– મનસુખ ઠક્કર.
પૂર્વ કચ્છમાં વાગડ વિસ્તાર તરીકે ઓળખાતા ભચાઉ તાલુકાના અને રાપરના ગામડાંને અડીને આવેલા ‘કંથકોટ’ ગામનો અનેરો ઈતિહાસ છે. કંથડનાથ સહિત અનેક જોગી સંતો- મહંતોએ તપ કર્યા છે. કઠોર અને કષ્ટ વેઠીને જોગી ગોપાલ નાનજી જેવાએ પોતાના શરીરની પરવા કર્યા વગર ભૂખ્યા-તરસ્યા રહી વેદના સહન કરી ઉગ્ર તપસ્યા કરી જગ્યાનો વિકાસ કરી ભાવિકો માટે ધાર્મિક પર્યટન ધામ ઊભું કર્યું છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણે કચ્છની 7 વર્ષની યાત્રા દરમ્યાન આ કંથકોટમાં પગલાં કર્યા છે. નજીકનાં શિવમંદિરની પૂજા-પતાસર તળાવમાં સ્નાન કરી ‘પ્રસાદી’ની ભૂમિ બનાવી છે, તેવા કંથકોટ ગામના કંથડનાથ મંદિરે દર વર્ષે શ્રાવણી અમાસે મેળો ભરાય છે.
તેવા ઐતિહાસિક મંદિરના જોગી ગોપાલનાથ બાપુએ ચાર વર્ષ પહેલાં દેહ ત્યાગતા તેમના સેવકો-શિષ્યોએ લાખો રૂપિયાના ખર્ચે આરસજડિત રાજસ્થાનના કસબી કારીગરોની બેનમૂન કલાના ભાગે ‘ગુરુ મંદિર’ બંધાયું છે. વાગડના આ ડુંગરો, તળેટી, સુંદર હરિયાળી, લીલછમ વાડીઓ, ચેકડેમ, નદી-તળાવ, વનરાજીથી શોભતા અને ચાલુ સાલે કુદરતે જ્યાં સોના જેવો શાંત વરસાદ વરસાવી કૃપા કરી છે એવા 1 કિ.મી.થી વધુના ઘેરાવામાં 150 ફૂટથી વધુ ઊંચા ડુંગર કિલ્લા પર ‘કંથડનાથજી’નું મંદિર આવેલું છે. જે 2001 ના કચ્છના વિનાશક ભૂકંપમાં પડી જતાં ભગ્ન બન્યું હતું. પરંતુ સૂર્ય મંદિર, જૈન મંદિર ખંડેર છે. જે પુરાતત્ત્વ ખાતા હસ્તક છે.
જ્યારે કિલ્લામાં પ્રવેશવાનો મુખ્ય કિલ્લો પુરાતત્ત્વ ખાતાએ મરંમત કરતાં તે ઉપયોગી બન્યો છે. વિ. સંવતની 8 મી સદીના પૂર્વાર્ધમાં દાદા કંથડનાથજી મહારાજ આ કંથકોટ કિલ્લાની ભૂમિ ઉપર તપ કરતા હતા ત્યારે હાલના આ કંથકોટનું નામ ગલકાપુરી હતું. સિંધ પ્રાંત હાલના પાકિસ્તાનથી જાડેજા રાજપૂત રાજઘરાનાના રાજકુમારો જામ મોડજી અને જામ મનાઈજી આ ભૂમિ ઉપર કિલ્લો બાંધવા આવ્યા હતા.
પરંતુ વચ્ચે કંથડનાથજીનો ધુણો અડચણ કરતો હોઈ બન્નેએ કંથડનાથજીને આ સ્થળથી દૂર કરી કિલ્લાનું કામ શરૂ કર્યું. પરંતુ 7 વખત કંથડનાથજીની અવકૃપાથી કિલ્લાની દીવાલોનું બાંધકામ પડી જતું. જામ મોડજીએ દુનિયામાંથી વિદાય લીધી. તેમની કિલ્લાની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ અને રાજ્યની દશા નબળી પડી. તે વખતે ગાદીએ જામ સાળ બેઠા.
કંથડનાથજીને 4 શિષ્યો હતા. 1. ભભૂતનાથજી, જેઓ હાલે જ્યાં ભલવાવ ગામ છે, ત્યાંના કૂવામાં તપ કરતા એ કૂવો આજેય મોજૂદ છે અને ચણેલી વાવ છે. બીજા શિષ્ય રામનાથજી (રામગુરુ) જે કાગનોરા ગુફામાં તપ કરતા. આ જગ્યા ડુંગરની પૂર્વે અને ઉત્તરમાં કાગભુસંડી ઋષિની ગુફા હોવાનું મનાય છે. જ્યારે ત્રીજા શિષ્ય ચ્યવનનાથજી જે પવન ઉપર જ નભતા હતા.
