કાળી મજૂરી કરીને માં બાપે દીકરાને ભણાવ્યો પછી ઘડપણમાં તેણે જે કર્યું તે જાણીને હૈયું કંપી જશે.

0
844

આઘાત :

આમ તો મૂળ નામ કમાભાઈ પરંતુ અત્યારે કમલેશભાઈ નામથી ઓળખાય છે. ઉતર ગુજરાતના છેવાડાનું ગામ વતન. કમાનો જન્મ બિલકુલ સાધારણ પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાં થયો. બાપ ખેતમજુરી કરીને કુટુંબનું ભરણપોષણ કરે. પહેલા ખોળાનું સંતાન દિકરો. મા બાપને ખુબ આનંદ. જોતજોતામાં કમો પાંચ વરસનો થઈ ગયો. પિતા વાલાભાઈએ શાળામાં દાખલ કર્યો કમાને. સમયને જતાં ક્યાં વાર લાગે છે!

સાતમું ધોરણ પુરૂ થયું. મા બાપની જવાબદારી વધી ગઈ. ખેતમજુરીથી ઘરનું અને સામાજિક જવાબદારીઓ વાલાભાઈ જેમતેમ કરી પુરી કરી નાખતા. ત્રણ જણનો ટુંકો પરિવાર ને પાછો સંતોષી. ના કોઈ વ્ય સન કે ખોટો ખર્ચ. કમાની માતા વાલીબેન સંસ્કારી પરિવારની દિકરી. પરણીને સાસરે આવ્યાં એ દિવસથી જ પરગજું.

આડોશ પાડોશ કે ગામમાં કોઈને પણ બની શકે એવા કાર્યમાં મદદ કરવા હાજર હોય. વાલાભાઈ બાળપણથી જ ભજન સત્સંગનો જીવ. આખા દિવસના વૈતરા પછી પણ રાત્રે ક્યાંક ભજન સત્સંગ હોય ત્યાં હાજર. સૌને ઈર્ષ્યા થાય એવું આ વાલા વાલીનું જોડું. ગામમાં ખરેખર ઉદાહરણીય આ દંપતિ.

ગામથી પંદર કિલોમીટર દુર શહેરમાં કમાને ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો. વાલીબેન ગામમાં ગોદડાં ભરવાં, મરચાં ખાંડવાં, લીંપણ… ટુંકમાં ઘરગથ્થુ મજૂરી કરીને દિકરાને ભણાવવા માટે તનતોડ મહેનત કરવા લાગ્યાં.

કમો ભણવામાં પહેલેથી જ હોશિયાર. ધોરણ દશ, બાર ને કોલેજ પુરાં ને સરકારી નોકરી પણ મળી ગઈ. વાલાભાઈ અને વાલીબેનનો ખુશીનો પાર નહિ. અરે આખું ગામ રાજી થયું. કમો કારકૂન બનનારો આ ગામનો પ્રથમ છોકરો. કમાનાં ઘણાં બધાં માગાં આવવા લાગ્યાં ને છેવટે એક ગ્રેજ્યુએટ છોકરી ઉપર પસંદગીનો કળશ ઢોળાયો.

રંગેચંગે લગ્ન થયાં. આખું ગામ ખુશ. વાલાભાઈ અને વાલીબેનનો હરખ તો સાતમા આસમાને. કેમ ના હોય! સુખનો સોનેરી સૂરજ ઉગ્યો હતો. ને એમાંય આખા ગામમાં સૌથી વધારે ભણેલી વહુ એટલે કમાની.

બે એક માસ વીત્યા ને આણું થયું. પાંચેક દિવસ રોકાઈને કમો અને તેની પત્ની ઉપડ્યાં નોકરીના સ્થળે. આંસુ ભરેલી આંખે માબાપને પગે પડીને કમા અને તેની પત્નિ કેતકીએ વિદાય લીધી. જતાં જતાં કમાએ પિતાજીને મોબાઈલની ભેટ આપીને કહ્યું કે, લ્યો બાપુજી આ મોબાઈલ. ગળગળાં થઈ ગયાં મા બાપ.

