કાળિયા ઠાકોર – રાણીમાનુ મંદિર, રાજકોટ.
રાજકોટ સ્થિત ભરવાડ જ્ઞાતિમાં વિશેષ પૂજાતાં પૂજ્ય રાણીમાના મંદિર વિશે ખુદ રાજકોટના લોકોને પણ બહું ઓછી જાણકારી હશે.
આશરે સો વર્ષ પહેલાની આ ઘટના છે. વાંકાનેર રાજ્ય તાબેના સિંધાવદર ગામે રૂડીમા – રાણીમા નામે બે બહેનો થઇ ગયા, બન્ને બહેનો સંત કક્ષાએ પહોંચેલ અને રાધાકૃષ્ણ – હનુમાનજીના પરમ ભક્ત અને ઉપાસક હતાં.
લોકવાયકા મુજબ, વાંકાનેર દરબારે ગોચરની જમીન જપ્ત કરતાં મનદુ:ખને કારણે સિંધાવદર થી હિજરત કરી રાણીમા રાજકોટ પધાર્યા અને અહી ઈશ્વરોપાસના કરતાં રહ્યાં.
કહેવાય છે કે સ્વપ્નમાં કાળિયા ઠાકોરે દર્શન આપી માળિયા ગામેથી પોતાની મૂર્તિને રાજકોટ લાવવાં આજ્ઞા કરતાં રાણીમા ગાડું જોડી તે મૂર્તિને લેવાં માળિયા ગયાં અને ત્યાનાં તે વખતના રાજાને પોતાનાં સ્વપ્નની જાણ કરી, પણ લોકોને વિશ્વાસ બેસે તે ખાતર કોઈ પૂરાવો (પરચો) આપવાં રાણીમાને રાજાએ વિનંતી કરતાં-રાણીમાએ શરતને સ્વિકારી,
મંદિર પરિસરમાં ભજનો ગાતા બેઠાં ત્યારે એક ચમત્કાર સર્જાયો અને મંદિરમાં ઉભેલા કાળિયા ઠાકોર ની પથ્થરની મૂર્તિ પોતાનાં સ્થાનેથી નીચે ઉતરી ખુદ રાણીમા પાસે આવી ! રાજાને ખાત્રી થતાં મૂર્તિને રાજકોટ પધરાવવાં અનુમોદન રાજા અને ગામની પ્રજા તરફથી મળ્યું. રાજકોટ લઇ જવાંની છૂટ મળતાં મૂર્તિ ને વાજતે-ગાજતે રાજકોટ લાવવામાં આવી એમ અહીં સ્થાપિત થઈ !!
રાણીમાના વંશજો દ્વારા જ સંચવાતું-જળવાતું આ મંદિર ભરવાડ જ્ઞાતિનાં લોકો માટે શ્રદ્ધા – આસ્થા નું કેન્દ્ર બની રહ્યું છે. છેક ક્યાંયથી પણ માણસો બાધા – માનતા રાખી અહીં નિત્ય આવતાં રહે છે.
આધ્યાત્મિક તત્વના રહસ્યને પામવાં અને અનુભવવા મથતાં માનવીએ એકવાર આ સ્થળની મુલાકાત-અનુભવ અવશ્ય કરવાં જેવો ખરો.
જય રાણીમાં.
જય રૂડીમાં.
– પરેશ વાવલિયા (અમર કથાઓ ગ્રુપ)