કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે સવારને ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે. એ અંગ્રેજ તો જુનાગઢ રાજના નવા નીમાએલ પોલીસ ઉપરી મેજર હંફ્રી છે. કાદુની ટોળીને જેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો છે. પોતાની ચકોર નજરને ચારે દિશામાં ફેરવતો હંફ્રી સાહેબ બન ડુકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે.
થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસ્વારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઉભી રખાવી.
પરસેવે રેબઝેબ, મ્હોંયે ફસફસતો હાંફતો એ ઘોડો આવીને ઉભો રહ્યો કે તૂર્ત તેની પીઠ પરથી એક પોલીસ અમલદારે ઉતરીને સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું “સાહેબ, આપ ઉતરી પડો. આ લ્યો આ ઘોડો. જલદી પાછા ફરી જાઓ !”
“બહારવટીયાએ નજીકમાં જ ઓડા બાંધ્યા છે, પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલ્દી કરો !”
શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છે: “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદૂર ! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઈ ફળો ગોઠવી છે, એ આજ આપને નહિ છોડે.”
“મારાં બાલબચ્ચાંનું શું થાય ?” સાહેબનાં ભવાં ચડે છે.
“એને ઉની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છુટો.”
ભયભીત મડમ બોલી ઉઠી : “ વ્હાલા ! ખુદાને ખાતર, અમારે ખાતર ભાગી છૂટો.”
હંફ્રી ટાંગામાંથી ઉતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતે બરડામાં ઉતરી ગયો.
ને આંહી ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટીયાનાં ડોકાં એાડાની પાછળથી ઉચાં થતાં જાય છે. આખરે લગોલગ થતાં જ બહારવટીયા આખે આખા ઉભા થઈ ગયા. બન ડુકો ઉંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું “ખામોશ ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરતને બચ્ચું જ છે.”
“ભાઈ કાદરબક્ષ !” ખુની અલાદાદ બોલી ઉઠ્યો : “એની મડમને ને બચ્ચાને ઉપર પહોંચાડી દઈએ. હંફ્રીનું કલે જું ચી રાઈ જશે અને એ આપણો કાળ જલ્દી વિલાયત ભેગો થશે.”
“નહિ, નહિ, અલાદાદ ! શત્રુની ઓરત તો બહારવટીયાની મા બહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ–બલોચ માબહેનો આપણા નામ પર થૂકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.”
બીજા બધા બોલ્યા: “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં ?”
“એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરૂં.”
“ભાઈ કાદરબક્ષ ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.”
“એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ–બલોચ ઓરતા આપણાં નામ પર જૂતા મારશે. બસ ! ખામોશ !”
એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બડબડતા ચાલ્યા. તેઓની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.
સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે… ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપોને ! ચલ મ ભરવી છે.”
“સૂકો નહિ મળે. પૈસા બેસે છે.” વેપારીએ ચોપડામાંથી ઉંચું માથું કરીને કહ્યું.
“શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટીક સૂકાની ખેરીઅત નહિ કરો ?” ફકીર રગરગવા માંડ્યો.
“નહિ મળે.” શેઠે વેણ ટુંકાવ્યાં.
“અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો ?”
પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો “કાદુ આવે અને અડપ ચડે તો એનું મા થું ય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યા ? રસ્તે પડી જા અટાણમાં.”
ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું “ભાઈ, એક જોડ્ય પગરખાનું શું લઈશ ?”
“દોઢ રૂપીઓ.” મેાચી બેપરવાઇથી બોલીને પાછો સીવવા લાગ્યો.
“હું અભીઆગન છું, પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપીએ આપને ભાઈ ?”
“બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મેાચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો.
“અરે ભાઈ, ઉલટો વધછ ?”
“તો બે પડશે.”
“એમ છે ? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો ?”
હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું “કાદુ આવે ને, તો કાદુને ય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને ? જા રસ્તે પડ.”
ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “એાહોહો ખુદા ! આ ગામમાં મને ચપટી સૂકો ન મળે તો રોટલો તો મળે જ શેનો ?”
“કેમ સાંઈ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું : “કેમ બાપા ? ગામ જેવું ગામ છે, ને કોઈને રોટલાની ના હોય ? હાલો મારે ઘેરે. ” કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પિરસ્યો. ફકીરે ખાઇ લીધું. પછી એણે બાઈ સામે જોઈને જરા મ્હોં મલકાવી કહ્યું કે “બેન ! વાત પેટમાં રેશે?”
“હા બાપા, શા સારૂ નહિ ?”
“તું બ્હીશ તો નહિ ને ?”
“ના…ના…” બાઈ જરાક ખચકાણી.
“હું કાદુ છું.”