દરરોજ સાંજે વાર્તાલાપ થાય, મહિને બે મહિને આંટો મારે કમો અને કેતકી. પાંચ પચ્ચીસ રૂપિયા આપતો જાય. વાલાભાઈ કમાને ટકોરે, ‘ભાઈ હાલ તો હજી હું કમાઈ શકું છું. ઘડપણની લાકડી બનજે, અત્યારે તો ખાઓ પી ઓ ને મજા કરો’. ‘ના બાપુ, તમે હવે આ વૈતરુ છોડી દો. તમારો દિકરો હવે કમાય છે’. ‘હા ભાઈ એ સાચું પરંતુ ઘેર બેઠા બેઠા મને ચેન નહીં પડે’.

એકાદ દિવસ રોકાઈને કમો નિકળી જાય. એક બે વરસ બધું સુખરૂપ ચાલ્યું. એક દિવસ કેતકીએ કમાને કહ્યું ‘જુઓ કમલેશ, તમારા બાપુજી તમને દર વખતે કહે છે કે પૈસા ના આપો છતાં તમે આપો છો. લાખોનો કંઈ પગાર નથી. થોડું બચાવો ને આમેય તમારાં બા બાપુજી ક્યાં હજી ઘરડાં થઈ ગયાં છે? આપણાંય કાલે બાળકો હશે.’

બન્ને વચ્ચે દલીલો થાય ને છેવટે કેતકીનું પલ્લું ભારે. રુપિયા આપવાનું ધીરેધીરે બંધ થઈ ગયું. ગામમાં પુત્રનાં કાયમ વખાણ કરતાં વાલાભાઈ અને વાલીબેન અકળાયાં. કહે તો કોને કહે? વળી પાછાં બન્ને સ્વમાની.

હવે તો કમાનું પોતાને ગામ આવવાનું પણ બંધ થઈ ગયું. પુરો એક દાયકો વહી ગયો. ધીરે ધીરે ગામ લોકોનેય ખબર પડી ગઈ. સૌના મોંઢે આવવા લાગ્યું ‘આવા દિકરાઓ કરતાં પથરા સારા! કપડાં ધોવાનાય કામમાં તો આવે! દેવ જેવાં માબાપ ને કાળી મજૂરી કરીને કરીને દિકરો ભણાવ્યો, આખા ગામને આશા હતી કે સૌના કામમાં આવશે પણ આ તો એના મા બાપનોય સગો ના થયો ‘.

ઘરના ખુણામાં બેસીને સારસ બેલડી સમાન વાલાભાઈ અને વાલીબેન આંસુડાં પાડે, વૃધ્ધત્વની વેદનાને ફંફોળે પરંતુ દિકરા માટે કડવા શબ્દો તો મોંઢા પર ક્યારેય નહિં. છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર ક્યારેય ના થાય એ ઉક્તિને હૈયે સંઘરી નસીબના ખેલ ગણીને ચૂપ થઈ જાય. જેવી પ્રભુની મરજી.

વાહ રે કુદરત! ઘરડે ઘડપણ મજૂરી. શરીર સાથ આપતું બંધ થયું ને ક્ષયરોગ લાગુ પડ્યો વાલાભાઈ ને. આખો ભાર આવી ગયો વાલીબેન પર. આમ તો ભગત તરીકે સૌના આદરણીય વાલાબાપા. વાલીમા પણ આખા ગામનાં લાડકાં. સૌ મદદ માટે હાથ લાંબો કરે, પરંતું કર્મનિષ્ઠ અને પોતાના નસીબને દોષ દેતું આ દંપતિ આભાર પ્રગટ કરી મદદનો ઈન્કાર કરી દે.