ભસુનાથજી જામ સાબને લઈ તપશ્ચર્યા કરતા કંથડનાથજી પાસે લઈ જતાં તેમણે ‘નાથજી આદેશ’ ત્યારે પૂછયું કોણ છે બેટા કરી સમાધિમાંથી બેઠા થઈ આંખ ખોલી, ભસુનાજીની સાથે બાળ જામ ઊભા હતા. ત્યારે ભસુનાથજીએ કંથડનાથજીને કૃપા કરી રાજાને આશીર્વાદ આપવા જણાવતાં કરુણામૂર્તિ કંથડનાથજીનાં હૃદયમાં કરુણા વરસાવતા કિલ્લા નિર્માણના અને સુખ-શાંતિના આશિષ પાઠવ્યા અને 4 નિયમો કહ્યા.
(1) વર્ષાઋતુમાં છત્રીનો ઉપયોગ ન કરવો. (2) ખાટલા ઉપર નહીં બેસવું (3) અને કિલ્લાનું નામ ‘કંથકોટ’ રાખવું ત્યારથી ગામનું નામ ‘કંથકોટ’ પડયું. ચોથો નિયમ હતો બે માળનું મકાન નહીં બનાવવું. આમ આશીર્વાદ, રાજીપા બાદ વૈશાખ સુદ-3 અખાત્રીજ મંગળવારના સંવત 887 ના પૂર્ણ થયું અને જ્યાં ધૂણો હતો ત્યાં કંથડનાથજીની સૂચના અનુસાર મંદિર બંધાવી આપ્યું અને ત્યારબાદ રાજીપો વ્યક્ત કરી કંથડનાથજી વિહાર કરી પાટણ ગયા. જ્યાં સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી હતી. ત્યાં આજે પણ ઉંઝા તાલુકાના કંથરાવી અને બે કિલોમીટર દૂર નવાપુરા ગામે સમાધી આવેલી છે. ગામે ધૂણો છે.
કહેવાય છે કે જામ સાળે કિલ્લો મંદિર બાંધ્યા તેમના પછી લાખા ફુલાણીના ભત્રીજા પછી સિંધમાંથી જામ ઉનડો વંશ શરૂ થયો. આઝાદી સુધી રહયો કંથકોટ કચ્છ રાજ્યમાં મોટી જાગીર હતી. જામ દેદાજી તરીકે ઓળખાતા 1272 માં રાજા રાયણના ચાર પુત્રોના ભાગ પડયા, એમાં કંથકોટ જાગીર જામ દેદાજીને આવી, જેમને 82 ગામો મળ્યા. જેઓ દર વર્ષે આસો સુદ-15 (શરદપૂનમ)ના પરિવારજનો કંથકોટ કંથડનાથજી મંદિરે સ્નેહમિલન રૂપે મળે છે.
હાલે જામનું પદ કકરવા રહેતા જામ મોતીસિંહજી બાપુ ભોગવે છે.
સૂર્યમંદિર અને જૈન મંદિર કંથડનાથજી મંદિરની પાસે જ હતા, જે ઐતિહાસિક અને બેનમૂન હતા. જોવાલાયક હતા. તે તમામ કિલ્લા સાથે 2001 ના કચ્છના મહાવિનાશક ભૂકંપમાં નાશ પામતાં પુન: કંથડનાથજી મંદિરને તે વખતના મહંત તપસ્વી ગોપાલનાથજી બાપુએ જાતે બંધાવ્યા છે. જે જૂના ધ્વંસ મંદિરની પાસે છે. જ્યાં કંથડનાથજી, હિંગલાજ અને શિવમંદિર છે, જેનું નામ મહાકાલેશ્વર છે. નીચે જ્યાં ગોપાલનાથજી બેસતા ત્યાં કાલ ભૈરવ મંદિર – ભોજનગૃહ, ભવ્ય વિશ્રાંતિગૃહ આવેલા છે, જેમાં ૧પ જેટલા સગવડવાળા રૂમો, એ.સી. સહિતની સુવિધાવાળા માજી ધારાસભ્ય બાબુલાલ મેઘજીભાઈ શાહની વિવિધ સહાય અને તેમના હેઠળ દાતાના દાને બંધાયું છે.
