કાળાં કામ કરતા વ્યક્તિને બહેને પાછો વાળ્યો અને પછી તેનામાં જે પરિવર્તન આવ્યું તે જાણવા જેવું છે.

0
817

લઘુકથા : જવ – તલ

– માણેકલાલ પટેલ.

વીરુનાં લગ્ન થયાં એના બે દિવસ પહેલાં મહેશ એના ઘરે ગયેલો.

ફળિયાના લોકો વિસ્ફારીત નેત્રે એને નિહાળી રહેલા. ચર્ચાય થયેલી :- “આ કાળીયો છેક ઘર સુધી પહોંચી આવ્યો? હિંમત તો જુઓ, એની?”

“બાપ વગરની દીકરી એટલે……..”

વિરુની માં ને મળીને એ પાછો વળેલો.

મહેશને ગામ લોકો કાળીયો કહેતા. રંગે તો એ રૂપાળો હતો પણ કામ એનાં એવાં કાળાં હતાં કે બધા એને કાળીયો કહીને જ બોલાવતા હતા.

એક સાંજે અંધારું થયા પછી ગામની પછવાડે આવેલા વાડામાં એ ધીમા પગલે ઘૂસેલો અને ત્યાં ઝાડે ફરવા આવેલી બાઈને એણે પકડેલી. પણ તરત જ પથ્થરીયો વિંછી કરડ્યો હોય તેમ ભડકીને એ ત્યાંથી ભાગેલો. એ એવો ડરી ગયેલો કે મોડી રાતે એ વિરુની માં ને કરગરતો હતો : “કાકી, મને એમ કે એ ભીખીભાભી છે. એટલે…..”

“મને વિરુએ બધી વાત કરી.”

“પણ, ભાભી તો માં સમાન હોયને, મહેશભૈ?” ચા આપતાં વીરુએ પૂછેલું ત્યારે ધરતી મારગ આપે તો સમાઈ જાય એવો પશ્ચાતાપ એને થતો હતો :- “ભૂલ થઈ ગઈ, વિરુબેન !”

“વિરુબેન નહી.” એણે હૈયે હેત લાવી કહેલું :- “બહેન જ કહો !”

“હા, બેન !”

“જો મને બેન માનતા હોય તો આજથી જ આ બધાં કાળાં કામ બંધ કરી દો.”

મહેશે વિરુને વચન આપેલું ત્યારે જાણે એના બત્રીસે કોઠે દીવા ઝળહળેલા.

એ દિવસ અને આજની ઘડી- મહેશ સુધરી ગયેલો. પણ, આતો ગામ ! એના મોંઢે ગરણું કેમ બંધાય?!

બે દિવસ પછી વિરુનાં લગ્ન લેવાયાં.

હકડેઠઠ્ઠ માનવમેદની વચ્ચે જ્યારે વિરુ અને એના પતિના ખોબામાં જવ-તલ આપતા મહેશને જોઈને લોકો વિસ્ફારીત નજરે એ ભાઈ-બહેનની પ્રીતને નીરખી રહ્યાં.

– માણેકલાલ પટેલ.

(પ્રતીકાત્મક ફોટા)