કલેશ્વરી ધામ (હિડીમ્બા વન) : અહીં છે ભીમ અને હિડિંબાના પગના વિશાળ નિશાન.

0
1599

મહિસાગર જિલ્લાના કલેશ્વરી ખાતે પ્રકૃતિની ગોદમાં વહેતાં ઝરણાની શાખે. મહિસાગર જીલ્લાના લુણાવાડાની નજીક કલેશ્વરી ધામ બહુ જાણીતી જગાઓ છે. કલેશ્વરી ધામમાં માતાના મંદિર ઉપરાંત ૧૦ થી ૧૫મી સદી દરમ્યાન બંધાયેલાં સ્થાપત્યોના અવશેષો છે. પુરાતત્વ ખાતુ તેનું જતન કરી રહ્યું છે. આ સ્થાપત્યો ઉપરાંત એક સરસ મજાના વિહારધામ તરીકે પણ તે જોવા જેવું છે.

અહીં એક પુરાણી અવાવરુ વાવ પણ છે. ઝમજર માંના મંદિર આગળ જ એક મોટો ડુંગર છે. એટલે આ મંદિર ડુંગરની તળેટીમાં આવેલું હોય એવું લાગે. આ ડુંગર અચલગઢના નામે ઓળખાય છે. ડુંગર પર પણ ઝમઝરમાંનું સ્થાનક છે. અહીંથી કલેશ્વરી ૨૦ કી.મી. દૂર છે. આ ડુંગર છેક કલેશ્વરી સુધી લંબાયેલો છે. કહે છે કે ઝમજરમાં અને કલેશ્રીમાં, બંને બહેનો હતી. ઝમજરમાંને બાળકો ન હતાં, જયારે કલેશ્વરીને કળશી (સોળ) બાળકો હતાં.

ઝમજરમાંએ બહેન કલેશ્વરી પાસે થોડાં બાળકો માગ્યાં. પણ કલેશ્વરીએ આપવાની ના પાડી. આથી ઝમજરમાંએ ડુંગરના પોલાણમાં છેક કલેશ્વરી સુધી હાથ લંબાવી, કલેશ્વરીનાં બાળકો લઇ લેવાનો પ્રયત્ન કર્યો. અત્યારે પણ ઝમજરના આ ડુંગરથી કલેશ્વરી સુધી પોલાણ(ગુફા) છે. જો કે તેમાં જવું જોખમ ભરેલું છે. અચલગઢ પર મુસ્લિમોની દરગાહ પણ છે.

ડુંગર પર ચડવાનાં પગથિયાં છે. આગળ કલેશ્વરીનો નિર્દેશ કરતુ પાટિયું હતું. થોડું અંદર અંદર ચાલીને જ ફરવાનું હોય છે. અહીંના દરેક સ્થાપત્ય આગળ તેના વિષે વિગત લખેલી છે. પ્રવેશદ્વારની નજીક જ સૌ પ્રથમ સાસુની વાવ આવે છે. ૧૪ કે ૧૫ મી સદીમાં બનેલી આ વાવની બંને બાજુની દીવાલો પરની કોતરણી જોવા જેવી છે. સાસુની વાવની લગભગ સામે જ વહુની વાવ છે. અહીં પણ સુંદર કોતરણીવાળા શિલ્પો છે. બંને વાવ લગભગ સરખી છે.

વાવમાં પાણી છે, પણ ચોખ્ખાઈ નથી. અહીં આજુબાજુના વિસ્તારમાં ઝાડપાન, બેસવા માટેના ચોતરા, ઉંચાનીચા ઢાળવાળા રસ્તા – આ બધું રમણીય લાગે છે. બાજુના ડુંગર પરથી આવતું એક ઝરણું વચમાં વહે છે. ઝરણાની સામી બાજુએ સામસામે બે મંદિરો છે. એક છે કલેશ્વરી માતાનું મંદિર અને બીજું છે શીવમંદિર.

કલેશ્વરીના મંદિરમાં નટરાજની મૂર્તિ છે, પણ લોકો તેને જ કલેશ્વરી માતા તરીકે પૂજે છે. સામેનું શીવમંદિર, કલેશ્વરી પરિસરમાંનું સૌથી જૂનું મંદિર હોવાનું મનાય છે. બંને મંદિર પથ્થરનાં બનેલાં અને સ્થાપત્ય કલાના સુંદર નમૂના જેવાં છે. આ મંદિરોના પ્રાંગણમાં વિશ્રામ કરવાનું મન થાય એવું છે. અમે પણ અહીં થોડું બેઠા જ. કલેશ્વરી માતાના મંદિરની બાજુમાં ખુલ્લામાં જ કષ્ટભંજન હનુમાનની સિંદૂરી મૂર્તિ છે.

