“કાનુડાએ આજ કલમ લીધી” દેવાયત ભમ્મરની આ કવિતામાં કાનુડાને પ્રિય વસ્તુઓ અને પાત્રોનું વર્ણન છે.

0
401

કાનુડાએ આજ કલમ લીધી, લખવા બેઠો લાટ.

ગોકુળ લખે, ગોવર્ધન લખે, લખે જમનાજીનાં ઘાટ.

ગાય લખી એણે ગૌદરો લખ્યો.

લખ્યાં વૃંદાવન વ્હાલ.

જ્યાં ભાઈબંધુનો સાથડો લખ્યો.

ત્યાં ભીંના થઇ ગયા ગાલ.

દ્વારિકાના આ નાથની આજે ટચલી ગઈ લલાટ.

કાનુડાએ આજ કલમ લીધી લખવા બેઠો લાટ.

મટકી લખી ને મૈયારા લખ્યાં.

ને લખ્યા મથુરાના પંથ.

વ્હાલે વાંસલડીના સુર ના લખ્યાં.

એણે લખ્યા વાંસના વન.

કદમ કેરી ડાળ લખી પછી જોયી શ્રીરાધાજીની વાટ.

કાનુડાએ આજ કલમ લીધી લખવા બેઠો લાટ.

નયનો ઓલ્યા નંદલાલાના,

જાણે જમુનાજીમાં પૂર.

જશોદાજી સામે કાલાવાલા આ.

સંભળાયા બનીને સુર.

ગૌમતી કાંઠે ગજબ લાગે ‘દેવ’ નિમાણો મારો નાથ.

કાનુડાએ આજ કલમ લીધી લખવા બેઠો લાટ.

– દેવાયત ભમ્મર.

(તસ્વીર પ્રતિકાત્મક છે)