“સખા ભાવ” : આ રચનામાં મિત્ર સબંધ વિશે કનૈયાએ આપેલા બોધ અને વિવેકને કવિએ સુંદર રીતે વર્ણવ્યો છે.

0
610

સખા ભાવ :

રચના :- નટવરભાઈ રાવળદેવ થરા.

ગોરાણીએ દઈ તાંદુલ

સુદામાને સાર સમજાવ્યો,

અજાચક એ વિપ્ર જનને

નિર્દોષ ભાવ બહુ ભાવ્યો.

પળીયા પંથ દ્વારકા તણો

પ્રિય સખાને મળવા કાજે

નિર્લેપ હ્રદયમાં શ્રીકૃષ્ણનું

માત્ર નામ એક જ ગાજે.

દરવાજે દરવાનને કહેતા

ત્રિભુવન નાથને છે મળવું,

જઈને આપો સંદેશ બંધુ

ના કહેશે તો પાછા વળવું.

ના માન્યો દરવાન વિનતી

ઘણી કરી જોઈ કોશિષ,

નિરાભિમાની ઉતમ જનને

જરા પણ ચડી ના રીસ.

વહાણાં વહાયાં બે દિનનાં

દરવાન પણ ગયો બદલાઈ

આધેડ જણ આવ્યો ચોકીએ

કેમ ઉભા છો તમે ભાઈ?

મળવું મારે શ્રીકૃષ્ણ સખાને

જઈને કહોને તમે ભાઈ!

બે દિવસથી રાહ જોઉ છું

મને મળવાની છે અધીરાઈ.

સમજુ સૈનિક સમાચારને

શ્રીકૃષ્ણ મહેલે પહોચાડે

ચતુર્ભુજને પડતાં ખબર

આનંદ થયો હાડે હાડે.

કૃષ્ણ કહે મોકલો જલ્દી

જરી કરો નહિ હવે વાર

લાગણી સ્પંદન મિત્રતાનાં

ઉજાગર થયાં ભારોભાર.

ઘાંટા પાડી જગદીશ સૌને

સૂચનાઓ આપે વારંવાર,

તૈયારી કરો ભેરૂ છે આવ્યો

કરવો છે ઉતમ સત્કાર.

સન્માન સાથે સૈનિક જણ સૌ

સુદામાને લઈ મહેલે જાય

મેલો ઘેલો માનવી જોઈને

લોકોમાં કૌતૂક ઘણું થાય.

શ્રીકૃષ્ણ અહીં દોટ મૂકીને

મિત્રને ભેટવા સામે જાય

પટરાણી સૌ નિરખે નાથને

મનમાં મીઠડી ઈર્ષા થાય.

મૂગટ જઈ બેઠો સિંહાસન

જરા કરી નહિ એણે વાર

ચૌદ લોકના નાથને માથે

કેમ કરી શકું થોડો ભાર!

બેરખા જઈ પડ્યા બાજુએ

પિતાંબર સરકી ગયાં ક્યાંય

આભૂષણ સૌ થયાં વેગળાં

પગની મોજડી પણ દૂર થાય.

સમોવડીયા થઈ ને શ્રીહરિ

દોડતા દોડતા સામે જાય,

પથ્થર કંકર દુર ખસી ને

શ્યામને સહાયભૂત થાય.

મિત્ર બરોબર થઈને ભૂધર

માનવ બન્યા આજ મોરારી,

ધન્ય બન્યું સૌ લોક નગરનું

પ્રેમે નિરખ્યા આજશ્રી હરિ.

દોટ મૂકીને ભેટ્યા રણછોડ

હૈયાં કરી દીધાં એકાકાર,

ધન્ય બન્યો છે આજ સુદામો

કોણ કહે હવે નિરાધાર!

બાથ ભરીને દોડે નટવર

નિજ ધામે લઈને જાય,

સિંહાસન પર બેસાડીને

સેવા ચાકરી બહું થાય.

દોડમદોડા કરે સૌ પ્રેમદા

પણ પ્રશ્નો મનમાં થાય,

અલૌકિક લીલા શ્રીકૃષ્ણની

કેમ કરી એમને સમજાય?

કમર નાખી હાથ પ્રભુએ

વદ્યા સખાને સુંદર વાણી,

છોડો હવે પ્રસાદ જલ્દી

કરીએ મિત્ર હવે ઉજાણી.

ઝંખવાણા થઈ કહે સુદામો

ભુલી ગયો હું એ યદુરાય,

છોડી પોટલી તાંદુલ તણી

રાખી ગિરધરના હાથ માંહ્ય.

લાગણી અશ્રુ આવ્યાં હરિને

દશા મિત્રની જોઈ સાક્ષાત,

સૃષ્ટિ સ્વાદ ભર્યો તાંદુલમાં

શું ચીજ મીઠી મારા ભ્રાત!

પટરાણી સૌ કરે માગણી

આપો ને અમને પણ નાથ,

એકલા એકલા કાં ખાઓ

લાંબા કરે લેવા માટે હાથ.

ચપટી ચપટી સોને આપ્યા

સ્વાદ જોઈ ફરી કરે માગ,

અકળ લીલા મારા પ્રભુની

કોણ પામી શકે એનો તાગ.

સાહ્યબી ઘણી આપી મિત્રે

નિભાવી જાણ્યો સખાભાવ,

ઘેર આવીને જોયું સુદામે

ત્યારે જાણ્યો સખા પ્રભાવ.

અજાચક વ્રત રહ્યું કાયમી

તૂટી નહિ ક્યારેય એ ટેક,

મિત્ર સબંધ વિશે કનૈયે

આપ્યો બોધ ને વિવેક…

રચના :- નટવરભાઈ રાવળદેવ થરા.