દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢડા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબીઆ જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નહાવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટીયાને પડકાર્યા કે “કોન તુમ !”
કાદુએ જવાબ આપ્યો “હમ ગીસ્તવાલા. જલ્દી બંદોબસ્ત કરો.”
એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી લાલસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણીઆ ને એક ખોજો, ચારેને લૂંટી ચાલ્યો ગયો. ઉંબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગીસ્તની સાથે બહુ હળતો ભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું.
હસનાપૂર ભાંગ્યું. ત્યાંના સંધી તૈબને પકડીને હાજર કર્યોઃ કહ્યું કે “તૈબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વ્હાલા હતા. લે, એ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.”
એમ કહીને તૈબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીંટીઓ દોરી.
સવની, ઈસવરીયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી.
પસનાવડા ભાંગ્યું. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે “કાદુ બીજે બોડકીયુંમાં ફરે છે, પણ આંહી શીંગાળીયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરૂં પડે.”
આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી.
“ઓહો ! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચલો ભાઈ !”
એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તીં ગયો. ન ભાગ્યો. એને બહારવટીયો છૂટથી રાખતો, અને બરાબર રોટલા ખાવા દેતો.
લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડીઆ રજપૂતને ખોરડે પેઠો. મરદ લોકો પોબારાં ગણી ગએલ. બહારવટીયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઉંઘમાંથી બેબાકળી ઉઠી. એના અંગ ઉપર લૂગડાનું ભાન ન રહ્યું, ભાળતાં જ કાદુ પીઠ કરીને ઉભો રહ્યો. ઉભીને પાછળ થર થર ધ્રુજતી અરધ નગ્ન ઓરતને કહ્યું “બેન, તારાં લૂગડાં સાચવી લે. હું તારી અદબ કરીને ઉભો છું. બીશ મા બેટી !”
પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી, એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો, કહતો ગયો કે “બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું. ચાલો.”
એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઉંઘતાં હતાં. બારી બારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડા ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંદરમાં સ્ત્રી પુરૂષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં, જોતાં જ પાછો ફરી ગયો. ભીયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.
લુંબા ભાંગ્યું ને આંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.
સણોસરી ને નગડીઆની લૂંટ કરી લોકોને દાંડીયા રાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યા.
ગીરાસીઆઓનો પોતે આશરો પામતો હોવાથી ગીરાસીઆ ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બીનવાકેફ કાદુ જેઠસુર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તલવારધારી કાઠી જુવાનને ઉભેલો જોયો. અવાજ દીધો કે “અય જુવાન ! હથીઆર છોડી દે.”
પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણવાર કહ્યું કે “જુવાન ! હથીઆર છોડી દે.” પણ જુવાન જડ પત્થર જેવો ભાન ભૂલી ઉભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂટ.
એ ટાણે વસ્તીમાંથી કોઇએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ?”
“ અરર ! આ દરબારનું ગામ ? ભૂલ થઇ.” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.
ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બાળ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન બાહાદૂર અલ્વીના ભાઈની ગીસ્ત પર તાશીરો કરી ભગાડી, ગામલોકોનાં નાક કાન કાપ્યાં.
ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યા ડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી, પોતાની ફતેહમાં મદછક બની, અને કિનો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં નાક કાન કપાવવાં શરૂ કર્યા.
(આ કાદુએ કરલી નાક કાનની કાપાકૂપને અંગે જ જુનાગઢના સ્વ. દાક્તર ત્રીભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી)
બાનને બહારવટીયો કેવી રૂડી રીતે રાખતો ! એક દિવસ કાદુ નદી કાંઠે નમાજ પડે છે. ટુંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પડતો પડતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બેાલે છે કે “હે ખુદા ! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોઝખમાં જ જવાના પણ શું કરીએ ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે…..”
ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાંસણ ગામના દફતરી લુવાણો પુરષોતમ, કે જેને બાન પકડેલો, તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું આજ એને ઢળેલો દેખીને કાદુની આંખોમાંથી દડ ! દડ ! પાણી છૂટી ગયાં. પૂછ્યું “આ કોણ શયતાને કર્યું ?”
અલાદાદને ચહેરે મશ ઢળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું ? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો. માથું ફોડ્યું. અને કહ્યું કે “ચાલ્યો જા ! તું ને તારા બે સીદીઓ પણ.”
સાત દિવસ સુધી ત્રણે સોબતીઓને જૂદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.
કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવત.
વૈશાખ મહિનો હતો. વેરાવળના હવા–મ્હેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મ્હેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ મડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફુલોના હાર ગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ, એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં.
એક દિવસ સાંજ નમતી હતી.
બે ઘોડાગાડીઓ ગોધૂલીના અંધારા-અજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાછી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા, આ અંગ્રેજોની રાતી આંખો જેવા, ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું.
