કાલિદાસને પોતાની વિદ્વતાનો થયો અહંકાર તો માતા સરસ્વતીએ આ રીતે તેમને શીખવ્યો પાઠ.

0
126

એક વખત કાલિદાસ ક્યાંક જઈ રહ્યા હતા તે સમયે તેમને ખુબ તરસ લાગી. તેમણે રસ્તામાં એક ઘર સામે ઉભા રહીને તે ઘરમાં રહેતી વૃદ્ધ સ્ત્રી પાસે પાણી માંગ્યું.

કાલિદાસે કહ્યું : માતા મને પાણી આપો, તમને ઘણું પુણ્ય મળશે.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : પુત્ર, હું તને ઓળખતી નથી. તારો પરિચય આપ. હું ચોક્કસ પાણી આપીશ.

કાલિદાસે કહ્યું : હું વટેમાર્ગુ છું, કૃપા કરીને મને પાણી આપો.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : તું વટેમાર્ગુ કેવી રીતે હોઈ શકે, તેતો ફક્ત બે જ છે, સૂર્ય અને ચંદ્ર જે ક્યારેય અટકતા નથી અને કાયમ ચાલતા રહે છે. આમાંથી તું કોણ છો, સાચું કહે.

કાલિદાસે કહ્યું : હું મહેમાન છું, કૃપા કરીને મને પાણી આપો.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : તું મહેમાન કેવી રીતે હોઈ શકે છે? વિશ્વમાં ફક્ત બે જ મહેમાન છે. પહેલી સંપત્તિ અને બીજી યુવાની. એમને જતાં વાર લાગતી નથી. સાચું કહે તું કોણ છે?

કાલિદાસ અત્યાર સુધીની તમામ તર્કથી હારીને નિરાશ થઈ ગયા હતા.

કાલિદાસે કહ્યું : હું સહનશીલ છું. હવે મને પાણી આપો.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : ના, સહનશીલ તો બે જ છે. પહેલી પૃથ્વી જે તમામ પાપીઓ અને પુણ્યશાળી આત્માઓનો બોજ વહન કરે છે. તેની છાતી ચીરીને બીજ વાવ્યા પછી પણ તે અનાજનો ભંડાર આપે છે. અને બીજા વૃક્ષો છે જેને પથ્થરો મારવા છતાં પણ તે મીઠા ફળ આપે છે. તું સહનશીલ નથી. સાચું કહે કે તું કોણ છે?

કાલિદાસ લગભગ બેભાન થવાની સ્થિતિમાં આવી ગયા અને કહ્યું : હું જીદ્દી છું.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : ફરીથી અસત્ય. જીદ્દી તો માત્ર બે જ છે, પહેલા આંગળીના નખ અને બીજા વાળ. તેમને ભલેને ગમે તેટલા કાપીએ પણ તે વારંવાર બહાર આવે. સાચું કહે બ્રાહ્મણ તું કોણ છે?

હવે તો કાલિદાસ સંપૂર્ણપણે અપમાનિત અને પરાજય થઈ ગયા હતા.

કાલિદાસે કહ્યું : તો પછી હું મૂર્ખ છું.

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું : ના તું મૂર્ખ કેવી રીતે હોઈ શકે છે. મૂર્ખ તો માત્ર બે જ છે. પહેલો રાજા જે કોઈપણ લાયકાત વિના દરેક પર રાજ કરે છે અને બીજો દરબારી પંડિત જે રાજાને ખુશ કરવા માટે ખોટી વાત પર તર્ક કરીને તેને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

હવે બોલવામાં અસમર્થ કાલિદાસ તે વૃદ્ધ સ્ત્રીના પગે પડે છે અને પાણી માટે વિનંતી કરવા લાગે છે.

પછી વૃદ્ધ સ્ત્રી કહે છે : ઊઠ, વત્સ!

અવાજ સાંભળીને કાલિદાસે ઉપર જોયું તો માતા સરસ્વતી ત્યાં ઊભા હતા, કાલિદાસે ફરીથી પ્રણામ કર્યા.

માતાએ કહ્યું : શિક્ષણથી જ્ઞાન આવે છે ન કે અહંકાર. પણ તેં શિક્ષણના બળે મળેલા માન-પ્રતિષ્ઠાને તારી સિદ્ધિ માની લીધી અને અહંકાર કરી બેઠો, તેથી તારી આંખો ખોલવા મારે આ વેશ ધારણ કરવો પડ્યો.

કાલિદાસને પોતાની ભૂલ સમજાઈ અને ધરાઈને પાણી પીધા પછી તે આગળ વધ્યા.

બોધ : તમારી વિદ્વતા પર ક્યારેય અહંકાર (અભિમાન) ન કરો, આ અહંકાર તમારી વિદ્વતાનો નાશ કરે છે. બે વસ્તુઓને ક્યારેય વ્યર્થ ન જવા દેવી એક છે અનાજનું કણ અને બીજી ખુશીની ક્ષણ.