દિલ મોટું કે દૌલત? કમાલખાનજી બાપુના જીવનનો આ પ્રસંગ વાંચીને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો.

0
443

કમાલખાનજી બજાણા સ્ટેટ એક સવારે મોર્નિંગ વોક પર નીકળ્યાં, સરદાર પટેલને મર્જરમાં સહી કરી આપ્યા પછી રજવાડાં હળવાશ અનુભવતા હતાં. જાગીરું આપી દીધાનું દુઃખ આ રૈયત રતીભાર મહેસુસ થવા દેતી નહોતી, અને એજ આદર સત્કાર અને મરતબો લોકો જાળવતા હતાં. એવાં એ દરબાર જ્યારે નીકળે ત્યારે લોકોના અભિવાદન અને સલામુ ઝીલતો એક હાથ હંમેશા ઉંચોજ રહેતો.

“હુજુરને ખમ્મા ઘણી” બોલીને એક સેવક પડખે આવીને કચેરીમાં મહેમાન આવ્યાં છે જેની ધીમા અવાજે જાણ કરી. બાપુ હજુ ઘણું ચાલ્યાં હોત પણ મહેમાનનું સાંભળી ત્યાંથીજ પરત ફર્યાં અને સેવકને સવાલ કર્યો કે, સરકારી અમલદાર છે કે કોઈ બીજાં? તો સેવકે જવાબ આપ્યો કે, ભવ્ય અને રૂઆબદાર પહેરવેશ પરથી તો દરબારી માણસો લાગે છે, અને ભાષા પણ કઈંક આપણાથી અલગ છે એટલે હું બઉ સવાલ ના કરી શક્યો અને આપ હુજુરને જાણ કરવા આવ્યો.

હુજુર શ્રી કમાલખાનજી બાપુ પેલેસમાં પહોંચ્યાં ત્યારે ઘોડાએ હીંસ મારીને સ્વાગત કર્યું. ભલે રજવાડાં નૂતન ભારતમાં વિલીન થયાં પણ ઠાઠ અને જાહોજલાલી એવીજ હતી. કેટલીયે વિદેશી પેટ્રોલ કાર બાપુના પેલેસના પટાંગણમાં શોભી રહી હતી, ઉંચા પડછંદ રંગે ઉજળા લોકો કમરબંધ બાંધીને અહીંતહીં ફરતાં હતાં. તમામના માથા પર કથ્થાઈ કલરની પાઘડીઓ હતી અને તમામને દાઢી અને મૂછો હતી અને આંખમાં સુરમો આંજેલો હતો.

બાપુ ચાલવાના બુટ કાઢી ઘરમાં પહેરવાના સેન્ડલ પહેરી કચેરીમાં આવ્યાં અને એક સુંદર બંધ ગળાનું અચકન પહેરેલ વ્યક્તિએ કુરનીશ બજાવી જેનાથી જાહેર થઈ ગયું કે, એ ઊંચા રજવાડાંમાંથી આવતો હતો અને અંગ્રેજી ભાષા પર એની ગજબ પકડ હતી. સામે બાપુ પણ રાજકુમાર કોલેજ રાજકોટ ભણેલા એટલે Lewis English ભાષામાં બન્નેનો વાર્તાલાપ ચાલુ થયો.

બાપુ ખૂબ મક્કમતાથી વાત કરતાં હતા અને સામે પેલો આજીજી કરતો હતો ત્યારે બાપુએ એટલું કહ્યું કે, લાંબી મજલ કાપીને આવ્યા છો આપ સ્નાન વગેરે કરો અને આરામ કરો પણ આપની માંગણી મને મંજુર નથી કહી સેવકને સૂચનો કર્યાં કે, મહેમાનોનું ધ્યાન રાખવું અને નીકળી ગયાં.

વાત એમ હતી કે મેસુરના રાજા જયચમારાજા વોડિયાર દરરોજ સવારે સૂર્યોદય થતાં સ્નાન કરી સૌ પ્રથમ એમના ‘જયમંગલ’ ઘોડાની પૂજા કરતા પછીજ મોઢામાં અનાજ નાખતાં, અને એ ઘોડો ઉંમર થઈ જતાં મરી ગયો અને મહારાજાને જાણે સ્વજન ગુમાવ્યું હોય એવો શોક લાગ્યો. બીજા દિવસની સવાર થઈ અને જયમંગલ ઘોડાની પૂજા ના થઇ શકી તો કશું ખાધું પણ નહીં.

