“કરસન પટેલનું ખોરડું” : એક મેક પરના વિશ્વાસની આ સ્ટોરી આપણને ઘણું બધું શીખવી જાય છે.

0
919

કરસન પટેલનું ખોરડું ઘસાયું જરુર હતું પણ ટુટ્યું નહોતું. એક સમય હતો કે ઘરે ચાર કુંઢી ભેંસોનાં દૂઝણાં હતાં. ત્રણ ગાયું નું દૂધ માત્ર ઘર વપરાશ માં જ વપરાતું. ગામનું લોક વાત કરતું કે કરસન ના બાપ પરબત પટેલ જેવું મનેખ મલકમાં ગોત્યું ન જડે. આઠ આઠ સાંતીની જમીન, નારિયર ના પાણીને ટક્કર મારે એવું પાણી ધરાવતા કુવા વાળી બાર એકરની વાડી, હારિપું કરતા સાત સાત હારિ નાં ભાતું કરવા પટેલના ઘરના ચુલા વહેલી પરોઢે જ પેટી જાતા.

હાથની હથેળી જેવા જાડા બાજરીના રોટલા,માખણ ભેગું પાશેર ગોળનું દળબું અને ઘાટી મોરી છાશનો કળશ્યો, દેશી ડુંગરીનો દળો અને તાજાં તીખાં તમતમતાં મરચાં નું શિરામણ કરીને હારીઓ ત્રણદાળાનું કામ એક દાળામાં પતાવી નાખે એમાં કઈ નવી નવાઈ ની વાત હતી? અને, પરબત પટેલની ઉદારતા ક્યાં અછાની હતી? હારીપું કરનારાને સિઝન પત્યે પગાર ઉપરાંત બે જોડી અસલી માદરપાટનાં ઘોરાં દૂધ જેવાં કેડિયાં, રામજી મોચી પાસે વરાવેલાં અસલી ચામડાનાં ચાંચવારાં કાંટારખાં, પાંચ ઝૂડી ટેલિફોન બીડી ને માથે ધોરી બીડી (સિગરેટ)નું એક ખોખું….પરબત પટેલનું હારીપું મળે એ પોતાને ભાગશાળી માનતા…

ગામના મહાજન સાકરચંદ શેઠ અને પરબત પટેલની ભાઈબંધી ના દાખલા આખા પંથકમાં દેવાતા. અને દેવાયજ ને , ચાર ચાર દકાર વરસ માં પરબત પટેલની પટલાઈ પણ જ્યારે પાછી પડતી દેખાણી ત્યારે સાકરચંદ શેઠની શેઠાઈ દિપી ઊઠી. શેઠની દુકાનેથી સતત એક વરસ લગી પટેલના ઘરે કરિયાણું, રાશન પાણી પહોંચતાં રહ્યાં. પરબત પટેલની વચેટ દિકરીના સિમંતનો પ્રસંગ પણ રંગેચંગે ઉજવાયો. અને જ્યારે પરબત પટેલ નાં મા પાછાં થયાં ત્યારે બારમા માં ધુમાડાબંધ ગામજમણ તો લોક આજેય નથી ભુલ્યું. તો સામે પા પરબત પટેલના પણ શેઠ ઉપર ક્યાં ઓછા ગણપાડ હતા?

બાપાએ એરંડા અને કપાસના સટ્ટામાં જ્યારે બધું ગુમાવ્યું ત્યારે સાકરચંદ શેઠ ગામ અને ઘરબાર છોડી આ ગામમાં આવેલા. ગામમાં કણબી પટેલોની મુખ્ય વસ્તી. પરબત પટેલનું પ્રભુત્વ. પરબત પટેલને એક બે વખત ખેતીની જણસોની ખરીદી માટે અલપઝલપ મળવાનું થયેલું ત્યારેજ પટેલની ગરવાઈ માપી લીધેલી. ગામમાં આવીને સીધા સૌ પ્રથમ પરબત પટેલની ડેલીએ ગયેલા એ શેઠ હજુ પણ ભુલ્યા ન હતા. તેમને એ મુલાકાત હજુ નજર સામે તરવરતી હતી. “એ પધારો શેઠ, રામરામ, આજ અમ આંગણું પાવન કર્યું.” કહેતાં પટેલે ઢોલિયા પરથી ઉતરી પોતાનું અને બાપાનું લાગણીસભર સ્વાગત કરેલું.

