કુતૂહલપ્રિય છોકરાંનું ટોળું હતું. રહમતના શરીર પર ને કપડાં પર ડાઘા હતા, અને એક સિપાઈના હાથમાં સ રો હતો. મેં બહાર નીકળી સિપાઈને ઊભો રાખી પૂછ્યું : ‘શું થયું છે ?’

થોડું તેણે કહ્યું, થોડુંક રહમતે કહ્યું – એમ મને જાણવા મળ્યું કે અમારા કોઈ પડોશીએ પૈસા બાકી રાખી રહમતની પાસેથી રામપુરી શાલ લીધી હતી. રહમતે એના પૈસા માગ્યા, ત્યારે પેલાએ જૂઠું બોલી એ દેવાનો જ ઈનકાર કર્યો. એ બાબતમાં ઝઘડો થતાં રહમતે તેને સ રો ભોં કી દીધો હતો. રહમત એ જૂઠાબોલાને ઉદ્દેશીને અનેક અશ્રાવ્ય ગાળો સંભળાવતો હતો, એટલાં ‘કાબુલીવાલા…એ…ઈ કાબુલીવાલા !’ કરતી બૂમો પાડતી પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મોં પલકમાં હાસ્યથી ખીલી ઊઠ્યું. તેના ખભા પર અત્યારે ઝોળી નહોતી, એટલે ઝોળી સંબંધી તેમનો રોજનો વાર્તાલાપ આજે થયો નહીં.

મીનીએ એકદમ તેને પૂછી નાખ્યું : ‘તમે સાસરે જવાના છો ?’

રહમતે હસીને કહ્યું : ‘ત્યાં જ જાઉં છું’

પણ એ જવાબથી મીનીને હસવું આવ્યું નહીં. એ જોઈ રહમતે પોતાના હાથ દેખાડી કહ્યું : ‘સાલા સસૂરને ઠોકત, પણ શું કરું, મારા હાથ બાંધેલા છે !’ ખૂ નની કોશિશ કરવાના ગુનાસર રહમતને કેટલાંક વરસની કેદની સજા થઈ.

રહમતની વાત હવે હું લગભગ ભૂલી ગયો હતો. અમે જ્યારે ઘરમાં બેઠાં બેઠાં હંમેશની ટેવ મુજબ કામકાજમાં દિવસો વિતાવતાં, ત્યારે એક સ્વતંત્ર મિજાજનો પહાડોમાં ફરનારો આદમી કારાગારની દીવાલોની વચમાં કેવી રીતે વર્ષો વિતાવતો હશે તે અમને કદી યાદ પણ આવતું નહીં. અને, ચંચળ હૃદયની મીનીની રીતભાત તો ખરેખર ખૂબ શરમાવા જેવી હતી તેની તેના બાપથીયે ના પાડી શકાય એમ નથી. લહેરથી પોતના જૂના મિત્રને ભૂલી જઈ પહેલાં એણે નબી ગાડીવાળાની સાથે મૈત્રી બાંધી.

પછી જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ એક એક સખાને બદલે એક એક સખી આવતી ગઈ. તે એટલે સુધી કે હવે તે તેના બાપાની લખવાની ઓરડીમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. મેં તો જાણે તેની સાથે બોલવાના કટ્ટા કર્યા છે.

કેટલાંક વરસો વહી ગયાં ! વળી એક શરદઋતુ આવી. મારી મીનીનું સગપણ નક્કી થઈ ગયું છે. પૂજાની રજાઓમાં તેનાં લગ્ન થવાનાં છે. દુર્ગા કૈલાસમાં જશે, અને તેની સાથે મારા ઘરની આનંદમયી પણ પિતૃભવનમાં અંધારું કરીને હવે પતિભવનમાં જશે.

