કળિયુગમાં જન્મેલા આ શ્રવણની સ્ટોરી આપણને શ્રવણ જેવા બનવા માટે પ્રેરણા આપે છે, વાંચવાનું ચૂકશો નહિ.

0
672

સતયુગનો શ્રવણ કળિયુગમાં જન્મ્યો !

આજે હું એક વ્યક્તિનું જીવન અને એની દિનચર્યા શેર કરવા જઈ રહ્યો છું.

ઘરમાં માત્ર ૩ જણા રહે – એના પપ્પા, એના ફઈ અને એ ખુદ.

સવારે શાર્પ ૫.૩૦ વાગે ઉઠી જવાનું.

સૌથી પહેલા તૈયાર થઇ ને ઘરના લોકો માટે ચા નાસ્તો બનાવવાનો, પછી મેલા કપડા ધોવાના પછી ઘરના લોકો માટે અને પોતાના માટે જમવાનું બનાવવાનું, ટીફીન બનાવવાનું.

આ કાર્યક્રમ ૮:૩૦ વાગ્યા સુધી ચાલે.

પછી બસ પકડીને લગભગ ૨૦ કી.મી દુર ઓફીસ જવાનું.

પહોચતા પહોચતા ૧૦.૩૦ વાગી જાય.

ઓફીસ પહોચીને કામકાજ કરવાનું.

લગભગ ૨ વાગે એટલે ટીફીન ખોલીને જમવાનું, ભાણું પતાવીને પાછું કામે લાગી જવાનું.

૬ વાગતા પોતાના ભણવાના કલાસીસ ઉપર જવાનું. ત્યાં ૯ વાગ્યા સુધી મગજ ના તંતુઓ સાથે મા-રા-મા-રી કરવાની.

પછી બસ પકડીને ઘરે પહોચવાનું, જમવાનું બનાવવાનું અને બધાની સાથે જ જમવાનું.

રાત્રે સુતા પહેલા ફઈના પગ દબાવવાના અને પછી પિતાના પગ દબાઈને સુવા જવાનું અને સવારે પાછા ૫.૩૦ વાગ્યે ઉઠીને જીવનની છુકછુક ગાડીમાં દોડવાનું શરૂ.

(અને આ કોઈ રચાયેલી વાર્તા નથી, સત્ય ઘટના છે જે મારી નજર સામે દરરોજે ઘટાય છે. એ વ્યક્તિ ને હું દરરોજ મળું છું.)

અહી આ વાત શેર કરવા પાછળનો હેતુ એ છે કે પહેલાના જમાનામાં બાળકો એમના માતા પિતાના પગ દબાવીને એમને આરામ આપીને જ સુવા જતા હતા પણ સમયના વહેણની સાથે આ વાત પણ વહી ગઈ.

“માતાપિતા ના ચરણોમાં સ્વર્ગ” એવું વાક્ય ઘણું પ્રચલિત છે.

આપણા માંથી કેટલા લોકો એમના મા બાપના પગ દબાવે છે?

કદાચ નહીવત. એનું કારણ શું?

આપણે સમયની સાથે સાથે શરીરથી મોટા થયા પણ ભાવનાથી ઘણા નાના થઇ ગયા.

કદાચ હવે આપણને માતા પિતાના પગ દબાવતા નાનપ અનુભવાય છે, કદાચ કેટલાયને શરમ પણ આવે છે.

એનો સીધો અર્થ એ છે કે માબાપ સાથેનું ટ્યુનીંગ ઘણું જ કાચું છે, સંબંધ એટલો ગાઢ નથી.

આજે એક નવું કામ કરીએ, (ચિંતા ના કરો હું એમ નહિ કહું કે અમારા આ શ્રવણની જેમ દોડભાગ કરો પણ આ કામ થોડું અલગ છે)

આજે રાત્રે સુતા પહેલા મમ્મી પપ્પાની પાસે બેસીને એમના પગ વિના કોઈ સંકોચે લઈએ અને એને પ્રેમથી દબાવીએ, મનમાં એમના આખા દિવસનો થાક દુર કરવો છે એવી ભાવના રાખીએ. (અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે શરૂઆતમાં થોડો સંકોચ થશે, પણ “આ પોતાના જ માતા-પિતા છે એટલે સંકોચ ના હોય” એમ વિચારીને પગ દબાવજો)

આજે કળિયુગના શ્રવણ બનીએ.

(મૂળ સ્ત્રોત – માનવની નજરે)

(સાભાર રઘુવંશી હિત રાયચુરા, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતીકાત્મક છે)