બાપાને અને પોતાને ઢોલિયે બેસાડી ખબરઅંતર પૂછ્યા અને શિખામણનો વિવેક કર્યો. બાપા વાત કરતાં ખચકાતા હતા ત્યારે પોતે વાતનો દોર હાથમાં લઈ કહેલું, “પરબતભાઈ, તમેતો બધું જાણો જ છો છતાં કહું છું, બાપાએ સટ્ટામાં બધી મૂડી ગુમાવી છે, લેણિયાતો નાં લેણાં તો ભરી નાખ્યાં એટલે આબરુ રહી ગઈ છે, પણ હવે ધંધો કેમ કરવો? કાલ સુધી જે શેઠ-શેઠ કરતાં નહોતા થાકતા તે સામું જોવા તૈયાર નથી, સગાંસંબંધીઓ પણ સામું જોતાં કતરાય છે, એટલે ન છૂટકે ગામ મૂકી તમારા ગામમાં ધંધો શરુ કરવાનો વિચાર છે”.

પટેલે કહેલું, પેલાં શિરામણ કરી લ્યો, પછી આપણે ધંધાની વાત વિચારીએ. અને પછી ગરમાગરમ જુવારના રોટલા, ગોળનું દડબું, દેશી ગાયના ગોરસનું તાજું ઘી, લીલાં મરચાં અને તાજાદૂધનું શિરામણ પતાવી ફરી ઢોલીયે બેઠા. શેઠની ચકોર નજરે એ પણ નોંધી લીધું કે પટેલના પત્ની મોંઘી બેને તેમના શિરામણ માં ડુંગળીના દડાને બદલે લીલાં મરચાં મુકી તેમના શ્રાવકપણાનો આદર કરેલો.

ઢોલિયા પર બેસતાં પટેલ બોલ્યા, ” બોલો શેઠ, તમારે ધંધા માટે શું જોઈએ? બજારમાં મારી ચાર દુકાનો છે એમાં ઉતરાદા મોઢે બારણા વારી દુકાન મોટી અને મોકાની છે. પડખે બે વખારું પણ મારી જ છે. રહેવા માટે ફળિયાના મોઢે જે બે પાકા ઓરડાવાળી ભેણી આવેલી છે એ આપણી છે. એટલે તમતમારે મન થાય ત્યારે પધારો અને ધંધો શરુ કરો. ભાડા બાબતે પછી જોઈ લેશું.”

આમ ધંધાની જગ્યા અને રહેવાની સમસ્યા તો હલ થઈ પણ ધંધા માટે મૂડીનું શું કરવું? બાપાએ પટેલની ડેલીનાં કમાડ બંધ કરી સાથે લાવેલ થેલી માંથી પોતાની પત્ની અને પુત્રવધુના 90-100 તોલાના હેમના દાગીના અને આશરે દસેક કિલો ચાંદીની પાટ પટેલ સામે ધરી કહ્યું, “પટેલ, દુકાન મકાનની તો ચિંતાનો તમે મટાડી દિધી. હવે આ દાગીનાની સામે દોઢ-બે લાખ રૂપિયા નો વેંત કરી દો, ધંધા માટે મૂડી તો જોશે માટે તમે કહેશો તે વ્યાજ આપશું.” પરબત પટેલે દાગીના સામે થોડીવાર જોયા કર્યું.

