આધુનીક વાર્તા તંત્ર : પંચતંત્ર પછીનું તંત્ર.
એક ગામ હતું. ઉનાળાની કાળઝાળ બપોરના એક દિવસે તેના ઉપરથી એક વખત એક રાજહંસનું જોડું આકાશમાં ઉડતું પસાર થતું હતું, ત્યારે ગામ બહાર ઘેઘૂર વડલો જોઈ હંસ-હંસલીના જોડાને થોડો વીસામો ખાવાનું મન થયું અને હંસલો-હંસલી એ વડ નીચે આરામ કરવા લાગ્યા…
આ વડની ઉપર કેટલાક કાગડાઓનો વસવાટ હતો, તેમાં એક કાગડો અટકચાળા સ્વભાવનો હતો, એની નજર હંસલી ઉપર પડી અને એણે નીચે આવીને હંસલી ને પોતાની કાગડી બતાવી હંસલાને કહ્યું કે : “તું અહીંથી જતો રહે, આ મારી કાગડી છે અને એ હવે મારી સાથે જ રેહશે ..”
આ સાંભળીને હંસલા ના પગ તળેથી જાણે કે જમીન સરકી ગઈ અને કાગડાને બોલ્યો કે : “ભાઈ કાગડા, તારું મગજ ઠેકાણે તો છે ને.! તું કાળો કોલસા જેવો અને આ ધોળી બરફી જેવી મારી હંસલીને કાગડી કહીને શું મજાક આદરી છે.! જો અમારું અહીં વિશ્રામ કરવું તમને ગમતું ન હોય તો અમે અહીંથી ચાલ્યા જઈએ છીએ..”
આટલું કહેતા હંસે હંસલી ને “ચાલ હવે આગળ જઈએ” એમ કહેતા હંસલીને તેની સાથે આવવા ઈશારો કર્યો.. પણ કાગડો હંસલીની આડો ફરી વળ્યો… અને અવાજમાં કરડાકી ભરી ને બોલ્યો “ખબરદાર જો મારી કાગડીને હંસલી કહીને લઈ જવાની વાત કરી છે તો.. જીવતા રહેવું હોય તો ચુપચાપ અહીંથી એકલો ચાલ્યો જા…”
આટલું કહેતા કાગડો હંસલી એના કબજામાં આવી ગઈ હોય તેમ વર્તવા લાગ્યો અને હંસલાને હડસેલા મારી વડ થી દૂર ધકેલવા લાગ્યો.. હંસલો કાગડાની વાત ને અત્યાર સુધી મજાક સમજતો હતો પરંતુ કાગડાની કરડાકી અને હંસલી ઉપર કબજો જમાવવાની હીલચાલ જોઈ એને સમજાઈ ગયું કે, એ બહુ મોટી મુસીબતમાં ફસાઇ ગયા છે.
હંસલી રડવા લાગી અને હંસને કહેવા લાગી કે મને ગમે તેમ કરીને આ કાગડાની ચુંગાલમાંથી છોડાવો… હંસલાએ કાગડા ને ઘણી વિનંતી કરી પણ હંસલો કેમે કરી હંસલીને છોડવા તૈયાર થયો નહીં અને હંસલી એની કાગડી હોવાનું ગાણું ચાલું રાખ્યું.
હંસલો શાંત સ્વભાવનો સજ્જન પ્રકૃતિનો હતો, એને લડવું ઝગડવું ન હતું, એટલે હંસલો ગામના સમજું માણસો પાસે ગયો અને કાગડાએ કઈ રીતે દાદાગીરી થી પોતાની હંસલીને કાગડી કહી હંસલી ઉપર પોતાનો કબજો કરી લીધો છે તે હકીકત કહી હંસલીને કાગડાની ચુંગાલમાંથી છોડાવી આપવા આજીજી કરી, ગામના માણસો કાગડા પાસે આવ્યા અને કાગડાને “આ બધું શું માંડ્યું છે?” એમ સવાલ કર્યો.
કાગડાએ કહ્યું કે : “ગામનાં પાંચ માણસોની પંચાયત બેસાડો અને મારી અને હંસની સમસ્યા ની પંચાયત કરો કે હંસ જેને હંસલી કહે છે એ તેની હંસલી છે કે મારી કાગડી. પંચ જે આદેશ કરશે એ હું માની લઈશ.”
બધાને કાગડાની વાત ન્યાયી લાગી અને ગામનાં પાંચ માણસોના નામ નક્કી કરી બીજા દિવસે સવારે પંચાયત ભરવાનું નક્કી થયું..
કાગડો બહું ચાલાક હતો, એ પંચમાં જે પાંચ માણસોનાં નામ નક્કી થયાં હતા તે દરેકના ઘરે રાત્રે ફરી વળ્યો અને દરેકને ભેટ સોગાદો આપી સમજાવ્યા કે, “હંસલો તો બીજા મુલકનો છે, કાલે જતો રહેશે પછી આવવાનો નથી, જ્યારે હું તો તમારા ગામનો જ છું, આપણે આજીવન સાથે રહેવાનું છે તો તમારે શું કામ મારી વિરુદ્ધમાં નીર્ણય આપવો જોઈએ? કાલે પંચાયતમાં મારી તરફેણમાં નીર્ણય કરજો હું તમને બધાને આગળ ઉપર પણ સાચવીશ.”
પાંચેય પંચો કાગડાની ભેટસોગાદોના પ્રભાવમાં અને ભવીષ્યમાં કાગડા તરફથી લાભ મળતો રહેશે એવી લાલચમાં આવી ગયા અને બીજા દિવસે પંચાયત ભરાઈ તેમાં હંસ અને કાગડાને સાંભળવાનો દેખાવ કરી પંચે સર્વાનુમતે નીર્ણય આપ્યો કે :”પક્ષી ભલે રંગે ધોળું હોય પણ અંદરથી એ કાગડી જ છે.”