બાજુમાં લાખોના ખર્ચે પૂ. ગોપાલનાથબાપુનું ગુરુ મંદિર છે. તો જ્યાં બેસતાં એ સ્થળે બાપુની ચિત્ર પ્રતિમા મૂર્તિ છે અને હાલના મહંત સુખનાથબાપુ ધૂણે બેસે છે. તો પીવાનાં પાણીનું ઠંડું કૂલર છે. ચોક સુંદર પેવર બ્લોકથી મઢાયું છે. જગ્યામાં સુંદર ગૌશાળા ચાલે છે જે મંદિરના સેવકો કર્મચારીઓ, સાધુ-સંતો યાત્રિકોને ચા-પાણી અને ભોજનમાં કામ આવે છે. જ્યારે ભૂકંપ બાદ જૈન મંદિર અને સૂર્યમંદિરનો કબ્જો પુરાતત્ત્વ ખાતા હેઠળ હોઇ તે મંદિરો બંધાયા નથી.
સૂર્યનારાયણ મૂર્તિ પુરાતત્ત્વ વિભાગે જાળવણી માટે રાખી છે, જ્યારે મુખ્ય દરવાજો કલાકારીગરીવાળો પુરાતત્ત્વ વિભાગે તૈયાર કરાવ્યો છે. આમ બાકીના મંદિરો પુરાતત્ત્વ વિભાગ તાત્કાલિક બાંધે તો ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સમું હરવા-ફરવાનું દર્શનીય સ્થળ સમું ઉપયોગી બની રહે. નાથ સંપ્રદાયની હિન્દુસ્તાનમાં 9 પીરગાદીઓ છે જેમાં 9 મી કંથકોટની પીરગાદી ગણાય છે. નાથ સંપ્રદાયમાં કંથડનાથજીએ જોગીને પીર તરીકે બિરુદ આપતાં ‘પીરાઇ’ તરીકે કંથડનાથના જોગી હતા. તેમનો વંશ પૂરો થતાં ‘પીરાઇ’ ખાલી રહી. પછી ભંડાર કંથડ પૂજારી થયા.
ત્યારબાદ ઉત્તરાખંડથી જોગી ગોપાલનાથ 34 વર્ષની ભરયુવાનવયે આવી ધૂણાની અઘોર કઠિનમાં કઠિન તપસ્યા કરી. હાલે જગ્યાના મહંતપદે જોગી ગોપાલનાથજીના શિષ્ય સુખનાથ બાપુ સેવા બજાવે છે. કચ્છમાં ભચાઉ, મનફરા, ભરુડિયા, કકરવા, લાકડિયા, લાખાગઢ, મોડવદર વગેરે સ્થળે કંથડનાં મંદિરો છે. જગ્યાના પૂર્ણપ્રેમી સેવક કંથકોટના દુદાણી પરિવારના બાવુભા જીતુભા જાડેજા, બળુભા સમુભા જાડેજા મંદિર વિશે ઇતિહાસની સંપૂર્ણ વિગતો આપતાં જણાવ્યું કે, કંથકોટના મુંબઇ વસતા લેવા પાટીદાર સમાજ દર વર્ષે મેળામાં આવી સેવા કરશે. ભોજન પ્રસાદની વ્યવસ્થા મેળા માટે કરે છે.
આજે પણ જાગીરમાં પૂજન, અર્ચન, વાડી સ્થાપન 4 દીવાનું થાય છે. મોટા પાત્રોમાં ‘અખંડ જ્યોત’માં 20 કિલો શુદ્ધ ઘી વપરાતું હોય છે. જેમાં 1 દીવો, ભુજના રાજાનો, 2 કંથડનાથજીના, 3 કંથકોટ જામ ટિલાતનો, 4 માતાજીની વાડી રોપાય છે તેનો હોય છે. ખડગમાં શ્રીફળ બેસાડી કળશપૂજન બાદ વાડી રોપાય છે. કિલ્લાભેર મંદિરની નીચે સુંદર હરિયાળી પ્રદેશ મનને- આંખને આનંદ આપે એવી તપસ્વી ભૂમિ રળિયામણી છે.
આઝાદી પછી પંચાયત રાજ્યમાં ગામના પ્રથમ સરપંચપદે સમુભા કેસરીસિંહજી જાડેજા બન્યા, જેઓ 1978 માં દુનિયામાંથી વિદાય લીધી ત્યાં સુધી હતા. તેમના મોટા ભાઇ જામ શિવુભા કેસરીસિંહજી જાડેજાની માનમર્યાદાથી તેમના નાના ભાઇને સમગ્ર ગામે સરપંચ તરીકે બેસાડયા હતા. તો સ્વ. કલુભાભાઇ રવાજી જાડેજા ભચાઉ તા. પંચાયતમાં સ્વ. કેશુભા ભુરૂભા જાડેજાના ગયા પછી ’79માં તેમના સ્થાને પ્રમુખ તરીકે અને કચ્છ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તો સમુભા બાપુના પુત્ર બળુભા બાપુ સને ’84માં ગામના ઉપસરપંચ બન્યા હતા, તો બળુભા સમુભા જાડેજા ભચાઉ તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખપદે સેવા બજાવી છે અને કચ્છ જિ. કોંગ્રેસના મંત્રી છે.