પછી ઘરમાંથી પટલાણી ને હાકલ કરી બોલાવ્યાં. પટલાણી લાંબો ઘુમટો તાણી ડેલી ની કોરે ઊભાં રહ્યાં ત્યારે બાપા બોલેલા, ” દિકરી, ભાઈ અને બાપાની લાજ કાઢવાની ન હોય.” અને પટલાણીએ ગરવાઈથી ઘુમટો હટાવતાં કહેલું, “બાપા, તમારા ભાઈ કે દિકરો સંજોગવશ મુશ્કેલ સમયમાં મદદ માગવા આવે તો તમે મદદ કરો ત્યારે શું વહુ દિકરીના દાગીના ગિરવે રાખો?” સંતોષ બેન તો મારી મોટી બેન અને શારદા તો મારી દિકરી જેવી ગણાય. તેમના દાગીના ગિરવે રાખીને મદદ કરું તો મારી પટલાઈ લાજે. દાગીના પાછા થેલી માં નાખો, રુપિયાનો વેત પટેલ કરી દેશે.”

સાકરચંદ શેઠ અને બાપા તો આભા જ બની ગયેલા. ઘેર જઈ સાકરચંદ શેઠે મા સંતોષ બેન અને પત્ની શારદા ને આખી બિના વર્ણવી ત્યારેજ બન્ને ના હૈયે મોઘીબેન નું માનસચિત્ર એક દેવી સ્વરૂપે અંકાઈ ગયેલું.

આમ એક- મેકના પુરક બનેલા બન્નેની જોડી કૃષ્ણ- સુદામા ની જોડી ગણાવા લાગી. સાકરચંદ શેઠે પોતાની આવડત, હોંશિયારી અને ઈમાનદારી થી આજુબાજુના ગામના લોકોનો પણ વિશ્વાસ સંપાદન કરી ધંધો બરાબર જમાવી દીધો. ગામના અન્ય વેપારીઓ અને મહાજનનો પણ આદર પામ્યા. બાપા સટ્ટાની નુકસાનીનો ગમ ભૂલી શકતા નહતા. તેમણે દુકાને આવવાનું બંધ કરી દીધું હતું.

સવાર સાંજ અપાસરે સમાક અને પારસનાથ પ્રભુની પૂજા કરતાં કરતાં બાર મહિનામાં ગુજરી ગયા ત્યારે ખરખરે આવેલ મહેમાનોનો ઉતારો અને આગતા સ્વાગતા પરબત પટેલે ઉપાડી લીધેલી. પરબત પટેલનો દિકરો કરસન અને સાકરચંદ શેઠ સરખે સરખી ઉમરના. પણ કરશન પટેલ આખો દાડો ખેતીવાડી માં આ વાડીથી પેલી વાડી અને આ ખેતરથી પેલા ખેતર ફરતા રહેતા. વળી તેને બાપાનો સાકરચંદ શેઠના ઘર સાથેનો ઘરોબો વધારે પડતો લાગતો.

વળી તેના ગોઠિયા સાથીદારો વાણિયાનો ઝાઝો ભરોસો ન કરાય એવી કાન ભંભેરણી કર્યા કરતા. આથી બન્ને વચ્ચેનું અંતર ધીરે ધીરે વધવા લાગ્યું હતું. પરબત પટેલના ધ્યાનબારે આ વાત ન હતી. દિકરા કરસન માં કોઈ કલખણ ન હતાં પણ પોતાના જેવી હોંશિયારી, માણસને પારખવાની શક્તિ અને દીર્ધદ્રષ્ટિની ઉણપ તેમણે પારખી લીધી હતી. કરસનની 17 વરસની દિકરી રાધાની સગાઈ ગામનાજ ઊંઝા રહેતા પટેલ વશરામભાઈના દિકરા યોગેશ સાથે કરેલી.