“તમે કાદુ !!!” બાઈની છાતી બેસી ગઈ.
“પણ તું બ્હી મા ! તું મારી બેન છે. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂં ટશું, પણ તારૂં ઘર નહિ લૂં ટીએ. હું એકલો નહિ હોઉં, મારી ભેળા બીજા ઝાઝા જણ હશે. ને હું પોતે લૂં ટ કરવા નહિ નીકળું. હું ચોકમાં બેસીશ. એટલે મારા જણ તારૂં ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરૂં છું.”
થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો : “જો બેન, તું તારા ઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારૂં ઘર એાળખશે. દીવા બરાબર મેલજે. ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.”
“એને ખાવાનું કેમ થાશે બાપુ ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું.
“હવે જે થાય તે ખરી.”
“ના, એમ નહિ. તમે ઓતરાદી દૃશ્યને માટે મારગે ખીજડીવાળી વાવને એાલે થડ ઉભા રેજો. હું હમણાં ભાત લઈને આવું છું.”
કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે તે દિવસ પણ ચાલી. કોઈને વ્હેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટીયાને ભાત પહોંચાડ્યું.
રાત પડી અને બહારવટીયો ગામ પર પડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરી બન ડુકે બેઠો. અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલના ડબો, એક બકડીયું ને એક સાવરણી આણજો.”
વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડીયું ખડકી અંદર તેલ રેડ્યું. અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું જ બળતું કરો. એટલે રાંક ગરીબનો સંતાપ મટે.”
ચૂલામાં ચોપડા સળગાવીને બકડીયામાં તેલ કકડાવ્યું. પછી એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.”
“ભાઈ સાબ, અમારી પાસે નથી.”
આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.”
કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટીયાંના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા.
વેપારી માનતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધન દોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં ને ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો, ને તેમાંથી બહારવટીયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા, ત્યારે બહારવટીયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરનાં નીકળી પડ્યાં. હવે તો તેં કહેલાં એ કાઢી દે!”

એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બ્હેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.”
“અરે ભાઈ, મને માં રી જ નાખોને !”
“તારૂં કોઈ નામ લ્યે તો મને કહેજે. હું પાછો આઠ દિવસે આંહી નીકળું છું.”
એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.
ભાઈ અલાદાદ ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.”
“કાં ?”
“દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબાઈનાં છાપાંમાં પણ ગોકીરો ઉઠ્યો છે. જુનાગઢના ગોરા પોલીસ ઉપરી હંફરી સાબે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બન ડુકો આપી છે. ગામેગામ ચચ્ચાર બન ડુક દારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવા ના શક ઉપર વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે, કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી.”
“ત્યારે શું કરીશું ભાઈ કાદરબક્ષ !”
“મકરાણ તરફ ઉપડી જઈએ.”
“ભલે.”
બહારવટીયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વ્હેમ આવ્યો કે બહારવટીયા નાસી છૂટ્યા. ચારે તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બ્હેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદ્રેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે પણ અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલ્વે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવીના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઉંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયો.
“ભાઈ ઉંટવાળા ! સોન મિયાણીનું શું ભાડું લઈશ ?”
“દસ રૂપીઆ.”
“દસ નહિ. વીસ આપીશ. પણ જલ્દી ચાલ.
મારે હીંગળાજ પરસવા વ્હેલું પોગવું છે.”
ઉંટવાળો ચલમના ધુંવાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મ્હોં બાવાને ન હોય.”
કરાંચીના એ દુત્તા ઉંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું “હાલો, આમ આગળ. હું મારા ભાઈને મોઢે થઈ લઉં, પછી ઉંટ હાંકી મૂકીએ.”
ઉંટ દોરીને આગળ ચાલ્યા. થોડેક આધે પોલીસ-ચોકી પર જઈને ઉંટવાળાએ પોતાની એાળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો: કહ્યું “આ કાદુ, જુનાગઢ વાળો. ઇનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.”
બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ ! દઈને છ રી ખેંચી. દોડીને ઉંટવાળાને હલાવી ઠાર કર્યો. નાયક સામે થયો એને ધોયો, ને પછીમ રણીયો થઈ કરાંચીની ભર બજારમાં જે સામો થાય તેને માં રી પાડવા લાગ્યો. આખરે સામેથી એક મજૂરનું ટોળું છુટીને ચાલ્યું આવતું હતું તેણે પત્થરો મારીને તેનું માં થું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો.
એને પૂછવા લાગ્યા “તારા સાથીઓ ક્યાં છે ?”
જવાબ મળ્યો “મ રણીયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ ?”
વધુ આવતા અંકે…
– ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયા.
(સાભાર રાધા પટેલ અમર કથાઓ ગ્રુપ)