કાદવમાં ખીલેલા માનવતાના એક એવા કમળની સ્ટોરી જે કરોડો ભારતીયોના હદયમાં સદાય જીવંત રહેશે.

0
469

એક વૈજ્ઞાનિક દેશના કોઇ અતિ મહત્વના પ્રોજેકટ પર કામ કરી રહ્યા હતા. એકદિવસ વહેલી સવારે કામ પર જવા માટે એ પોતાના ઘરેથી નીકળી રહ્યા હતા ત્યારે એની પત્નિએ કહ્યુ, “તમે વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરો છો. રજાના દિવસે પણ તમે તમારી લેબોરેટરીમાં હોવ છો. આપણા નાના બાળકોને તમારી સાથે મેળામાં જવુ છે પણ તમને એના માટે સમય જ નથી.”

વૈજ્ઞાનિકે એની પત્નિને કહ્યુ , “આજે સાંજે હું વહેલો ઘરે આવી જઇશ અને બંને બાળકોને મેળામાં લઇ જઇશ.” પત્નિને વચન આપીને એ પોતાના ઘરેથી નીકળી ગયા. લેબોરેટરી પર આવીને એણે એના બોસને કહ્યુ, “સર, મારે આજે સાંજે ઘરે વહેલા જવુ છે કારણકે મારે મારા બાળકોને મેળામાં ફરવા માટે લઇ જવા છે.”

બોસે આંજે વહેલા જવા માટેની મંજુરી આપી. પછી તે વૈજ્ઞાનિક જેવા બોસની કેબીનમાંથી બહાર નીકળ્યા કે ત્યાં બેઠેલા એક સિનિયર અધિકારીએ કહ્યુ, “સર, તમે એમને આજે કેમ રજા આપી? આજે તો અહીંયા એની હાજરી ખુબ જરૂરી છે.” બોસે કહ્યુ, “ભાઇ, હુ એને બરાબર ઓળખુ છું. મને ખાતરી છે કે એ માણસ પોતાનું કામ જ્યાં સુધી પુરુ નહી થાય ત્યાં સુધી લેબોરેટરીની બહાર જ નહી નીકળે.”

ખરેખર બોસે કહ્યુ હતુ તેમ એ માણસ પોતાનું કામ પુરુ કરીને પછી જ ઘરે જવા રવાના થયો. હવે તો રાત પડી ગઇ હતી. બાળકોને કોઇ બીજા દિવસે મેળામાં લઇ જઇશ એમ વિચાર કરતા એણે ઘરમાં પગ મુક્યો તો નાના બાળકો રમકડાથી રમી રહ્યા હતા. એની પત્નિએ કહ્યુ, ” સાંજે તમે તો ના આવ્યા પણ તમારા બોસ આવ્યા હતા અને એ બાળકોને ફરવા માટે લઇ ગયા અને બધા રમકડા પણ લાવી આપ્યા.

બાળકોને મેળામાં લઇ જનાર આ બોસ એટલે ડો.એ.પી.જે. અબ્દુલ કલામ. રાજકારણના કાદવમાં ખીલેલુ આ માનવતાનું કમળ પ્રભુના ચરણે સમર્પિત થઇ ગયુ. કલામ સાહેબ કરોડો ભારતીયોના હદયમાં સદાય જીવંત રહેશે.

– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)