[ફોજદાર સાહેબ. બડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. આપ તો એક બિચારા વેરાગી સાધુને પકડ્યો છે. બાકી જો મારી કમર પર તરવાર ને ખભા પર બન ડુક હોત, તો ન તો આપ મને જીવતો હાથ પણ અડકાડી શકત કે ન તો કરાંચીની બજારમાં બાજરીનું ખેતર લણવા સિવાયનો બીજો મામલો બન્યો હોત.]”
પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે, “આ બિચારા શું જાણે ! મારા હાથમાંની એક સરી પણ એટલી ભારી થઈ પડી તે પછી બીજાં હથિ આર હોત તો મને સિપાહીનું મો ત તો જરૂર મળત. ખેર, આટલું પણ ગનીમત છે.”
વખત ભરાઈ ગયો હતો. અમે પરસ્પર “ખુદા હાફિઝ” કહી જૂદા પડ્યા, કાદરબક્ષે એટલું જ કહ્યું કે “હરભાઈ, બને તો જતાં પહેલાં એક વાર મળજો !”
ત્યાંથી ચાલીને અમે અલાદાદની કોટડી પર ગયા. કાદુથી ઉલટી જ પ્રકૃતિનો એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો. પણ પછી ઠંડે કલેજે વાત કરી. એને તો જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. કાદરબક્ષને એક વાર છેલ્લી છેલ્લી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલખતું હતું. ત્રીજે દિવસે સાંજે ઘણી જ મુસિબતે ફરીથી મુલાકાત કરવાની અરધા કલાક માટે રજા મળી.
જેલનો દરોગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા. અસરની (સાંજના ૪ થી ૫ બજ્યા સુધીની) નમાજ થઈ રહી એટલો વખત હતો. કાદુએ ફરીથી આગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી. એણે એક પછી એક નામ યાદ કરી કરીને માફામાફી અને સલામ કહેવરાવ્યા. પા કલાક તો એમાં જ વીતી ગયો. મેં પૂછ્યું “ ભાઈ ! હવે બીજું કાંઈ કહેવું છે ?”
એણે કહ્યું “ હા, તમે હિન્દુ છો પણ મુસલમાની ઇલ્મમાં પૂરા છો એટલે મારે તમારે મોઢેથી ‘યાસીન શરીફ’ સાંભળવાનો વિચાર થયો છે. હું પોતે તો છેલ્લાં બે વરસના રઝળપાટમાં મારૂં ઇલ્મ ભૂલી ગયો છું હરભાઈ ! અને આંહી સહુને વિનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈ એ સંભળાવતું નથી. તમે જો પડો, તો હું મારૂં મોટું ભાગ્ય સમજીશ.”
મેં તો મુસલમાની વિદ્યા બરાબર હાથ કરી હતી. કુરાને શરીફના મુખ્ય મુખ્ય સૂરા (અધ્યાય) મને કંઠસ્થ હતા. હું યાસીન શરીફ સંભળાવવા લાગ્યો. મુસલમાન અમલદારો પણ તુર્ત પોતાની ખુરસી પરથી ઉભા થઈ અદબ કરી ગયા અને એ પ્રિય કલામ (જેનામાં આત્માને મરતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે) કાદુએ એકધ્યાન થઈને સાંભળી. પાઠ પૂરો થયો. પણ ચુપકીદી છવાઈ ગઈ. કોઈથી કાંઈ ન બોલી શકાય એવી, મો તની મીઠી છાંયડી સમી અસર પથરાઈ ગઈ. આખરે મેં કાદુને કહ્યું “ભાઈ ! અલ્લાહુ મુહાફિઝ ! (ઈશ્વર બચાવવા વાળો છે.)”
સામે જવાબ મળ્યો : “ખુદા હાફિઝ !”
એટલું બોલી, માથું નીચું ઢાળી, કાદરબક્ષના ચહેરા સામે જોવાની હિમ્મત વિનાનો હું ચાલી નીકળ્યો હતો. તેને બીજે જ દિવસે કાદુને ફા સી દેવામાં આવનાર હતી.
