કામદા એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રીની પ્રાપ્તિ ચોક્કસ જ થાય છે, વાંચો તેની વ્રતકથા.
કામદા એકાદશી એટલે ચૈત્ર સુદ એકાદશી. આ વર્ષે આ એકાદશી 1 એપ્રિલ 2023 શનિવારના રોજ આવી રહી છે. આવો તેનું માહાત્મ્ય અને વ્રત કથા જાણીએ.
કામદા એકાદશીનું માહાત્મ્ય વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે. એક વખત યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે, હે વાસુદેવ, કૃપા કરીને મારાં દંડવત્ પ્રણામ સ્વીકારો અને ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન, તેનો વિધિ અને આ દિવસે ઉપવાસ કરવાથી તેનું ફળ શું મળે છે તે વિસ્તારથી સમજાવો.
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મરાજા! અગાઉ આ એકાદશીની કથા રામચંદ્રજીના દાદા મહારાજા દીલિપે તેમના આધ્યાત્મિક ગુરુ વસિષ્ઠને ચૈત્ર માસના શુકલ પક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૃચ્છા કરી હતી.
મુનિ વસિષ્ઠે પ્રત્યુત્તરમાં કહ્યું કે, હે રાજન! હું ચોક્કસ તારી ઈચ્છા પૂરી કરીશ. આ એકાદશીનું નામ કામદા એકાદશી છે. આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રીની પ્રાપ્તિ ચોક્કસ જ મળે છે.
ઘણા વર્ષો પહેલા ભોગવતી (ભોગીપુર-રતનપુર) નામની નગરી હતી. તેમાં મોટા મોટા નાગલોકો રહેતા હતા. તેમનો નાગરાજા પુંડરિક હતો. ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓ પણ તેની સેવા કરતાં હતાં. શહેરમાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામની અપ્સરા રહેતી હતી. આ બંને વચ્ચે વર્ષો જૂની પ્રીતિ હતી અને પતિ-પત્ની કરતાં પણ વધુ ચાહત એકબીજાને હતી.
એક દિવસ પુંડરિક રાજાના દરબારમાં ઘણાં ગાંધર્વો નાચગાન કરતા હતા અને લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું. લલિતાની ગેરહાજરીમાં, લલિતનો સૂર- અવાજ અને તાલમાં પુષ્કળ ભૂલો પડી. પ્રેક્ષકોમાં એક કારકોટકા નામે સર્પ બેઠો હતો, તેને આનું રહસ્ય ખબર હતું. તેણે રાજાને લલિતના આ પ્રકારની ભૂલ વિષે સત્યતા અંગે ફરિયાદ કરી. રાજા ક્રોધિત થયો અને લલિતને શાપ આપ્યો, હે પાપી, હે મૂર્ખ, તારી પ્રિયતમાના પ્રેમમાં અંધ બનીને તેં નૃત્ય-ગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો તેથી હું તને શાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી બનશે.
નાગરાજાના શાપથી ગાંધર્વ લલિત રાક્ષસ તરીકે જન્મ્યો. જોતાં બીક લાગે તેવો આઠ જોજન લાંબો એ રાક્ષસ બેડોળ હતો, મોઢું ગુફા જેવું હતું, આંખો સૂર્ય-ચંદ્ર જેવી હતી, ડોક પર્વત જેવી હતી, નસકોરાં ખાડાં જેવાં બિહામણાં હતાં.
પોતાના પ્રેમીને રાક્ષસ થયેલો જાણી અપ્સરા લલિતા દુઃખી થઈ અને તેને શાપમુક્ત કેવી રીતે કરવો તેની ચિંતા કરવા લાગી. કોઈ ઉપાય માલૂમ ન પડ્યો ત્યારે તે પોતે સંસારના સુખભોગ છોડી પતિ સાથે ગાઢ જંગલમાં ભટકતી હતી. તેવામાં લલિતાએ વિંધ્યાચળ પર્વતની શિખર પર શ્રીનાઈ મુનિનો પવિત્ર આશ્રમ જોયો. લલિતા ત્યાં ગઈ અને શ્રીનાઈ મુનિને દંડવત્ પ્રણામ કર્યા.
મુનિએ સ્ત્રીને જોઈને પૂછ્યું કે, સુંદર સ્ત્રી તું કોણ છે? કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લલિતાએ કહ્યું, હે મુનિવર, હું વીરધન્વા ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. હું મારાં શાપિત પતિ સાથે આપની પાસે આવી છું. હે મહામુનિ, પુંડરિક રાજાના શાપથી મારાં પતિ રાક્ષસ બન્યા છે. હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું. હે મારાં પ્રભુ, કૃપા કરીને મને પાપનિવારણની વિધિ બતાવો જેથી મારો પતિ શાપમાંથી મુક્તિ મેળવે અને રાક્ષસી સ્થિતિ દૂર થાય.