શરદપૂનમના જાડેજા દેદાણી પરિવારનું કંથકોટમાં દર વર્ષે સ્નેહમિલન યોજાય છે. ગામમાં વાસ્મો દ્વારા ઘર ઘર નળ યોજના દ્વારા પાણીની સુવિધા અપાઇ છે. ગામમાં સરકારી હાઇસ્કૂલની સેવાની ખાસ જરૂર છે. ગામના ભૂકંપ બાદ નવા સ્વામિનારાયણ મંદિર નિર્માણ પ્રતિષ્ઠા વખતે સંપ્રદાયના આચાર્ય પૂ. કૌશલેન્દ્રપ્રસાદજી અ’વાદથી ખાસ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની સાથે પધાર્યા હતા.
આચાર્ય પ.પૂ. કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના વખતમાં કંથકોટના કોલી ઠાકોર મોહન ભગત ઘણા વર્ષો માટે પૂ. આચાર્યના હજુરી તરીકે અમદાવાદ રહી પૂ.ની સાથે વિદેશ સહિત ગયા હતા. તેમને સેંકડો કીર્તનો કંઠસ્થ હતા. તો ગામના કણબી પાટીદાર ભુજ મંદિરમાં સંત થયા હતા. તો વિદ્વાનોમાં ગામના શાત્રી ઉમિયાશંકર હરિલાલ ઠાકર 1970 માં સમગ્ર ગુજરાતમાં સંસ્કૃતમાં સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા અને અમરેલી સરકારી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવી હતી. અનેક ભાગવતોના પઠન સાથે મૂર્તિપ્રતિષ્ઠા સહિતમાં મોખરે નામ છે.
તો અગાઉના વખતમાં કંથકોટમાં લોહાણા કેળવણી મંડળ સંચાલિત પ્રા. શાળા ચાલતી તેમાં હાલે 85 વર્ષની ઉંમરના નિર્મળાબેન ઠાકર ત્યારે પ્રા. શાળાંત પાસ કરી હતી. બહેનોમાં પણ શિક્ષણનું પ્રમાણ સારું હતું. પટેલ, દરબાર, કોળી, અનુ. જાતિ સમાજની વસ્તી છે. કિલ્લા પાસે માંગુધારમાં દલિતોના પણ દેવસ્થાન છે. હાલે લખમણ કરમણ પરમાર સરપંચપદે છે. ગામમાં આયુર્વેદિક દવાખાનું છે. ગામમાં પટેલ સંઘારની દુકાનો છે.
આધોઈથી 15, રામવાવથી 8 અને ભચાઉથી ટૂંકા અંતરે કંથકોટ 35 કિ.મી થાય છે. લાખાવટ-વામકા માર્ગથી જ્યારે ભચાઉથી આધોઈ થઈને 50 કિ.મી. થાય છેકકરવા કંથકોટ 7 કિ.મી. થાય છે જે પણ પાકો માર્ગ છે. કંથકોટનો ડુંગરાળ વિસ્તાર ચરિયાણનું ઘર હતું. મોડપર રખાલ, ખોડકા રખાલ, ઘેરુડા રખાલ સહિતની રખાલમાં સરકારના વનવિભાગ દ્વારા ખર્ચ કરી ઘાસ ઉગાડવામાં આવે છે. તો કંથકોટના મોહનલાલ તેજપાર ઠક્કર અને મનસુખલાલ મીરાણી (ઠક્કર) મામલતદાર તરીકે સેવા બજાવી હતી. તો બાબુલાલ ચોખાવાલ કણબી પટેલ મુંબઈમાં કરાટેની તાલીમ આપતા. તો ભચાઉના સરસ્વતી વિદ્યાલય – પટેલ બોર્ડિંગ શિક્ષણના કાર્યમાં સેવા બજાવી હતી.
બાબુભા જાડેજા સહિત ગામના સેવાભાવી છે. કંથકોટના પટેલો મુંબઈમાં વિવિધ ધંધા રોજગારમાં આગળ પડતા છે. તો મયૂરસિંહ રાહુભા જાડેજા સોફ્ટવેર ઈજનેર થયા છે. જ્યારે ભુજમાં ધારાશાત્રી તરીકે બાલુભા નરેન્દ્રસિંહ જાડેજા સેવા બજાવે છે. વિશેષ વિગતો બળુભા સમુભા, બાવુભા જાડેજા અને ભાનુશંકર રાવલે આપી હતી.
– સાભાર ભરત ભાઈ બારોટ (અમર કથાઓ ગ્રુપ)