શિવમંદિરની પાછળ એક મોટો કુંડ છે. કુંડના ગોખમાં વિષ્ણુ અને અન્ય દેવોની મૂર્તિઓ કંડારેલી છે. આ કુંડ હિડિંબા કુંડ તરીકે ઓળખાય છે. કુંડની બાજુમાં એક કૂવો છે. શિવમંદિરની નજીક છત વગરની રૂમ જેવી રચનામાં સુંદર કોતરકામવાળી મૂર્તિઓ ઉભી કરેલી છે. અહીં આજુબાજુની જગામાં બધે જ તૂટેલાં શિલ્પો, થાંભલાઓ વગેરે તો વેરવિખેર પડેલું જ છે.

શિવમંદિરની નજીક એક નાની ટેકરી પર શિકારમઢી નામની નાની રૂમ છે. રાજા શિકારે આવે ત્યારે ટેકરી પરની આ જગાએથી શિકાર શોધવાનું બહુ સહેલું પડતું. શિકારમઢી પરનાં શિલ્પો બહુ જ સરસ છે.

શિકારમઢીની બાજુમાં ઉંચા ડુંગર પર ચડવાનાં પગથિયાં છે. પગથિયાં સરસ પાકાં અને ચડવામાં તકલીફ ના પડે એવાં છે. ૨૩૦ પગથિયાં ચડીને ઉપર પહોંચો એટલે ઉપરનાં સ્થાપત્યો જોવા મળે. અહીં સૌ પ્રથમ ભીમની ચોરી છે. મહાભારતના ભીમે અહીં લગ્ન કર્યાં હશે, એવું અનુમાન કરી શકાય. નજીકમાં જ અર્જુન ચોરી છે. આ બંને બાંધકામો પરનાં શિલ્પો જોવા જેવાં છે. બાજુમાં જ ત્રણ પ્રવેશદ્વારવાળા મંદિરના ભગ્ન અવશેષો છે. અહીં મોટી સાઈઝના પગના અવશેષો દેખાય છે, જે ભીમ અને હિડિંબાના પગ હોવાનું કહેવાય છે.

અહીં પાંડવોનો જ ઇતિહાસ બધે પથરાયેલો હોય એમ લાગે છે. આશરે છસો વર્ષ પહેલાં, આ બાંધકામો કોણે અને શા માટે કર્યાં હશે, એ જમાનામાં આ સ્થળની જાહોજલાલી કેટલી બધી હશે, કેટલા બધા લોકો અહીં દર્શને તથા ફરવા માટે આવતા હશે એ બહુ જ રસપ્રદ તથા સંશોધનનો વિષય છે. અહીં પથ્થરોનાં શિલ્પોનો કેટલો બધો ભંગાર હજુ પડેલો છે. એ બાંધકામો પણ જો તૂટી ના ગયાં હોત તો આ પરિસરમાં હજુ બીજાં કેટલાં બધાં સ્થાપત્યો હોત ! ગુજરાતમાં કલેશ્વરીનાં આ સ્મારકોને વધુ ને વધુ લોકો જાણતા થાય એ જરૂરી છે.

કલેશ્વરીના કૃષ્ણ અને પાંડવોના ઈતિહાસને જાણવાં જેવો છે. કલેશ્વરીથી બાકોર ૫ કી.મી. દૂર છે, આ વિસ્તારમાં ઝમઝર માતાનું મંદિર આવેલું છે, તે જોવા પણ જઈ શકાય.

પન્નાલાલ પટેલની નવલકથા ના પહેલા પ્રકરણમાં આ સ્થળ પર ભરાતાં ગોકુળ આઠમના મેળાનો ઉલ્લેખ છે. અહીં એમની બીજી નવલકથા ‘માનવીની ભવાઈ’ ઉપર બનેલ ફિલ્મનાં કેટલાક દ્રશ્યો આ સ્થળે લેવામાં આવેલ.

સંપાદક :- પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)