કાદુને ફા સી દેવાની સવારે જ અલાદાદને લઈ અમારી જુનાગઢની પોલીસ ઉપડવાની હતી. કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો: એણે કદિ જ અલાદાદને મળવા માટે માગણી ન કરી, કે ન મુખમુદ્રા બદલી. એ જાણે મો તને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો: ત્યારે પહેલેથી જ ક્રોધી અને ઉતાવળીઆ સ્વભાવનો અલાદાદ પછાડા મારતો હતો કે “મને એક વાર કાદુની મુલાકાત કરી લેવા દ્યો.” છેવટ સુધી એણે એ માગણી ચાલુ જ રાખી. પણ એ વ્યર્થ હતું.
“હું દરિયામાં પડીશ ! જીભ કરડી મરીશ !” એવી એ ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ જાપ્તાથી એને પગે ભારી ભારી બેડીઓ પહેરાવી છેક ઉંચે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો. આગબોટ ચાલી. અંબારામભાઈ અલાદાદને જોવા ગયા. એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો. બીજી બાજુ એવા ભયંકર વ્યક્તિનો જાપ્તો નરમ પણ કેમ રખાય ? એ મુંઝવણ હતી. અંબારામ ભાઈ મારી પાસે આવ્યા. કંઈક તોડ કાઢવા મને કહ્યું. હું અલાદાદની પાસે ગયો.
ધીમે ધીમે ફોસલાવી વાતો કરવા લાગ્યો. “ભાઈ ! અલાદાદ આપણે તો ગીરમાં ભેળો દીપડાનો શિકાર કરેલો, પ્રાચીના મેળામાં નિશાન પાડવાની હરીફાઈ કરેલી, બ્રહ્મકુંડના હવનમાં પટ્ટણીઓ સાથે કુસ્તી ખેલેલા : એ જુની વાતો યાદ આવે છે તને ?” સાંભળી સાંભળીને અલાદાદ નરમ પડ્યો. એણે મને પૂછ્યું “હરભાઈ ! કાલે તમને કાદરબક્ષે શી શી વાતો કરી હતી ! મને કહો. મને એનાં સખૂનો સંભળાવો.”
મેં કહ્યું “ભાઇ ! એણે તો બહુ સમજની વાત કરી હતી. એની વાત ઉપરથી તો અંબારામભાઈ આજ તારા પર નરમ થયા છે. તારા જેવા ખાનદાન સિપાહી માણસ આમ ગા ળો કાઢે ને ઉત્પાત કરે તો કાંટીઆં વરણનાં તમામ લોકો એમ જ માને કે અલાદાદ મો તથી બ્હીને વલખાં મારે છે માટે તારે ગંભીર બનવું જોઇએ. થવાનું હશે તે તો થાશે, પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાઈ ડુબાડવાની વાત કરે છે એથી અમને સિપાહીગીરીના ખયાલ વાળાને તો બહુ ખોટું લાગે છે.”
અલાદાદ આવું સાંભળીને પીગળ્યો. એ કહે કે “હરભાઈ ! મારાથી રહેવાતું નથી. મને આમ ઝકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી. બાકી તો મારે ઘણી ઘણી વાતો કરવાની છે હો !”
મેં કહ્યું “અલાદાદ ! તેં ડરીને જીવન ટૂંકાવવાની નમાલી વાત કાઢી તેનું જ આ પરિણામ છે. હવે જો તું અલ્લાહનાં કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.”
“હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. તે દિ’ એને આમ બાંધ્યેા હતો તે વખત પીડા ન સહાતાં એણે પણ મને એમ જ કહેલું કે “તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે.” વાહ મુકદ્દર ! આજ એ દુવા ફળી. ખેર ! હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢોને, તો મારાથી ફરાય હરાય ! વધુ કાંઈ હું નથી માગતો.”
છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અંબારામભાઈએ અલાદાદના શરીર પરથી પગની બેડી સિવાયનાં બંધનો ખસેડી લીધાં અને ફક્ત એક ડાબા હાથમાં હાથકડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં જડી. ઉપર બેવડો પહેરો ગોઠવ્યો. હું અને અલાદાદ સાથી બનીને બેઠા. ધીરે ધીરે એણે દિલનો તાપ ઉતારી નાખી મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું, પાણી પીધું ને પેટમાં ઠારક વળતાં એ વાતોએ ચડ્યો. એણે શરૂ કર્યું :
“હરભાઈ ! આજકાલમાં જ કાદરબક્ષને ફા સીએ ચડાવશે. મારે તો આ દુનિયામાં એનાથી વધુ વ્હાલું કોઈ નહોતું. મારાં પાપ એને ખાઈ ગયાં. શું એની માયા ! મને એક વાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલી : મારાથી ચલાય નહિ : પગ માંથીલો હીનો ધોધ ચાલ્યો.
હું બેસી ગયો : મેં કહ્યું ‘મામુ, ખુદા હાફિઝ !’ મામુ કહે કે ‘આમીન ! પણ તને મૂકીને નહિ ભાગું’ : એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી લઈને કાદરબક્ષે દોટ મૂકી, આડો અવળો થઈ વાંસાઢોળ માથે ચડી ગયો, અને ત્રણ ચાર મહિને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો. હરભાઈ ! આજ દરોગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા, ત્યારે એ મારો પ્યારો મામુ બહુ દિલગીર થશે !”
બિચારો અલાદાદ ! એને શી ખબર ! પણ હું જાણતો હતો કે કાદરબક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો હશે. પણ હું શી રીતે ઉચ્ચાર કરૂં ! હું બેઠો રહ્યો. એનું પણ હૈયું ભરાઈ આવેલું. અમે બન્ને થોડી વાર ચુપ રહ્યા. વળી પાછું અલાદાદે ચલાવ્યું:
“હરભાઈ ! તમે તો સમજતા હશો કે બારવટીયા મરદાઇનો આંટો છે. પણ જીવ તો તમામને બહુ વ્હાલો છે હો ! જ્યાં જરીક બેઠા હોઈએ, ને એક પાંદડું ખડખડે ત્યાં દસ ગાઉ દોડ્યા જઈએ. અમારે તો ટાઢ, તડકો, વરસાદ બધું સરખું હતું. તમે માનશો ભાઈ ? એક દિવસ વરસાદમાં હું ટોળીથી છુટો પડી ગયો તે ઝીલાળાના ભોંયરામાં સુઈ રહ્યો. ઠેઠ બીજે દિવસે બપોરે હું ઉઠ્યો તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો ! છતાં સાવજે ય મને સુંઘેલ નહિ. આમ મરણીયાથી તો મરણ પણ આઘું ભાગે છે !”
ફરીવાર બહારવટીયો ચુપ થયો. અમે બે ય થોડીવાર બેઠા રહ્યા. કોઈ કાંઈ બોલે નહિ, આગબોટ ચાલી જાય, સંત્રીઓ આંટા મારે, સાંજનું ટાણું, આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાનાં પાણીમાં નીતરતી હતી; તેમ ખુની અલાદાદના અંતરમાંથી પણ આતશ ટપકી જાતી હતી. એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઉપડતી હતી. એણે ચલાવ્યું:
“હરભાઈ ! એક દિ’ બહારવટામાં હેમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. જે ગામ જાઓ તે તે ગામે ચચ્ચાર રફલો તૈયાર. એના માથે કેમ પડાય ? અમે ભૂખ્યા હતા. ખાવાનું મળતું નહોતું. તમે માનશો ! ૪૦ રૂપીએ એક શેર લોટ લીધો ને પાણીકોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકમશીની ધાર તમે તો જોઈ છે ને, ત્યાં અમે રાંધવા બેઠા. જ્યાં રોટલા તૈયાર થયા ત્યાં કાંઈક ખડખડાટ થયો.
