તાજી પરણીને સાસરે આવેલી શ્રીમંત ઘરની નવવધૂ. એનાં પિયરમાં જેમ શ્રીમંતાઈ હતી એમ સાસરે પણ અઢળક શ્રીમંતાઈ હતી. પરંતુ લગ્નના ત્રીજા જ દિવસે શ્વશુરગૃહે એણે જે દ્રશ્ય નિહાળ્યું એનાથી એ આઘાતથી સ્તબ્ધ બની ગઈ.
બન્યું હતું એવું કે તૈયાર થઈને બહાર જવા ડગ માંડી રહેલ સસરાજીએ તેલની શીશીમાંથી તેલના બે બુંદ ઢળતાં જોયા અને એમણે તુરત આંગળીથી એ બુંદ ઝીલી લઈને પોતાના બૂટ પર ઘસી નાંખ્યા.
નવવધૂને ક્ષણભર વિચાર આવી ગયો કે જ્યાં ઘરની મુખ્ય વ્યક્તિ જ આવી કંજુસાઈ કરતી હોય એ ઘરમાં મારા થી બરદાસ્ત કેવી રીતે થશે?
આ વિચારનું પારખું કરવા નવવધૂએ એક ગણતરી પૂર્વકની યોજના કરી એ મુજબ સાંજ પડતાં જ અસહ્ય શિર:શૂળ – ભયંકર મસ્તકવેદનાનો એણે દેખાવ કર્યો. વેદનાની ચીસો તો એવી ઉઠતી હતી કે જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે.
સમગ્ર પરિવાર ચિંતાતુર થઇ ગયો. સસરાએ મોટા મોટા વૈદરાજો તેડાવ્યા, પણ રોગ પકડાય તો સારવાર કરી શકાય ને ! સહુ નાકામયાબ નીવડવા લાગ્યા. વેદના અને ત્રાસ જોયો ન જાય એવો થતો ગયો.
એવામાં સસરાએ નવવધૂને પૂછ્યું : ‘ વહુ બેટા ! પિયરમાં આ તકલીફ ક્યારેય થઈ હતી ખરી? અને થઈ હોય તો ત્યારે ક્યાં ઉપાયથી એ શમી જતી હતી? ‘
નવવધૂએ નાટક જારી રાખીને વેદનાથી કણસતાં કહ્યું : ‘પિતાજી ! પિયરમાં બે વાર આવી વેદના થઈ હતી ખરી અને ત્યારે સાચા મોતીઓ વાટીને તેનો લેપ મસ્તકે લગાવવાથી એ પીડા શમી હતી.
પણ અહીં તો એ ક્યાંથી બને?’
સસરાએ તરત જ કહ્યું : ‘ વહુ બેટા ! એની ચિંતા તમે ન કરો. ઉપાય મળી ગયો છે, તો હમણાં જ એનો અમલ થશે.’ – અને ખરેખર સસરાએ લાખો રૂપિયાની કિંમતના એકેક મોતી મંગાવીને તેને ખાંડવાની તૈયારી પણ કરાવી લીધી.
પારખું થઈ ગયું હોવાથી વિચક્ષણ નવવધૂએ નાટકને નવો વળાંક આપી દઈ એકાએક રોગ ગાયબ થયાનો દેખાવ રચી દીધો. પરિવારમાં પુન: આનંદ છવાઈ ગયો.
કરકસર આ ચીજ છે કે જેમાં બિનજરૂરી હોય ત્યારે તેલનો પણ વેડફાટ ન હોય અને જરૂરિયાત હોય ત્યારે મહામૂલા મોતી વાટવામાંય ખચકાટ ન હોય.
વસ્તુતઃ કરકસર એક કળા છે.
કરકસર એ કંજુસાઈ નથી અને ઉડાઉપણું એ ઉદારતા નથી!!
– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)