કરેલા કર્મનું ફળ ભગવાન આપે જ છે, એક સત્ય ઘટના પરથી સમજો આ વાત.

0
1200

“દૂધ” (એક સત્ય ઘટના)

લેખક : ધડુક દેવ ભરત.

ગીર પંથકનાં એ નાનકડા એવાં નેહડામાં ડુંગરની પાછળ ધીરે ધીરે સુરજ આથમી રહ્યોં હતો. પંખીડાઓ પણ જાણે પોતાનાં માળા તરફ જવા દોટ મુકી રહ્યાં એમ ઝડપથી ઊડી રહ્યાં હતાં. અને પોતાની પાંખો ફફડાવીને સુરજને ઢાંકી ન રહ્યાં હોય અદ્દલ એવું રૂપક આજે ખુલ્લાં આકાશમાં લાગતું હતું…!!

ત્યાંરે રોજની જેમ આજે પણ સંધ્યા ટાણે રુપલી રબારણ પોતાને આંગણે બાંધેલી ગીર ગાયને દોંહી રહી હતી…. ત્યાંજ એનો પાંચ વરસનો દિકરો મેરામણ મોઢામાંથી વિચિત્ર અવાજ કાઢીને લાંબે હાથે ઈશારા કરીને કંઇક માંગી રહ્યોં હતો.!! એટલે ગાયને દોંહી રહેલી રુપલી સમજી ગઇ કે મેરો ભૂખ્યો થયો છે એટલે ખાવાનું માંગી રહ્યો છે. એ આવી હો બટા” લે… લે… મારાં મેરાને બવ ભુખ લાગી સે? મારાં કાનુંડાને દુધ પીવું સે?” હમણાં ગાય દોંહીને આવું હો દીકરા…….!”

રુપલી વ્હાલ ભરી નજરે મેરામણ સામું જોઈને આટલું બોલી ત્યાં’તો ગાયનાં આંચળે પણ દૂધની ધારા પાછી વાળી લીધી હતી. એટલે ફીણ સોતાં કઢીયેલ દૂધનાં બોઘયંણાં સાથે રુપલી મેરામણને કાખમાં તેડીને રસોડામાં ચાલી ગઇ.

રુપલી કરશન સોંડાને પરણીને ઘરે આવી ત્યારથી પત્થર એટલાં દેવ પૂજ્યાં ત્યાંરે માંડ બાર વર્ષે ઠાકરઘણીએ રુપલીનાં ખોળામાં દૂધનાં ફીણ જેવો રૂડો રૂપાળો દિકરો દિધો હતો, ત્યાંરે કરશન સોંડાનાં ઘરમાં લાપસીનાં આંધણ મુકાયા અને નાતીલાંની સાથે સાથે આખા નેહડાને પણ એક પંગતે જમાડીને કરશન સોંડાએ ચાકો પાડી દિધો હતો, અને રુપલીએ તેનાં કાનુંડાનું નામ મેંરામણ રાખ્યું હતું…!!

પણ આ શું?… મેરામણ પાંચ વરસનો થયો હોવાં છતા પણ પોતાની કાલીઘેલી ભાષામાં “બા’ શબ્દ પણ બોલી શકતો નહોતો.! મેરામણ ચાર વરસનો હતો ત્યાંરે ગામડાનાં વેંદૌ, હકીંમોં, અને શહેરનાં નામાંકિત ડોક્ટરોને બતાવ્યું ત્યારે ખબર પડી કે મેરામણ કોઈ જન્મજાત ખામીને લીધે ક્યારેય પણ બોલી નહીં શકે.!! પછી રુપલી અને કરશન દોરા ધાગા, હોમ હવન અને તંત્ર મંત્રનાં રવાડે ચડ્યા પણ મેરામણ ન બોલ્યો તેં નજ બોલ્યો…!! અને આ વાતનો કરશન સોંડાને મેરામણ ને લઇને કાયમ ખટકો રહેતો હતો કે કાળિયા ઠાકરે મને આટલાં વર્ષે માંડ દિકરો દિધો એ પણ સાવ મૂંગો..!

પણ રુપલીનાં મોંઢા ઉપર મેરામણ પ્રત્યેની મમતા અને વાત્સલ્ય ભાવમાં કોઈ ઉણપ ન્હોતી જણાતી. કારણકે રુપલી આખરે એક માં હતી ને ‘કોઈ માને પોતાનું સંતાન ભલેને ગમે તેવું બાડ઼ુ, બોમણું કેમ ન હોય..!’ પણ માની મમતા અને માના માતૃપ્રેમમાં ક્યારેય પણ ઉણપતાં નો આવે તેથીજ આ જગતમાં પિતા કરતાં માતાનાં સ્થાનને સર્વોચ્ચ માનવામાં આવે છે…!!