દવા માટે પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવું ઘર વેંચાઈ ગયું. ક્ષયરોગમાંથી હેમખેમ બહાર નિકળી ગયા વાલાભાઈ પરંતુ ઘડપણનું શું? વાલાભાઈ બિલકુલ અશક્ત બની ગયા હતા. વાલીબેન પણ શું કામધંધો કરી શકે?

વાલીબેને આડા કાને ક્યાંક સાંભળેલું કે સરકાર નિરાધારને સહાય કરે છે. કોઈનેય ખબર ના પડે એમ થેલીમાં રેશનકાર્ડ નાખીને ઉપડ્યાં તાલુકા મથકે. બસમાંથી ઉતરીને પુછતાં પુછતાં પહોંચી ગયાં. કોઈ સજ્જને હાથેથી દોરીને સાહેબના કાર્યાલયે ઉભાં કરી દીધાં વાલી માને ને સાથે સાથે પટાવાળાને ભલામણ પણ કરી ને ગયો.

પટાવાળાએ વાલીબેનનો નંબર આવતાં જ પાસે આવીને કહ્યું, ‘જાઓ માજી અંદર હવે…. સાહેબને મળી લ્યો જાઓ.’ આ શબ્દોમાં શું ભાવ હતો એ તો પટાવાળો જાણે! પરંતુ વાલીબેન કાર્યાલયમાં ગયાં. સામે ખુરશીમાં સાહેબ બેઠેલ હતા એમણે વાલીબેન સામે જોયું. વાલીબેને સાહેબ સામે જોયું. એક સેકન્ડનોય વિલંબ કર્યા વગર વાલીબેન બહાર નિકળી ગયાં. સાહેબ ઓ માજી… ઓ માજી… કરતા રહ્યા.

થોડે દુર એક ઝાડ નીચે આવતાં આવતાં તો હાંફી ગયાં વાલીબેન ને ફસડાઈ પડ્યાં. ‘ખુરશી પર બેઠેલ સાહેબ કમો હતો! હા, કમો જ હતો’. બસ…. જીવ નિકળી ગયો વાલીબેનનો. લોકોનું ટોળું વળી ગયું. કોલાહલ સાંભળી સાહેબ પણ બહાર આવ્યા. શબ પાસે આવીને ઓળખ માટે થેલી ફંફોળી, રેશનકાર્ડ જોયું, નામ વાંચ્યું.

થીજી ગયા સાહેબ. પટાવાળાને આજ્ઞા કરી. ‘જા ડ્રાઈવરને કહે કે ગાડી લઈને આવે. શબને એના ગામ પહોંચાડીએ. લોકટોળું સાહેબને જોઈ રહ્યું. સૌ ગૂસપૂસ કરવા લાગ્યાં ‘આમ તો સાહેબ ભારે દયાળુ છે ‘.

વાલીબેનનું મડદું ગામમાં આવ્યું. જ્યાં રહેતાં હતાં ત્યાં ગાડી ઉભી રહી. કોઈકે કહ્યું, આ ઘર તો વેંચાઈ ગયું છે, હાલ પાછળ છાપરામાં રહે છે. ગાડી ત્યાં જઇને ઉભી રહી. રોકકળ સાંભળીને વાલાભાઈ લાકડીના ટેકે બહાર આવ્યા ત્યાં સુધી વાલીમાના શબને લોકોએ ગાડીમાંથી નીચે ઉતારી દીધું હતું.

વાલાભાઈએ શબ ઉપરથી કપડું ઉંચું કરીને જોયું. ‘આમ એકલાં ચાલ્યાં જવાય!

આ છેલ્લા શબ્દો હતા વાલાભાઈના.

આખું ગામ હીબકે ચડ્યું.

સ્મશાનયાત્રામાં ગામના કેટલાક ઓળખતા આધેડ લોકોની નજર સાહેબ સામે મંડાયેલ હતી……. ‘આખરે દિકરો આવ્યો તો ખરો.’

લેખન :- નટવરભાઈ રાવળદેવ થરા.