યોગેશ એગ્રીકલ્ચર યુનીવર્સિટી માં થી સ્નાતક થી ખેતીવાડી અધિકારી તરીકે સરકારી અમલદાર બન્યો હતો. વશરામભાઈનું ઊંઝાના ગંજબજારમાં આડતિયા તરીકે સારું નામ હતું. તેમની ગણના માતબર માણસોમાં થતી. જો કે સામાજિક સ્તરે પરબત પટેલની નામના તેમનાથી ઘણી વધારે હતી, તેથી છાના ખૂણે પરબત પટેલથી પોતાને ઊંચા દેખાડવાનો કોઈ મોકો ન ચૂકતા. પરબત પટેલે આગમચેતી વાપરી એક દિવસ સાકરચંદ શેઠને પોતાના ઘરે બોલાવ્યા.

છાને ખૂણે કોઈનીય જાણ વગર શેઠને 70 તોલોના સોનાના દાગિના અને ચાર લાખ રુપિયા રોકડા તેમજ બાજુના ગામની સીમમાં પોતે લીધેલાં 14 એકર અને 18 એકરનાં બે ખેતરના દસ્તાવેજ પણ શેઠને આપતાં કહ્યું, “સાકરચંદ, આપણા દોઢ દાયકાના સબંધને નાતે મેં તારી ઈમાનદારી જોઈ છે. હું તો હવે ખર્યુંપાન ગણાઉં. મોંઘી પાછી થયાને આ અમાસે દોઢ વરસ થાશે. કરસનમાં કોઈ અવગણ નથી. પણ, તે ભોળો છે અને ભાઈબંધોની વાતુંમાં આવી જઈ આપણા સબંધોમાં સ્વાર્થ જુએ છે.

તેની દિકરી નું સગપણ કર્યું છે એ વશરામને હું સારી રીતે ઓળખું છું. જમાઈ યોગેશમાં કાંઈ કેવા પણું નથી, પણ વશરામ મોકો મળશે તો આપણી આબરુ ઘટે એવું કરતાં નહીં ખચકાય. માટે આ સોનાના દાગીના અને રુપિયા તારી પાસે રાખ અને જયારે કરસન ને તકલીફ પડે ત્યારે પડખે ઉભો રહેજે. આ તારે ભરોસે રાખું છું. રાધાનાં લગન માં કોઈ કમી ન રહે એ જો જે, નહિંતર મારી વરસો જૂની આબરુ પર પાણી ફરી જશે.”

“પરબત કાકા, ભગવાન પારસનાથની સાખે વેણ દઉં છું કે, કરસન ની દીકરીનાં લગન મારી દીકરીનાં લગનથી પણ વિશેષ લગનીથી કરાવીશ, તમારી અમાનત સર માથા પર.” અને જાણે માથેથી મણ મણનો ભાર ઊતરી ગયો હોય તેમ પરબત પટેલ હળવાફુલ થઈ ગયા.

પરબત પટેલની અમાનત લઈ શેઠ ઘરે પહોંચ્યા. પોતાની મા સંતોષબેન અને પત્ની શારદાને બોલાવી આ દાગિના અને રુપિયા એમની હાજરીમાં પારસનાથ પ્રભુની આણ દઈ પટારામાં સાચવ્યા.

આ વાતને દસેક દિવસ થયા હશે ત્યાં એમનો અમદાવાદ ભણતો દિકરો નિશાંત અચાનક આવી ચડ્યો. નિશાંત ભણવામાં અત્યંત મેઘાવી હતો. અમદાવાદની વિખ્યાત એન્જીનિયરિંગ કૉલેજમાં કૉમ્પ્યુટર ઐનન્જીનિયરીંગમાં એડમીશન લીધેલું પણ તેને એરોનોટિકલ એન્જીનિયરીંગમાં વધારે રસ હતો એટલે તે સતત ઈન્ટરનેટ પર વિદેશી યુનિવર્સિટીઓ માં ઓનલાઈન એડમિશન માટે મથ્યા કરતો. ગઈ કાલે અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટી માંથી એડમીશન કન્ફર્મ થયાનો મેલ આવ્યો હતો.

