કર્ણનો અવતાર કહેવાતા ‘શેઠ સગાળશા’ પર બનેલી આ અદ્દભુત રચના વાંચવા જેવી છે.

0
2180

શેઠ સગાળશા (કર્ણનો અવતાર) :

બીલખા આશરે ૧૨૦૦ વર્ષ જૂનો ઇતિહાસ,

શેઠ સગાળશા વ્રતને સેવે ને વાણિયો પાળે ઇ વ્રત,

નો મળ્યા સાધુ રિયા અપવાસી તોડવા આવ્યો તપ,

કરશનજી કોઢીયો થઈને,

વેશ અતિતનો લઈને,

ખનતે ભોજન ખીરના કીધા,

પીરસી દીનાનાથ ને દીધા,

ખીર રોટલી અમે જમતા નથી અન્નનો નથી આહાર,

માજન અમે માંસ ખાનારા એમ બોલ્યા કિરતાર,

મળી તમે નર નારી,

વાત મારી લેજો વિચારી,

માટી અમે માણસની જમીએ પરમાટી નહિ ત્યાગ,

અઘોર પંથે રેવું અમારે ખેલવી ખાંડાની ધાર,

વાણિયા તારી વરતી ડોલે,

બાવો આજ અવળું બોલે,

ભાગ ચેલૈયા ભાગી જાને માનને મારી અતીત,

માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો અતીત,

ઘુતારો ધુતી જાશે,

પાછળ પસ્તાવો થાશે,

ખડીયો પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘરે જાય,

માવતર કેરા ગુણ ઘણા એ કેમ કોચીગણ થાય,

સાધુ જો ભૂખ્યો જાશે,

અપવાસી ને આંટો થાશે,

ચટક ચટક ચાલ્યો ચેલાયો લાગ્યો સાધુ ને પાય,

જનની મારી જુવારશે તુજને જરીએ નહિ ઝંખવાય,

છેલ્લા સીતારામ છે તુને,

બાપુ ખાજે મોકળે મને,

બાપ જાણી ને કહું છું બાવા મારે પેટ છે મહીનાય પાંચ,

આશરો રઘુરાયનો એને ઉની ન આવે આંચ,

બેઠો હવે થા મા બાવા,

જમ્યા વિના નહીં દઉં જાવા,

ચંગાવતી એ કટાર લઈને માંડી છે પેટમાય,

પ્રભુ એ એના હાથ જ ઝાલ્યા વરતાણો જય જયકાર,

સાચા તમે વ્રતધારી,

જોઈએ તે લેજો માંગી.

નોંધ : અમે ફક્ત આ રચનાને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ, આના રચયિતા કોણ છે તેની અમને જાણ નથી.