કાદુ મકરાણી – સોરઠી બહારવટીયા ભાગ 1, વાંચો ઝવેરચંદ મેઘાણીની અદ્દભુત રચના.

0
732

આજે અમે તમારી સમક્ષ ઝવેરચંદ મેઘાણીની રચના સોરઠી બહારવટીયાનો એક ભાગ રજુ કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ પસંદ આવશે.

ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમજ બીનજખ્મી તમામ, કેદમાં પૂરાયા. પણ કાદરબક્ષ (કાદુ), અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો હાથમાંથી છટકી ગયા છે ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેને ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે.

દિવાન પ્રભાસપાટણ આવ્યા. એ પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યા કે “એનાં ઓરત બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને એ આપોઆપ શરણે આવશે.” ​આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. ધોંસીલા દિવાને હૂકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.” સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંટીઆ વર્ણના માણસોના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ.

દિવાનને પડખે પ્રભાસ પાટણવાળા ખાનબહાદૂર સૈયદ અલવી અલ એદ્રુસ- જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો – તે બેઠેલા. એણે ઉઘાડા ઉઠીને કહ્યું “રાવ સાહેબ, આ આપ વિપરિત વાત કરો છો હો ! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થાવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે પણ ચુપ બેઠા છે. અને ઇન્શાઅલ્લાહ થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે, માટે રાવ સાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”

“ના ના, ખાનબહાદુર !” દિવાને ટાઢોબોળ જવાબ દીધો : “એમ કર્યા વગર છુટકારો નથી.” આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઉભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાન બહાદર અલ્વીએ દર્દભર્યા અવાજે દિવાનને કહ્યું કે “રાવ સાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી કરી રાખજો અને ગીસ્તોની ભરતી પણ કરવા માંડજો ! કેમકે હવે આપ સૂતા સાંપ જગાડો છો.” દિવાન સ્હેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સુનસાન બેઠી રહી.

અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે, એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાનાં તકદીર પર વિચાર ચલાવે છે. ગઈ કાલનો એ શાહૂકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડૂ હતો. પસાયતો હતો. એ બહાદૂરે સાવઝનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં. તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી (૪૦ એકર) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો.

એ અભણ જમાનામાં પોતે ભણેલો, મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે, એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી એની અદબ મરજાદ એક અમીરજાદાને શોભે તેવી. નીતિ અને નમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાએલો અને ઇણાજ વાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારો એવો સુલેહસંપીને ચાહનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક આ ઇણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને ‘કમજોર’ કહીને ટોણાં દેતા. એજ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુ:ખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધુ હતું.

એકલો બેસીને એ શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું? નીમકહરામ થઈને જુનાગઢ સામે લડી મરવું, કે મકરાણમાં ઉતરી જવું! મરીને શું કમાવું છે? નામોશી ! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે? ​બરાબર તે વખતે આબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પિરસીને એણે કાદુને કહ્યું “કાકા બાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.”

“કેમ બચ્ચા ?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું.

“નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે.”

“તમને બધાંને એટલે કોને?” કાદુ ટાંપી રહ્યો.

“મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.”

“ઓરતોને? બચ્ચાંને? ગુન્હો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે?”

કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે!

છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરની બે સાંતી જમીન ખેડનાર ખેડુએ સળગતા બપોરની માફક ભીતરમાં સળગી ઉઠી ખુની બનતો હતો.

“બેટી! ભાત પાછું લઈ જા!” એમ કહીને કાદુએ એંઠો હાથ ધોઈ નાખ્યો. ખાધું નહિ.

પ્રભાસપાટણની આ બાજુ ભાલપરૂં ગામ છે. એ ભાલપરાની નદીના બેકડમાં કાદુ બંદૂક ભરીને બેસી ગયા. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળીઆ બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાત્રી થઈ ચૂકી એ તો એ જ.
નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો. એક ગોળીને એક સવાર ઉડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો.

અસ્વારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુવે ત્યાં જુવાન ઓળખાયો, એ હતો બડામિયાં સૈયદ. હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો. એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું “બડામિયાં! તું સૈયદ. મેં તારો જાન લીધો. પણ હું શું કરૂં? મારાં બાલબચ્ચાંને આમ બેગુન્હે કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ?”

છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે? એ તો મુકદ્દર!” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા. પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાનો નાતા વાળો જુવાન કબીરખાં! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનો યે નીકળી ગયો હતો.

રૂપાળી નીલૂડી નાઘેર, એથી યે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠો. મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છે. એવે ટાણે, દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઉભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે.

બાલબચ્ચાંને તેડી બહારવટીયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં. એના દિલનું ઉંડામાં ઉડું ખુન્નસ ઉછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈભત્રીજાનો સાથ હતો.
વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.

“એક દિવસમાં ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યું સમજજો !” એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંઝાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે. અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે. સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બાર-ચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે, ને બાકી ખાટસવાદીઆ ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે. બીજા બહારવટીયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખભે બંદૂક લઈને પગપાળા જ ચાલે છે. ઉંટ ઘોડું કાંઈ રાખતા નથી.

રોજ પાંચ વખત કાદુ નમાઝ પડે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જુનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટીયાનાં માથાનાં ઈનામો જાહેર થયાં છે. કાદુ અને આબાબકરના અકકેક હજાર રૂપીઆ, દીનમામદ અને અલાદાદના પાંચસો પાંચસો. બે સીદીઓના પણ પાંચસો પાંચસો. એમ પણ કહેવાય છે કે કાદુના માથા સાટે ૨૦ સાંતી જમીનનું નામ નીકળેલું.

રાતના દસ વાગ્યાની વેળા થઇ હશે. ગામડીયાં લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારીયુ ગામ. ઝાઝા ચોકીઆત ન મળે કે ન મળે પૂરાં હથીયાર. એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં, એટલે પહોંચ્યા વાણીઆના ઘર ઉપર. મૂછાળા ​તો ક્યારના યે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરક સોનું ચળકતું હતું.

કાદરબક્ષ ઓસરીએ ઉભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડીને કાદુની નજર ખેંચાણી. તૂર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી! ખબરદાર!” એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટીએ એને ‘હો વલાતી!’ એટલે કે ‘ઓ મકરાણી!’ કહી બોલાવ્યો, કેમકે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ.

કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ!” ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટીઆની સામે ઉભો રહ્યો. “બેટા ડરીશ ના! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા!” એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુન્હેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચલો ગામ બહાર!” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો. પોતે ફરીવાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઉભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા.

ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદીઆ સામે કરડી આંખો કાઢી કહ્યું : “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન અને મોટેરી એટલીને માં ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહી પડી ન રખાય, ​અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા! આ લે તારી ખરચીના પૈસા!” પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

સોરઠી બહારવટીયા ભાગ 1, ઝવેરચંદ મેઘાણી.

વધુ આવતા અંકે.

– સાભાર રાધા પટેલ (અમર કથાઓ ગ્રુપ)