ઋષિને દયા આવી. તેમણે કહ્યું, પુત્રી! આજે ચૈત્ર માસની શુકલ પક્ષની કામદા એકાદશી છે. એ સર્વ મનોકામના સર્વની પૂરી કરે છે. હું કહું તે મુજબ એકાદશીનું વ્રત કર અને પુણ્ય તારાં અભાગી પતિને અર્પણ કરજે. ઈશ્વરકૃપાથી શાપના દોષથી મુક્ત થશે.
આથી મનોમન ઉત્સાહિત-ઘેલી થઈ લલિતાએ ઋષિના કહ્યા મુજબ એકાદશીનું વ્રત કર્યું. એ દિવસે ઉપવાસ કરી બીજે દિવસે મુનિની સાક્ષીએ તેનું પુણ્ય અર્પણ કર્યું, પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી અને ત્યાં જ લલિતાના પતિ લલિતનું રાક્ષસપણું અલોપ થઈ ગયું અને તે ગાંધર્વ રૂપમાં તેની સમીપ આવીને ઊભો રહ્યો. બંને પતિ-પત્ની ઋષિને પગે લાગ્યા. વિમાન આવ્યું અને તેમાં બેસી સ્વર્ગમાં વિહાર કરવા લાગ્યા.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, મહારાજ યુધિષ્ઠિર, હે રાજન્, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળી અને પોતાની શક્તિ મુજબ એકાદશી કરવી જ જોઈએ તેવું નક્કી કર્યું. કામદા એકાદશીના જેવું કોઈ સારું-ઉપયોગી વ્રત નથી. કારણ કે આ એકાદશીનું ફળ બ્રાહ્મણની હત્યા જેવું પાપ અને રાક્ષસી કૃત્યના શાપમાંથી પણ મુક્તિ આપનારું ગણાય છે. આનો પાઠ વાંચવા કે શ્રવણ કરવાથી રાજસૂય યજ્ઞનું ફળ મળે છે.
પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના :
પુષ્ટિમાર્ગમાં કામદા એકાદશીના સંદર્ભમાં એવું માહાત્મ્ય છે કે દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં લક્ષ્મણ ભટ્ટજી નામે ઉચ્ચ કોટિના તેલંગ બ્રાહ્મણ રહેતા હતા. લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્ર ન હોવાથી તેમને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા થઈ. એક રાત્રે લક્ષ્મણ ભટ્ટજીને પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે, મને તમારે ત્યાં પુત્ર રૂપે અવતરવાની ઈચ્છા છે, તમારે ત્યાં સોમયજ્ઞ પૂરાં થશે ત્યારે હું પુત્રરૂપે પ્રગટ થઈશ. પ્રભુએ વરદાન આપ્યું તે દિવસ કામદા એકાદશીનો હતો.
જગતમાં નવ નારાયણો છે, તેમાં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબના મૂળ પુરુષ છે. તેમણે એકસો યજ્ઞ પૂરાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમાંથી ૩૨ સોમયજ્ઞ પૂરાં કર્યા, પછી તેમના પુત્ર ગંગાધરે ૨૮ સોમયજ્ઞ કર્યા અને સોમયાજીનું બિરુદ મળ્યું. તેમના કેશમાંથી જળધારા નીકળતી હોવાથી તેમને શિવનો અવતાર બધાં માનતા હતાં. તેમને ગણપતિ નામનો પુત્ર હતો તેણે ૩૦ યજ્ઞો કર્યા અને કાશીમાં વિદ્વાનોની સભામાં સારી કીર્તિ મેળવી હતી.
તેમનો પુત્ર બાલભટ્ટ હતો તેણે પાંચ સોમયજ્ઞ કર્યા, તે બધાંને સૂર્યની જેમ સંધ્યા સમયે દર્શન આપતો હતો તેથી સૂર્ય અવતાર ગણાયો. તેમને બે પુત્ર હતા, તેમાં લક્ષ્મણ ભટ્ટે બાકી રહેલાં પાંચ સોમયજ્ઞ પૂરાં કર્યા એટલે સો સોમયજ્ઞ પૂરાં થયાં. ત્યાં જ અગ્નિકુંડમાંથી મદનમોહનજી સ્વરૂપે ઋષિ પ્રગટ થયાં અને તેમણે વરદાન આપ્યું કે સો સોમયજ્ઞ પૂરાં થયાં હોવાથી હું પુત્રરૂપે તમારે ત્યાં અવતરીશ. તુરત જ અગ્નિકુંડમાં તિરોહિત થયું.
મર્યાદામાર્ગીય ભાવના :
વરાહ પુરાણમાં આ એકાદશીનું માહાત્મ્ય વર્ણવાયું છે. કામદા એકાદશીના વ્રતની કથાના શ્રવણ-મનનથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જીવના સંકટો નિવૃત્ત થઈ મનોવાંછિત કામનાઓ પૂર્ણ થાય છે.
ઇતિ શ્રી સ્કંદ પુરાણે ચૈત્ર શુકલ પક્ષની કામદા એકાદશીનું વર્ણન અહીં સંપન્ન થાય છે.