પંચાયતનો આ નીર્ણય સાંભળીને હંસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો.. હંસને દુ:ખી જોઈને ગામના એક ભણેલા માણસને એની દયા આવી અને એણે હંસને દિલાસો આપતા સલાહ આપી કે :”ભાઈ તું હવે શહેરની કોર્ટમાં જા અને કોર્ટમાં ન્યાયની માંગણી કર..”
કાગડાને ગમે તે ભોગે હંસલીને કાગડાની ચુંગાલમાંથી છોડાવવી હતી એટલે તેણે કોર્ટમાં જઈને કાગડા ઉપર પોતાની હંસલીને ખોટી રીતે કાગડી બતાવી ગેરકાયદેસર કબજો કર્યો હોઈ હંસલીને કાગડા પાસેથી છોડાવવાની અરજી કરી… અરજી ચાલવા આવી એટલે શાણો કાગડો પહોંચી ગયો જજના ઘેર અને કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આપવા લાલચ આપતા બોલ્યો કે : “તમારા પિતૃઓના આત્માની શાંતિ માટે તમે વાસ કોને નાખો છો?” અમને… કાગડાઓને… અને અમારા મારફતે તમારા પિતૃઓનું તર્પણ થાય છે… માટે તમારા પિતૃ ક્યાં હશે એ અમેજ જાણીએ….”
કાગડાની વાત સાંભળી જજના કાન સરવા થયાં અને કાગડાની વાતમાં રસ પડ્યો.. જજ સાહેબના માતા પિતા દેવલોક સીધાવી ગયા હતા માટે એમના માતા પિતા હાલ કઈ અવસ્થામાં હશે એ જાણવા જજ સાહેબ ટળવળવા લાગ્યા અને કાગડાને પૂછ્યું કે : “મારા માતા-પિતા હાલ ક્યાં છે એ તું મને કહી શકીશ?”
કાગડાને લાગ મળી ગયો હતો, એ બોલ્યો : “અરે સાહેબ કહેવાની શું વાત છે હું તો તમને બતાવી શકું એમ છું કે તમારા માતા – પિતા હાલ કયા અવતારમાં છે, અને હું એમની સાથે તમારી મુલાકાત પણ કરાવી શકું એમ છું.”
જજ સાહેબ ખુરશીમાંથી ઉભા થઈ ગયા અને ગદ્ ગદ્ સ્વરે કાગડાને પોતાના માતા પિતાને બતાવવા વિનંતી કરવા લાગ્યા.
કાગડાએ લાગ જોઈને શરત મુકી દીધી કે : “હંસલાએ મારી સામે જે અરજી કરી છે તેમાં ચુકાદો મારી તરફેણમાં આપી દો એટલે તરત તમને તમારા માતા પિતા બતાવી દઈશ.”
બીજા દિવસે ચુકાદો આવ્યો કે : “હંસલો જે પક્ષીને પોતાની હંસલી કહે છે એ પક્ષી હંસલી હોવાના પુરાવા હંસ રજુ કરી શક્યો નથી માટે આ પક્ષી હંસલી હોવાનું સાબીત થતું નથી, અને આ પક્ષી કાગડાના કબજા માં હોઈ તે કાગડી હોવાનું હું માનું છું જેથી હંસની અરજી નામંજુર કરવામાં આવે છે.”
કાગડો છાતી કાઢતો અને હંસ રડતા રડતા કોર્ટની બહાર નીકળ્યો.. તેમની પાછળ જજ સાહેબ દોડતા આવ્યા અને કાગડાને કહ્યું કે ચાલ હવે તારો વાયદો પાળ અને મારા માતા પિતા બતાવ..
કાગડો કહે : “હા.. હા. હાલો સાહેબ.. મારી પાછળ આવો તમને તમારા મા બાપ બતાવું.” અને કાગડાની પાછળ જજ સાહેબ અને એમની પાછળ હંસ અને બધું ટોળું ચાલી નીકળ્યું. કાગડો થોડે દૂર એક મોટા ઉકરડા પાસે જઈને ઉભો રહ્યો અને ઉકરડામાં ગંદા કચરા વચ્ચે ખદબદતા જીવડામાંથી વારા ફરથી બે જીવડા બતાવી બોલ્યો : “આ તમારા બા, અને આ તમારા બાપુજી.”
જજસાહેબ કાગડાની આ વાત સાંભળીને ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને બોલ્યા : “આ બે જીવડા મારા માતા પિતા.? શું બોલે છે તું? ભાનમાં તો છે ને.”
કાગડો ઉકરડામાં ના જીવડા તરફ આંગળી ચીંધતા ચીંધતા હસતા હસતા બોલ્યો કે : “સાહેબ જેના સંતાન તમારા જેવો ન્યાય કરવા વાળા હોય એના માવતરનો અવતાર આજ હોય.”
પછી બધાં સામે જોતા કાગડો આગળ બોલ્યો : “પાંચ માણસના કહી દેવાથી કે દેવડીએ ચુકાદો આવી જવાથી હંસલી કાંઈ કાગડી નો થઈ જાય. આ’તો મારે બતાવવું હતું કે, હાલ માણસજાતમાં શું ચાલી રહ્યું છેં એટલે મેં આ રમત આદરી હતી.
જા ભાઈ હંસલા તારી હંસલી એ હંસલીજ છે એને તું તારી સાથે લઈ જા.”
– સાભાર સંજય મોરવાડીયા (અમર કથાઓ ગ્રુપ)