‘કદર’…. વાલા કેસરિયાના જીવનની એક સુંદર સત્યઘટના જે દરેકે વાંચવી જોઈએ.

0
883

કરણુકી નદી આમ તો નાનકડી. પ્રવાહેય પાતળો પણ એનો કાંઠો બારેય માસ લીલો કુંજાર રહેતો. કરણુકીનો કાંઠો ચરી એનાં ટોપરાં જેવાં પાણી પીને પશુઓ ગામમાં પાછાં વળતાં. આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઊડીને આંખે વળગે એવી.

ગામમાં વસનારાં માણસો ઓલદોલ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો જાતનો ચારણ , તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી , પંજાબી , કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે.

આવો વાલો કેસરિયો એક દિ’ વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતાં જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતાં. હજાર રૂપિયાની વાંસણી કેડ્યે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટખરચીમાં પાંચ સો તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નો’તો. એની કિંમત સાંભળીને સૌ પાછાં વળી જતાં. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો.

વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાનાં તેજ પથરાવા માંડ્યાં છે. જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણીપંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના , પછી એની ચાલમાં પૂછવું શું ? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન , હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી. કાન સોરીને દોઢ્યે ચડાવતા.

જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે.

વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંય ઘોડાને ઘરે થોડું છે ?

વાટ ખરચીની વધેલી પાંચ સો રૂપિયાની વાંસણી કેડ્યે બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્ય થઈ જાશે એવી ધરપત હૈયામાં છે.

વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડાં – ઠામ – વાસણ , ઘરની નાની – મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. બે’ક ડગલાં આગળ હાલ્યો ત્યાં નાનાં છોકરાંનાં કાળજાં કંપાવે એવાં કાળાં બોકાસાં સંભળાણાં. કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઊતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો.

જોતાં જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઊતરી હતી. ગાભા – ગોદડાં , ઠામ – ઠીકરાં ઠેબે આવતાં હતાં. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોબી સવાલ કર્યો.

” શેઠ કેટલા રૂપિયાનું લેણું ? આંકડો બોલો ? ”

“ ભાઈ , તારો મારગ તારી રાહ જોવે છે , હાલતો થા. ” શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો.

“ બાપ બોલો કેટલાનું લેણું , આ છોકરાંનાં આંહુડાં મારાથી જોવાતાં નથી. ”

શેઠનો મિજાજ તરડાયો : “ આવ્યો મોટો કેટલાનું લેણું ? દાતારનો દીકરો. ” ખેસ ફંગોળતાં શેઠે કહ્યું : “ બોલ રૂપિયા પાંચ સોનું બિલ ભરવું છે ? ”

એક પળને બીજી પળે કેસરિયાએ કેડ્યેથી વાંસણી છોડી મૂળાના પતીકા જેવા પાંચ સો ગણી દીધા. ઉપરથી ફિરસ્તો ઊતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા.

સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. “ તમારું નામ ! ”

“ નામ ભગવાનનું કામેય ભગવાનનું . ” બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો , તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. ”

લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા , “ મારું નામ વાલો કેસરિયો. ગામ મારું ગરણી , અમરેલી પરગણાનું. લ્યો રામે રામ ” બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો.

મરાઠાનાં છોકરાંનાં આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખરચી કાઢી લીધી. વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયાં ખાઈ ગયો.

ગરણી ગામ માથે પ્રભાતનાં તેજ પથરાવા માંડ્યાં છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઊઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યાં છે.

બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળ્યું ઝૂલતી આવે છે . મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઊડેલી છે. આંખ્યુંમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાનાં ખાખી છોગાં પવનમાં ફગફગી રહ્યાં છે.
અણધાર્યા રાજના સિપાયું ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા.

“ વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે ? ” સિપાઈએ પૂછ્યું.

“બાપુ , આથમણા બારનું ખોરડું કળાય ઈ એનું. ”

આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતાં અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી : “ વાલા કેસરિયા. ”

દિ ’ ઊગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાતણપાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો.
ત્યાં તો બીજો સાદ સંભળાણોઃ “ વાલા ઘર મેં હૈ ? ”

બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતાં કેસરિયાનાં ઘરવાળાં આવીને બોલ્યાં : ” છે તો ઘરમાં ” , પણ રાજના સિપાયુંને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયાં. સાત પેઢીમાંય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું ?

“ ક્યું બોલતા નહિ ? ”

વાલાની માળા પૂરી થઈ ગઈ. ઊઠીને ડેલીએ આવ્યો.

“આવો બાપ આવો. ”

“ તુમેરા નામ વાલા કેસરિયા ? ”

“ હા બાપ , હું જ વાલો કેસરિયો. ”

“ તુમકો અભીને અભી સૂબાને અમરેલી બુલાયા હૈ. ”

“ મને ! ”

“ તુમકો સૂબા કા ફરમાન હૈ. અબી ને અબી વાલા કેસરિયા કો હાજર કરો. ”

“કાંક ભૂલ થતી લાગે છે , હું તો ઘોડાનો સોદાગર , સૂબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું , મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. ”

“ ફરમાન હૈ ચલો. ” સિપાઈની આંખ કરડી થઈ.

“ હાલો બાપ ! કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. ” વાલાએ કસવાળું કેડિયું પહેર્યું , માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતાં જાતાં આઈને કે’તો ગયો કે સાંજે પાછો વળી આવીશ , ઉપાધિ કરતાં નંઈ. “

“જગદંબા તમારી ભેર કરે. ”

બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સૂબાની કચેરીમાં આવી પૂગ્યા.

કાગડોળે રાહ જોતા સૂબાએ વાલાને પગથિયાં ચડતો જોઈને દોટ દીધી.

“ આવો આવો કેસરિયા !” બોલતાં બાથ ભરી લીધી.

વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સૂબો મારી ઠેકડી કરે છે કે શું ? બાવડું પકડીને પડખોપડખ ગાદી માથે બેસાડી સૂબો બોલ્યો : “ કેસરિયા મને ઓળખ્યો ?

” મનમાં થયું , સૂબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે , પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહિ.

મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી , સૂબો બોલ્યો.

“ વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડ્યેથી વાંસણી છોડીને પાંચ સો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીના સૂબો ન હોત. હવે મને ઓળખ્યો ? હું રાઘોબા ! આજ અમરેલીનો સૂબો છું બોલ , તારી શી કદર કરું ? ”

“મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉં. ”

“ અરે , હું શેર – શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કયે. માગી લે કેસરિયા ! વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. ”

અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહિ.

“ એલા , તાંબાનું પતરું લાવો. ”

કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો.

“ ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચ્ચંદ્રદિવાકરૌ બક્ષિસ. ” તિથિ તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો. કેસરિયાને માન – મરતબા સહિત ગરણી પૂગાડો.

આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે.

– દોલત ભટ્ટ

સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)