કાદુ મકરાણી – સોરઠી બહારવટીયા ભાગ 3, વાંચો ઝવેરચંદ મેઘાણીની અદ્દભુત રચના.

0
1111

રમઝાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહરોમાં, તર વાર બનડુકો ખીલીએ ટીંગાડીને બેઠા બેઠા કાવા પીતા હતા. ઓચીંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ–અબ્દુલ- કાદર !” સાંભળતાં જ જેવા સહુ પોતપાતાનાં હથીઆર સંભાળવા ઉભા થવા જાય છે ત્યાં ભરી બનડુકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી “બસ જમાદારો ! મત ઉઠના !”

પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદૂના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા, અને કાદુ એકલો જ એક બનડુભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઉભો રહ્યો. કોણ જાણે શાથી, પણ ગીસ્તના આરબોનાં હૈયાંમાંથી અલ્લા ઉઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી કે “કાદરબક્ષ ! આજ તું અમારાં હથીઆર લઈ જઈશ તો અમારી ઈજ્જત નથી. ભલો થઈને અમને બનડુક પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.”

તમામની બનડુકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી. અને જતાં જતાં કહ્યું “ ફિટકાર છે તમને સિપાહીઓ ! પચીસ ​જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી ? પણ તમને સિપાહીગીરીની ઇજ્જત કરતાં જાન અને ઓરત વધુ વ્હાલાં છે. જાઓ, લઈ જાઓ હથીઆરો !”
સોનારીઆ ગામમાં ગીસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી.

બાદલપર લૂંટ્યું.

મેઘપર લૂંટ્યું.

વાંસાવડ લૂટ્યું.

સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા.

ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથીઆરો આંચકી લઈ ઘરમાં પૂર્યા. ગામ લૂટ્યું. પછી તર વારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલા ને તરસૂયા લૂંટ્યાં.

ઝંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા શાખના હાટી રામા પટેલને પકડ્યા. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ તર વાર લઈને નીકળ્યા. કાદુએ એને આવતા દેખીને ચેતવ્યા કે “જુવાનો ! શીદ મરો છો ? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બથમાં નહિ સામીએ.”

હાટી જુવાનો હેબતાઈને ઉભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ. આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી, ત્યારે પછી કાદુએ એને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

માડણપૂરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું, એણે કાદુને આખી સોરઠ ​હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટીયો એના બાપને ઘેરે કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તરડમાંથી વારે વારે નિરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડીને કાદુની મોઢામોઢ થવાનો મોકો લીધો. બાપ બહાર ગયો હતો. મા આઘી પાછી થઈ હતી. કાદુના સાથીડા પણ બીજા ઓરડામાં ઉંઘતા હતા.

તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઈજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં ફૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઉભી રહી. બહારવટીઆના સરવા કાને એનો હળવો, હવાની લ્હેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો.

જ્યારે કાદુએ બીજી વાર પણ સામે ય ન જેવું ત્યારે ફાતમાથી છેવટે ન સહેવાણું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલી: “જમાદાર ! એક વાર ઉંચે જોશો ?”

“શું છે ?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી.

“મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ ? ”

“ક્યાં તેડી જાઉં ? દોઝખમાં ? હું તો મો તને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહી કાં આવી ?”

“દોઝખમાં ય તમારી સાથે આવીશ, કાદરબક્ષ ! મને લઇ જાઓ. હું જાણું છું કે તમે તમારા જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.”

“બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાળબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચૂકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ. એટલે તું તો મારી બેન થા.” ​ફાતમાએ પોતાના પાલવમાં એક તર વાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કાદરબક્ષ ! આ તરવાર મારા તરફની સોગાદ સમજીને લેશો ? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં મારી તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”

“ના, ના, અમારે તરવારો ઘણી છે બાઈ ! તું અહીંથી ચાલી જા !”

એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું નિ ધન થયું. સરસ્વતી નદીને કાંઠે, કરમડીના કૂવા પાસે બહારવટીયા બેઠા બેઠા લૂંટનું સોનું રૂપું દાટતા હતા તેમાં ગીસ્ત પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદુક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબાકર ભાગ્યો. એની પાછળ ગીસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટીઆને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”

સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટીએ પોતાના જાતભાઈને ઓળખ્યા, “કોણ વલીમામદ વીસાવદરવાળો ? જેની ડોશી અમારી સામે બંદુક લઈને ઉઠતી’તી એ જ તું ભાઈ ?”

“એ જ હું. એ જ ડોશીનું દૂધ ધાવેલો હું. હવે હુશીઆર થા કાદરબક્ષ !”

અબાબકર પાછો ફર્યો. હથીઆર તો નહોતું. પછી પત્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરૂના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ, બનડુક છાતીએ ચડાવી. આંહીથી બનડુકની ગોરી છુટી ને ત્યાંથી પત્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બનડુક પત્થરના ઘાયે તૂટી, પછી વલીમામદ તર વાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તર વારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઉભા થઇ રહ્યો. મરતો મરતો દુશ્મન બોલ્યો: “રંગ છે વલીમામદ !”

“રંગ છે તને પણ ભાઇ ! તું કુરાનેશરીફ છો. તને પાણી દઉં?”

“ના, ના, હવે પાણી ન જોઈએ.”

કાદુ તો નાસી ગયો હતો. ગીસ્ત અબાબકરના શબને ઉપાડી જુનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું, “વલીમામદ, ઈસકુ કીને મારા ?”

“મેંને નહિ, આપકા નીમકને.”

“ઇસ્કુ ક્યા કરના ?”

“નામવર, દફન કરના.”

કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી, ત્યારે એ બોલ્યો હતો કે “મારૂં મો ત પણ મારા ભાઈને હાથે જ થાજો કે જેથી મને મુવા પછી મુસલમીનની રીતે અવલ મંજિલ પહોંચાડે !” ​

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બ્હીને ચાલ્યા જાય છે. ગામના મૂછાળા મરદ ફોજદાર ને જાણ થઈ કે કોઈક જાસા ચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈને ફોજદારે જાસા ચિઠ્ઠી છોડી, વાંચી. અંદર લખ્યું હતું કે “ ફોજદાર, કચેરીમાં બેસી કાદુ સામે ભારી મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું. મરદ હો તો બનડુકો ભરીને બેસજો !”

ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઉભેલા નાના અમલદારો સામસામા મીંચકારા મારીને મૂછમાં હસી રહ્યા છે.

“ફિકર નહિ. ભલે આવતો કાદુ. આવશે તો ભરી પીશું.” એવા બોલ બોલવા છતાં ફોજદારના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રૂવાબમાં ને રૂવાબમાં સાહેબ બેસી રહ્યા. બે ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હલકું પડ્યું કે “ મકરાણી આવી પહોંચ્યા છે !” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના જૂડા લઈને ઘર ભેગા થઈ ગયા. અને ગામના કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા મંડ્યા. એક ઉતાવળીયા જણે તો બનડુકનો અવાજ પણ કરી નાખ્યો. એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો.

ફોજદાર સાહેબ દિવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારાં લૂગડાં દે !”

ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. ફોજદારે એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ધૂમટો તાણીને ​દળ્યા કર્યું. આંહી ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું, એટલે થોડી વારે તો જળ જંપી ગયાં, પણ ફોજદાર ભળકડા સુધી ઘંટીએથી ઉઠ્યા નહિ. ભરવાડણને આઠ દિવસનો પોરો મળી ગયો.

વધુ આવતા અંકે…

– ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયા.

(સાભાર રાધા પટેલ અમર કથાઓ ગ્રુપ)