એમનો શાહી નોકર વલામીર ખુબજ હોંશિયાર અને બીજો બીરબલ કહેવાતો. એણે મુખ્ય પૂજારીજીને બોલાવીને વચલો રસ્તો કાઢ્યો કે, મહારાજ આપે અનાજ ન લેવાનું પ્રણ લીધું છે પરંતુ ફળ તો ખાઈ શકો. અને એ દરમિયાન બીજો જયમંગલ ઘોડો શોધવા અને કિંમતના બારામાં જરાય કરકસર ના કરવા સૂચના આપીને મેસુર રાજ્યની ચારેય દિશાઓમાં ટુકડીઓ મોકલી. એવી એક ટુકડી આજે સવારે જયમંગલ ઘોડાની શોધ કરતી બજાણા આવેલી અને એવોજ ઘોડો કે, જેવો એ લોકો શોધતા હતાં એ અહીં જોઈને ઘોડો વેચવાનો આગ્રહ કર્યો. પણ આતો બાપુ, બીજો હોય તો મારે ખરીદવો છે પણ આનો તો બાલ પણ ન વેચું એવું બોલી ગયાં.

જૂનાગઢના રા’માંડલીકને ઉત્તુંડ દુર્ગવાળા કિલ્લામાં પેસિને જીવતો બહાર લાવી મહેમુદ બેગડાને હવાલે કરનાર એમના પુરખા, અને આ એમના ફરજંદ ક્યારેય કોઈ વાતમાં નમતું ન દેવું વાળા સિધ્ધાંત, અને એના માટે માથા ધૂળમાં ભેળવી દેનારા જત દરબારો બોલ્યા પછી પાછી પાની ન કરે. હવે મેસુરના મહેમાનો મૂંઝાણા અને એક માણસ મારતે ઘોડે રવાના કર્યો કે, આપણે શોધીએ છીએ એનાથીયે એક તસુ ચડિયાતો જયમંગલ ઘોડો એક નાની મુસ્લિમ ઠકરાત પાસે છે. પણ રાજા આપવાની ના પાડે છે.

બીજું વધુ ચબરાક વેપારી મંડળ મેસુરથી રવાના થાય છે અને બજાણા પહોંચે છે, જે ઘોડાના ભારોભાર રાણીછાપ રૂપિયા તોલી આપવાની પેશકશ કરે છે. પણ બાપુ કહે છે, મેસુરની જાગીર આપી દો તોય હું મારો ઘોડો નથી વેચવાનો. કારણ કે મેં ક્યારેય કોઈ ચીજ વેચી નથી અને એ મારા શરીરમાં નથી. આમ બધાયના હાથ હેઠાં પડે છે ત્યારે પેલો ચબરાક બીરબલ વલામીર પોતે રવાના થાય છે અને એને રાજા રજવાડાં જોડે કઈ રીતે વાત કરવી અને કઈ રીતે માંગણી કરવી એનું જ્ઞાન હોય છે.

થોડા દિવસોમાં એ બજાણા દરબાર ગઢમાં હાજર થાય છે, લાંબી કુરનીશો બજાવ્યા બાદ એ પોતાની વાત શરૂ કરે છે કે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તમારી નામના હો હુજુર પરંતુ મારો રાજા અનાજ નહીં આરોગે તો મરી જશે. મામલો ધાર્મિક છે અને જયમંગલ ઘોડાની પૂજા ન કરે ત્યાં સુધી અન્ન મોઢામાં ન નાખવાનું પ્રણ લિધેલું છે. હવે આ ધરાતલ પર આપ એક જ માણસ છો, જે મારા રાજાને જીવનદાન આપી શકો અને હું આપને નતમસ્તક પ્રાર્થના કરું છું કે, આપ રાજા છો તો બીજા રાજનું દર્દ સમજશો અને આપનો ઘોડો પણ પૂજાવાનો છે બસ બીજું કશુંજ કહેતો નથી.

કચેરીમાં સન્નાટો હતો ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલી શાંતિ હતી. લોકો શ્વાસ રોકીને હુજુરના જવાબની પ્રતિક્ષામાં ઉભા હતાં અને હુજુર નામદાર કમાલખાનજી ધીમે રહીને બોલ્યાં કે, જાવ હું એ મારો ઘોડો મેસુર રાજ્યને બક્ષીસ કરું છું મારે એક કાણી પાઈ એના બદલે ન ખપે. પરવરદિગાર આપના રાજાને લાંબું આયુષ્ય બક્ષે એમ કહી ઉભા થઈને નામદાર હુજુર કમાલખાનજી બાપુ પીઠ પાછળ બંને હાથ બાંધીને કચેરીમાંથી બહાર નીકળી જાય છે.