પણ..હા…! જયારે નેહડાનાં બીજાં છોકરાઓને પોતાની માં હાર્યે કાલીઘેલી ભાષામાં વાતું કરતાં જોઈને રુપલીને હૃદયમાં થોડીક પીડા જરૂર થતી કે… કાશ મારો મેરામણ પણ બોલી શકતો હોત… તો આજે મારાં કાને પણ માં…. માં શબ્દ અથડાતો હોત. ખૈર….જેવી કાળીયા ઠાકરની મરજી એમ માનીને રુપલી ત્યાંરે પોતાનું મન મનાવી લેતી હતી…. અને કયારેક કયારેક રુપલી ધૂપ-દિવા ટાણે ભગવાનને મીઠો ઠપકો પણ આપતી રહેતી કે ‘હે મારાં નાથ તે મુંઇ અભાગણીને દૂધના ફીણ જેવો દિકરો તો દિધો પણ સાવ મૂંગો કેમ દિધો? એવાં તો મેં શું પાપ કર્યા છે કે એની સજા મારો ફુલ જેવો મેરામણ ભોગવી રહ્યો છે? હે… મારા નાથ સૌ સારાવાના કરજો રક્ષા કરજો મારાં બાપ…!!

એક દિવસની વાત છે પોષ મહિનાની હાડ થીજવતી ફુલ ઠંડીમાં વહેલી સવારે કરશન સોંડાનાં ઘરની પાછળનાં ઉકરડા જેવી એક ભેખડનાં બાકોરામાં કુતરી વિયાંણી હતી, ત્યાંરે કરશન સોંડાએ બચ્ચાની સલામતી માટે કોથળા બાંધીને આડશ ઊભી કરી દિધી હતી, અને રુપલી કુતરી હાંટુ તેલનો શિરો પણ પ્રેમથી બનાવીને મુકી આવી હતી….!! હવે બન્યું એવું કે બે દિવસ પછી કોઈ અકસ્માત યા કોઈ જનાવરનાં દ્રારા થયેલ હુ મલાની ગંભીર ઇજાને કારણે એકી સાથે સાત રાભડા જેવાં બચ્ચાને રઝળતા મુકીને એ કુતરીમ રીગઇ..!!

રુપલી જયારે ઘરનું આંગણું વાળીને કચરાનો સુંડલો નાંખવા તેં ઉકરડે ગઇ ત્યાંરે બચ્ચા પાસે પડેલી કૂતરીને જોઈને જ રુપલી હાયકારો નાંખી ગઇ…!અરરર… હે ભગવાન… હવે આ બિચારાં બચ્ચાનું શું થાહે? રામ…. રામ….રામ… હજી તો આ ફુલડા જેવાં ગલુંડાની આંખો પણ ઉઘડી નથી..!! હે કાળીયાં ઠાકર…

અને પછી તો એક પળનો પણ વિચાર કર્યા વગર રુપલી સાતેય બચ્ચાને સુંડલામાં નાંખીને પોતાને ઘરે લઇ આવી હતી, અને ત્યાંરે જયાં સુધી ગલુંડીયાં મોટાં ન થાય ત્યાં સુધી આપણે આંગણે બાંધેલી ગીર ગાયનું દૂધ ન પીવું, અને થોડુંક દિકરા મેરામણ માટે રાખીને બાકીનું બધુ જ દૂધ આ બચ્ચાને પીવડાવી દેવું એવું કરશન અને રુપલી એ મનોમન નક્કી કરી લીધુ હતું..!!!

અને આ બાજું રુપલી પણ સાતેય ગલુંડાઓને પોતાનાં પેટના જણ્યાં દીકરાની જેમ ઉછેર કરવાંમાં લાગી ગઇ હતી..!!!! અને આ વાત હાલનાં સમયમાં કોઇને બુદ્ધિગમ્ય નહીં લાગે. કારણકે આવી વાતું બુદ્ધિથી નહીં પરંતું દિલથી પકડાતી હોય છે. આ બુદ્ધિ બહારનો વિષય છે. આજે શ્રદ્ધા, પ્રેમ અને કરુણાની આગળ વિજ્ઞાન પણ પાંગળું સાબિત થયું છે.. એ પણ એક હકિકત છે કે મેં આ કિસ્સો ખુદ મેરામણનાં મોઢેથી સાંભળ્યો છે જેનો હું ખુદ સાક્ષી છું…!!!

જયારે સાત આઠ મહિને આ ગલુંડીયાં વયસ્ક થઇને રુપલીનાં આંગણેથી આપમેળે વિદાય થયાં ત્યાંરે બીજે દિવસે સંધ્યા ટાણે ગાય દોંહતી વખતે અચાનક રુપલીનાં કાને મધુર રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો

“બા…… બા…… બા…. મને બોવ ભુખ લાગી છે….”જલદી ખાવાનું આપને..!! રુપલી એ પાછળ ફરીને જોયું તો મેરામણ બોલી રહ્યો હતો, અને રુપલી………….

જય સિયારામ…!!

લેખક : ધડુક દેવ ભરત.