આજે મારી મીનીનાં લગ્ન હતાં. સવારથી જ ભારે ધમાલ મચી ગઈ હતી. માણસોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. આંગણામાં વાંસ નાખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના એકેએક ઓરડામાં અને પરસાળમાં હાંડીઝુમ્મરો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ અને દોડધામનો પાર નહોતો.
હું મારી ઓરડીમાં બેસીને હિસાબ જોતો હતો, એટલામાં રહમત આવીને સલામ કરીને ઊભો. પહેલાં તો હું એને ઓળખી શક્યો નહીં. એની પેલી ઝોળી નહોતી, લાંબા વાળ નહોતા, એના શરીરમાં પહેલાંના જેવું તેજ નહોતું. છેવટે તેના હાસ્ય પરથી મેં એને ઓળખ્યો.

મેં કહ્યું : ‘કેમ રહમત, ક્યારે આવ્યો ?’

તેણે કહ્યું : ‘કાલે સાંજે જેલમાંથી છૂટ્યો !’

શબ્દો જાણે કાનમાં ખટ કરતા વાગ્યા ! આ પહેલાં કદી કોઈ ખૂ નીને મેં નજરે જોયો નહોતો. આને જોઈ મારું આખું હૃદય સંકોચાઈને જાણે બિંદુ જેવડું થઈ ગયું. મને થયું કે આજના આવા શુભ દિવસે આ માણસ અહીં ન હોય તો સારું.

મેં તેને કહ્યું : ‘આજે અમારા ઘરમાં અવસર છે. હું બહુ કામમાં છું, તમે આજે જાઓ….’

આ સાંભળતાં જ એણે તરત ચાલવા માંડ્યું, પરંતુ બારણા આગળ જઈને એ બીતો બીતો બોલ્યો : ‘કીકીને જરી મળાશે ખરું?’ તેના મનમાં એ એવું માનતો હશે કે મીની હજી એવડી ને એવડી છે. તેના મનમાં એવું હશે કે હમણાં મીની પહેલાંની પેઠે ‘કાબુલીવાલા….એ…ઈ… કાબુલીવાલા’ કરતી દોડતી આવશે, અને તેમની વચ્ચે ફરી પાછો પેલો જૂનો હાસ્યાલાપ ચાલશે. એટલું જ નહીં, પણ જૂની દોસ્તી યાદ કરી તે એક બૉક્સમાં અંગૂર અને કાગળના પડીકામાં દરાખબદામ પણ લેતો આવ્યો હતો – કોઈ ઓળખીતા કાબુલીની પાસેથી માગી તાગીને એ લઈ આવ્યો હશે – કારણ કે એની પેલી ઝોળી તો હવે હતી નહીં.

મેં કહ્યું : ‘આજે ઘરમાં ધમાલ છે, આજે કોઈને મળવાનું નહીં બને !’

તે જરા ખિન્ન બની ગયો. સ્તબ્ધભાવે ઊભો રહી એ ઘડીક મારી સામે જોઈ રહ્યો, પછી ‘બાબુ, સલામ !’ કહી એ ઘરમાંથી બહાર નીકળી ગયો. મને હૃદયમાં કંઈક દુ:ખ થયું, હું એને પાછો બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં એ પોતે જ પાછો આવતો દેખાયો. પાસે આવીને તેણે કહ્યું : ‘આ અંગૂર અને કિસમિસ-બદામ કીકીના સારુ લાવ્યો હતો; એને આપવા કૃપા કરશો !’

મેં એના પૈસા આપવા માંડતાં તેણે એકદમ મારો હાથ પકડી લઈ કહ્યું : ‘આપે ખૂબ દયા બતાવી છે, હું એ કદી નહીં ભૂલું – મને પૈસા આપવાનું ન કરશો ! – બાબુ, તમારે જેવી છોકરી છે, તેવી દેશમાં મારે પણ એક છોકરી છે. એનું મોં યાદ કરી હું તમારી કીકીને આપવા જરાતરા મેવો લઈને આવું છું. હું કંઈ વેપાર કરવા આવતો નથી.’ આમ કહી એણે પોતાના ખૂલતા પહોળા અંગરખામાં હાથ નાખી, છાતી પાસે ક્યાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાર કાઢ્યો. ખૂબ જતનપૂર્વક તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે મારા મેજ ઉપર પાથર્યો.