એ ગાડી ગઈ, એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશાના ભાઠોડમાંથી એક આદમી ઉઠ્યો. “ખડા રખો !” એવી કારમી ત્રાડ દીધી. તળપ મારીને, એ પડછંદ આદમી, કબરમાંથી ઉઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતા જા, શયતાન ઇસ્કાટ સાબ ! ઇણાજ પર તોપ ચલાને વાલા ! હમ જમાદાર કાદરબક્ષ.”
દરમીઆન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામે પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા.
“હમ ઇસ્કાટ નહિ, હમ-” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઉઠ્યો.
“તુમ કોન ?” બહારવટીઆએ પૂછ્યું.
“જેકસન સાબ – ધારી પલ્ટન વાલા.”
“ઇસ્કાટ સાબ કિધર ગયા ?”
“પહેલી ગાડીમેં નીકલ ગયા.”
“હાય ! યા અલ્લા ! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું.
“ઇસ્કોટ સાબકી જોરૂ.”
“એારત ! એારતકો હમ નહિ મારેગા. જાઓ.”
એટલું કહીને બહારવટીઓ નીચે ઉતર્યો.
બહાદુર અંગ્રેજ જેકસને એને સાદ પાડ્યો “જમાદાર કાદરબક્ષ ! થોડીક વાત કહેવી છે સાંભળશો ?”
“બોલો સા’બ.”
“શા માટે આ ખુનામરકી ? કોઈ રીતે સમજો ?”
“જેકસન સાબ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસ ચાસનું પાર પડે તો હું અત્યારે જ બંદૂક છોડી દઉં. નહિ તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.”
“બહાદૂર આદમી ! તારી ખાનદાની પર હું આફ્રિન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ઠિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું? ઠેકાણું આપ.”
“તું – તું ગોરો મને જવાબ દેવા આવીશ ?” કાદુએ કરડાઇભર્યો તિરસ્કાર બતાવ્યો.
“હા, હું અંગ્રેજબચ્ચો છું, માટે જ આવીશ.”
બહારવટીયો જેકસનના સાવઝ સરખા ચહેરા સામે જોઈ રહ્યો. ફરી પૂછ્યું :
“એકલો ?”
“એકલો.”
“બીનહથીઆરે ?”
“બીનહથીઆરે !”
“આંહીથી દોઢ ગાઉ ઉપર: હેરણ નદીમાં ચાંદ ખિતાલની જગ્યા પાસે.”
એટલું કહીને બહારવટીઓ અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો.
ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય, તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડીવારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅકસન જાણે કે બહારવટીયાના મેળાપથી બેવડો હિંમતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઇ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો.
બીજા દિવસની રાત : અંધારૂં ઘોર : અને ગિરની ખપ્પર જોગણી શી હેરણ્ય નદીનો ભેંકાર કિનારો : બરાબર ઠેરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જેકસન બીન હથીઆરે પોતાના રોજના ભેરૂ એક તમંચાને ૫ણ ત્યજીને એકલો આવ્યો. આવીને ઉભા રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી, એારી ને આઘી કાદુને ગોતતી હતી. થોડીવાર આમ તો થોડી વાર તેમ, કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તીખારા ઝગતા હતા. હવામાં ખુણે ખુણેથી ઝીણી સીસોટી વાગતી હતી. પણ કોઈ માનવી નહોતું. થોડીવારે ખંભે ગોબો નાંખીને એક આદમી આવ્યો.
જેકસને પડકાર્યો “કૌન હૈ ?”
“રબારી છું બાપા !” સામેથી જવાબ મળ્યો.
“આંહી કોઈ સિપાહી દેખ્યો ?”
“હા, હું એને ખબર દઉં છું, તમે આંહી બેસો.”
રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ જેકસન સાબ !”
“સલામ તમને કાદરબક્ષ ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળ મળી છે. નવાબને ઘણું સમજાવ્યા. મુંબઈ સરકારની મારફત સમજાવ્યા. પણ નવાબ કહે છે કે મારી રીયાસતમાં પાંચ કોમો પડી છે : મકરાણી, મહીયા, કાઠી, આહીર અને હાટી : હું આજ પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ એ પાંચે કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.”
“જેકસન સાબ ! આવો જવાબ આપવા આવવાની તમે હિમ્મત કરી ?”
“કેમ નહિ ? મેં તને કોલ આપ્યો હતો.”
“એકલા આવવાની હિમ્મત કરી ?”
“એમાં શું ? તું સાચો મર્દ છે તે એળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.”
“હજાર આફ્રિન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું ?”
“તારી ખુશી હોય તે કરજે. મારૂં દિલ તો એટલું દુઃખાયું છે, કે મારા ધારી પરગણામાં તે તારી પાછળ ફરવા આવનારી નવાબી ગીસ્તને કોઈ શેર આટો પણ વેચાતો નહિ આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ !”
“સલામ, જૅકસન સાબ !”
વધુ આવતા અંકે…
– ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયા.
(સાભાર રાધા પટેલ અમર કથાઓ ગ્રુપ)