આ તો કેવા રાજા છે એક ઝાટકે ઘોડાંના ભારોભાર રાણીછાપ ચાંદીના રૂપિયા ઠોકરે મારી દીધા અને ઘોડો બક્ષીસ કરી દીધો. હવે લોકો થોડા હળવા થયાં અને બજાણાની રૈયતની છાતી ગજગજ ફુલાવા લાગી કે, એક તરફ મેસુરની ઠકરાત અને એક બાજુ અમારું ખોબા જેવડું રજવાડું બજાણા પણ આજે દિલ જીતી ગયું.

થોડો સમય વહ્યે એજ બીરબલ નામે વલામીર એક દિવસ કુરનીશ બજાવતો આવે છે અને કહે છે, મહારાજા મેસુરની દીકરીના લગ્નમાં આવવા ખાસ આમંત્રણ આપવા મને મહારાજાએ મોકલ્યો છે. હું ક્યાંય આમંત્રણ આપવા જતો નથી પણ આપની હાજરી ચોક્કસ કરવા હું જાતે આવ્યો છું. આપને અવશ્ય પધારવાનું છે મહારાજાનું અંગત આમંત્રણ છે. બાપુએ હા કહી.

મેસુરના મહારાજાની દીકરીના લગ્ન હોય એટલે લગભગ ભારતભરના નાના મોટા તમામ રાજા રજવાડાં નવાબો જાગીરદારો સૂબાઓ હોય અને તમામના સામૈયા થાય. પણ એ દિવસે તમામે જોયું કે, એકસો એકવીસ કુંવારી કન્યાઓ નવાનક્કોર બેડાં લઈને સામૈયું કરવા નીકળી ત્યારે તમામ આંખો દરવાજે મંડાઈ કે આટલો મોટો કયો રાજા આવે છે.

અને એવે સમયે હુજુર નામદાર કમાલખાનજી બાપુ દમામભેર વાજતે ગાજતે મંડપમાં પ્રવેશ કરે છે, અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ શરૂ થાય છે. વિધિ સંપન્ન થતા વરઘોડિયા પ્રથમ હુજુર કમાલખાનજી બાપુના આશીર્વાદ લે છે પછી મેસુર મહારાજાના. ત્યારબાદ મહારાજા આવેલા મહેમાનો તરફ જોઈને ઉદબોધન કરે છે કે, આપ મારા અંગત મિત્રશ્રી નામદાર બજાણાના રાજાશ્રી કમાલખાનજી મારા ત્યાં લગ્નપ્રસંગે પધાર્યા એ બદલ ખુબ ખુબ ધન્યવાદ કરું છું અને બન્ને ભેટ્યા.

મહારાજા મેસુરે બીજી એક જાહેરાત કરી કે, આજે હું એમને એક તુચ્છ ભેટ આપવા માંગુ છું અને બે લોકો એ લાલ મખમલી કપડાંમાં ઢાંકેલી ભેટ લઈને આવ્યાં અને મહારાજાએ કપડું હટાવ્યું તો અંદર સોનાનો બનાવેલો સુંદર કલા કારીગરીથી સુશોભિત રથ હતો અને નામદાર કમાલખાનજીએ ઉભા થઇ પાંચ હજાર રૂપિયા રોકડાં એ રથના થાળમાં મૂકી, પરણનાર દીકરીને કાપડાંમાં આપવાની જાહેરાત કરી દીધી અને ફરીવાર પાછો લગ્નમંડપમાં સન્નાટો છવાઈ ગયો.

દિલથી જે મોટો હોય એને મિલ્કતથી મોટો માણસ ક્યારેય આંબી શક્યો નથી એ વાતને યથાર્થ ઠેરવતાં આ નાની ચોવીસીના રાજા નામદાર હુજુર કમાલખાનજી બાપુ ખૂબ ઈજ્જત અને સન્માન કમાયા અને આજેય લોકો એવાજ ભાવથી યાદ કરે છે.

લેખક – મલીક શાહનવાઝ “શાહભાઈ” દરબાર ગઢ. મુ.પો.તા.દસાડા જી. સુરેન્દ્રનગર પીન-૩૬૩૭૫૦.

સાભાર અજય રાજપૂત (અમર કથાઓ ગ્રુપ)