મેં જોયું તો કાગળ ઉપર એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલચિત્ર નહોતું; હાથમાં જરા કાજળ લગાડી કાગળ ઉપર તેની છાપ લીધેલી હતી. દીકરીનું આ સ્મરણ છાતીસરસું રાખીને રહમત કલકત્તાના રસ્તાઓ પર મેવો વેચવા આવતો હતો – જાણે એ સુકોમળ નાજુક બાળહસ્તનો સ્પર્શ તેના વિશાળ વિરહી હૃદયમાં સુધાનો સંચાર કરતો હતો !

આ જોઈ મારી આંખો છલછલ કરતી ઊભરાઈ આવી. તે વખતે, એ કોઈ કાબુલી મેવાવાળો છે, અને હું કોઈ બંગાળી સંભ્રાન્ત વંશનો છું એ હું ભૂલી ગયો. – તે વખતે હું સમજી શક્યો કે જેવો એ છે તેવો જ હું પણ છું; તે પિતા છે, હું પણ પિતા છું. પર્વતગૃહમાં વસેલી તેની એ નાનકડી પાર્વતીના હાથની છાપ જોઈ મને પણ મારી મીની યાદ આવી ગઈ. મેં તરત જ તેને અંત:પુરમાંથી બોલાવી મગાવી. સ્ત્રીઓએ ઘણો વિરોધ કર્યો, પરંતુ મેં એ તરફ બિલકુલ લક્ષ આપ્યું નહીં. લાલ રેશમી સાડીમાં, કપાળમાં ચંદનની ચર્ચા સાથે, વધૂના વેશમાં મીની શરમાતી સંકોચાતી મારી પાસે આવીને ઊભી.

એને જોઈ કાબૂલી પહેલાં તો ચમકી ગયો, પહેલાંની પેઠે તેમનો વાર્તાલાપ જામી શક્યો નહીં. છેવટે હસીને તેણે કહ્યું : ‘કીકી, તું સાસરે ચાલી?’
મીની હવે સાસરીનો અર્થ સમજતી હતી, હવે તે પહેલાંની પેઠે જવાબ દઈ શકી નહીં – રહમતનો સવાલ સાંભળી લજ્જાથી લાલ બની તે મોં ફેરવી ઊભી રહી. કાબુલીની સાથે મીનીને જે દિવસે પહેલી ઓળખાણ થઈ હતી, એ દિવસ અત્યારે મને યાદ આવી ગયો, અને મારું મન કેવુંય વ્યથિત થઈ ગયું.

મીનીના ગયા પછી એક ઊંડો નિ:શ્વાસ નાખી રહમત જમીન ઉપર બેસી પડ્યો. તેને અચાનક ભાન થયું કે તેની છોકરી પણ અત્યારે આવડી મોટી થઈ ગઈ હશે, એની સાથે પણ હવે નવી ઓળખાણ કરવી પડશે. – પહેલાં હતી તેવી હવે એ એને જોવા નહીં મળે. આ આઠ વરસમાં તેનું શું થયું હશે તે પણ કોણ જાણે છે ! સવારના પહોરમાં શરદ ઋતુના સૂરજનાં સ્નિગ્ધ કિરણો વચ્ચે શરણાઈ વાગવા માંડી હતી.

રહમત કલકતાની એક ગલીમાં બેઠો બેઠો અફઘાનિસ્તાનના કોઈ બોડિયા પહાડનું દશ્ય જોઈ રહ્યો. મેં એક નોટ કાઢી તેના હાથમાં મૂકી કહ્યું : ‘રહમત, તું દેશમાં તારી દીકરીની પાસે પહોંચી જા ! તમે બાપ-બેટી સુખે મળો એથી મારી મીનીનું કલ્યાણ થશે !’

આ રૂપિયા આપવાને લીધે, મારે લગ્નની ધામધૂમમાંથી એકબે બાબત કાઢી નાખવી પડી. મનમાં ધાર્યા પ્રમાણે વીજળીનો ભપકો કરી શકાયો નહીં, કિલ્લાનું બૅન્ડ પણ લવાયું નહીં. અંત:પુરમાં સ્ત્રીઓ બહુ બબડવા લાગી, પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઊઠ્યો.

– રવિન્દ્રનાથ ટાગોર.

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ.)