ચાડિકો કહે કે ગીસ્તના પગી જેવું કંઈક દેખાણું. અમે ભાગ્યા. સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા. ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુની ખાત્રી થઈ કે કાંઈ જ નહતું ! પછી તકદીરને આફ્રિન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા. અને છતાં તમારા ભાઈબંધો–પોલીસ અમલદારો રૈયતને કહે છે કે “તમે રોટલા ખવરાવી બારવટીયા નભાવો છો !”
મધરાત થઈ ગઈ. વાતો સાંભળતાં મને ઝોકાં આવવા લાગ્યાં હતાં. એટલે અલ્લાદાદે મને કહ્યું “હરભાઈ ! મેં તો બારવટું કર્યું છે, એટલે મને હાથકડી ભલે પડી. પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે. તે તમે તમારે સૂઈ જાવ !”
મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ, એટલે બેક કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો. વચ્ચે દ્વારકા, પોરબંદર, માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઉભી રહી ત્યારે ઘણા માણસો અલાદાદને જોવા આવેલા. તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે.
વેરાવળ બંદરે કર્નલ હંફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા. બહુ જ સમજદાર અને ખાનદાન આદમી: નૈતિક બળથી કામ થાય તો બીજું બળ ન અજમાવવું એ એનું સૂત્ર હતું. એણે અલાદાદને મારી સાથે જ એક મછવામાં ચાર જણ ભેળા રાખીને ઉતારવાની આજ્ઞા કરી. કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો. “હરભાઈ ! અલાબેલી !” કહીને બહારવટીયો છૂટો પડ્યો.
આવી અનેક હકીકત કહેનાર, સાચા સોરઠી રંગમા રંગાએલ દેસાઈ હરપ્રસાદ ઉદયશંકર બહુ જ જબરદસ્ત બાંધાના. વજ્ર કાય અને રૂવાબદાર દેખાવના હતા. તેમનો પડછંદ બાંધો અને દાઢીમૂછ જોનારને ભૂલાવો ખવરાવે કે આ કોઈ શીખ હશે.
નાગરોમાં, પ્રભાસવાળા દેસાઈઓ અસલથી જ લશ્કરી ધંધા કરતા આવ્યા છે તેમ આ પુરૂષ પણ વફાદાર, પ્રમાણિક અને નિડર નર તરીકે ખ્યાત હતા. તેની દયાલુતા તો એક દુર્ગુણ જેવી હતી. પહેલા પચીસ વર્ષ જુનાગઢ રાજની પોલીસમાં બહુ જ જોખમી કામ કરી ક્રમે ક્રમે ચડેલ, પછી પછી સ. ૧૯૫૮-૫૯ માં ગીરના જંગલ અધિકારી નીમાયા. ત્યાં તેણે અઢી વર્ષમાં પચીસ નવા ગામો બાંધેલાં.
નવાબ રસુલખાનજીના અવસાન પછી એડમીનીસ્ટ્રેશનમાં પણ પાછા તેને ગીરમા નીમ્યા હતા. ૩૫ વર્ષની સરસ નોકરીથી જ્યારે ફારગત થયા ત્યારે રાજ્યે ખાસ ઠરાવ બહાર પાડી એની લાંબી ને નેક નોકરીની પ્રશંસા કરેલી. પૂરી સિપાહીગીરી, મુસલમાની વિદ્યામાં પારંગતપણું, રાજ પ્રતિ વફાદારી અને કાંટીયાં વર્ણ પર પ્રેમભરપૂર કાબુ, એ એમની ખાસીયતો હતી. એમનો દેહ ૧૯૨૩ માં અમદાવાદમાં પડ્યો.
(હવે આગળ જોઇએ કાદુની ટોળીના અન્ય સભ્યોનું શુ થયુ ?)
મુંબઈને કિનારેથી બે જણાં વ્હાણમાં ચડતાં હતાં. એક ઓરત ને બીજો એક જુવાન : ઓરતના માથા પર માટલું હતું. થોડી વારમાં જ વ્હાણ પર ચડી જાત.
“આ માટલામાં શું છે બાઈ ?” પોલીસે શકભરી રીતે પૂછ્યું.
“ગોળ છે.”
“ગોળ ? ગોળ ક્યાં લઈ જાઓ છે ?” એમ કહીને પોલીસે માટલા પર લાકડી લગાવી. વહેમ વધ્યો. માટલું ઉતરાવ્યું. ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું.
તપાસ થઈ : બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દાનમામદ : કાદુનો સંગાથી બહારવટીયો. મકરાણમાં ભાગી જવા નીકળેલાં. એ બેઉ મુંબઈમાં પકડાણાં.
આવી રીતે તમામને પકડ્યા. એને ઓળખાવવા માટે શકદાર લોકોને તેડાવ્યા. કેટલા ભરવાડ, રબારી, આહિર, ચારણ, કણબી વગેરે રૈયતનાં લોકો ઉપર રાજના અમલદારો કાદુના કરતાં બેવડો કેર વર્તાવી રહ્યાં હતા. લોકોને પૂછતા હતા કે “ આમને રોટલા તમે દેતા હતા કે ?”
તે વખતે દાનમામદ બોલતો કે “એના ઉપર શા માટે સિતમ ગુજારો છો ? રોટલા અમને એણે નથી દીધા, પણ અમારી આ તર વારે – બન ડુકોએ દીધા છે. અને એ રબારી–ચારણોનાં બટકાં ઉપર અમે અક્કેક દિવસમાં ચાલીસ ચાલીસ ગાઉ નહોતા ખેંચતા સાહેબ ! અમે તો માલ માલ ખાતા માટે એને બાપડા નિર્દોષોને શીદ મારો છો ?”
અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિં. પીનલ કોડની ‘કલમ ૧૨૧ અ’ ને મળતી સૌરાષ્ટ ધારાની કલમ મુજબ ફા સીની સજા ફરમાવી. હજુ ફા સીએ નહોતા લટકાવ્યા. દરમીયાન નવાબ બહાદૂરખાનજી જુનાગઢની જેલ જોવા આવ્યા. ત્યાં એણે તમામ ખુનીઓની વચ્ચે ગુલમહમદને દીઠો. ચૌદ વરસનો નાજૂક બેટો : નમણી મુખમુદ્રા : ગુલાબના ગોટા જેવું લાલ નીતરતું બદન : નવાબ નિરખી રહ્યા. “આને ફા સીની સજા ! ના, ના, એને જન્મકેદ રાખો. એનો જાન લેશો મા.”
ગુલમહમદ જીવતો રહ્યો. કાદુની સાથે ગામડાં ભાંગવામાં ભેળો રહેનાર અને બહારવટીયાના સિતમોનો નજરોનજરનો સાક્ષી બાલક ગુલમહમદ જાગી ગયો. ખુદાના રાહ પર ઉતરી ગયો. જેલમાં કેદીઓ પાસે કુરાને શરીફ પડે, નમાજ પડાવે અને અનેક ફા સીએ ચડનારા લોકોની આખરી ઘડી ઉજળી બનાવે. મરતાને હિંમત આપે ને જીવતાને નેકી શીખાવે.
એમ કરતાં કરતાં તો ખુદ નવાબ પણ પોતાની નમાજ વખતે ગુલમહમદને પડવા તેડાવવા લાગ્યા. આખરે ગુલમહમદ માફી પામ્યો, છૂટો થયો. નવાબે એને પોતાની પાસે જ રાખ્યો. નોકરી આપી. પરણાવ્યો. આજ એ નેક પાક આદમી ગુલમહમદ જંગલ ખાતાનો આસીસ્ટંટ ઉપરી છે, ખુદાની બંદગી કરે છે, અને પોતાને ઇન્સાનીઅતને માર્ગે ચડાવનાર નવાબની દુવા ગુજારે છે.
સમાપ્ત.
– ઝવેરચંદ મેઘાણી- સોરઠી બહારવટીયા..
આ કથા ઝવેરચંદ મેઘાણીના સોરઠી બહારવટીયા પુસ્તકમાંથી લેવામાં આવી છે.
(સાભાર રાધા પટેલ અમર કથાઓ ગ્રુપ)