એક મહિનાની અંદર રુપિયા અઢાર લાખ ફિ, લોજિંગ-બોર્ડિંગ આદિના ભરવાના હતા. આટલી રકમની સગવડ થવાની હાલ કોઈ શક્યતા ન હતી. હજુ તો ગઈ સાલે જ દિકરી અંજુનાં લગ્નમાં રૂપિયા સત્યાવીશ-અઠ્યાવીશ લાખનો ખર્ચ કરી ચૂક્યા હતા. બાવળાના જિનમાં પિસ્તાલીશ લાખ રુપિયાની રૂ ની ગાંસડીઓ વેચાણા વગરની પડી હતી. આ વરસે પહેલી વખત જ ચાર દિવસ અગાઉ પંદર લાખનું જીરું લઈ કોલ્ડ સ્ટોરેજમાં નાખ્યું હતું. સાંજે વાળુ કરી, ચોવીયાર નાં પચખાણ લઈ બાપ-દિકરો અને પોતાની મા -નિશાંતની દાદી સંતોષબેન દિકરાને અમેરિકા ભણવા જવા માટેના ખર્ચા ની વ્યવસ્થા કેમ કરવી તેની ચર્ચા કરવા બેઠાં.

હાલના સંજોગોમાં તાત્કાલિક આટલી રકમની વ્યવસ્થા અસંભવ લાગતી હતી, વળી, દાદી સંતોષબેન નિશાંતને અમેરિકા ભણવા જવા દેવાના વિરુદ્ધ હતાં. ત્યાંજ નિશાંતની મા શારદાબેન વાતમાં જોડાયાં. તેમને દિકરો અમેરિકા ભણવા જાય તેવી હોંશ હતી. જયારે શેઠે આટલી રકમ એકઠી કરવી મુશ્કેલ છે એવી વાત કરી ત્યારે એક માનું દિલ દિકરાના ભણતરના મોહમાં આવી ગયું. તેમણે સહેજ અચકાતાં વાત મૂકી, “ઘરે પરબત કાકીના દાગીના પડ્યા છે, એના ઉપર બેંકમાંથી સહેજે આઠ દસ લાખની લોન મળી જાય, બાકીના રોકડા પડ્યા છે તે બધા મળીને ચૌદ-પંદર લાખનો મેળ થાય,

વધ-ઘટના રુપિયા હું મારા ભાઈ પાસેથી અપાવી દઉં. છોકરો અમેરિકા ભણી ગણીને આવશે તો પાંચમાં પૂછાશે. અને આપણો માલ વેચાય એટલે દાગીના અને રૂપિયા ફરી લઈ લેશું, બા તમેં શું કહો છો?” કહેતાં તેણે સંતોષબેન તરફ જોયું. વાતતો વાજબી લાગતી હતી, પણ સંતોષબેને જોયું કે દિકરા સાકરચંદની આંખનો રંગ ફરી ગયો છે એટલે તેમણે મૌન રહેવામાંજ ડહાપણ માન્યું.

શેઠ શારદાબેન સામે જોઈ ગંભીર સ્વરે બોલ્યા, “શારદા, લગન કરી આ ઘરમાં આવ્યે કેટલાં વર્ષ થયાં? આટલા વરસોમાંય તું આ ઘરની નિતિમતા, રીતભાત ન ઓળખી શકી? કદાચ ઉપરથી ખૂદ ભગવાન આવીને એ દાગિના અને રૂપિયા માંગે તો પણ હાથ ન લગાવવા દઉં સમજી. જે ભરોસો આ અમાનત મુકનારને મારા પર છે એના પર એક ડાઘ પડે તો તો ધૂળ પડી મારા જીવતરમાં. આજ પછી આ વાત કયારેય ન કરતી.” સવારે વધારે વિચાર કરશું કહેતાં હાથમાં માળા લઈ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કરવા જતાં પહેલાં નિશાંત તરફ જોઈ કહ્યું, “બેટા નિશાંત, તું અમેરિકા ભણવા જા એવું હું પણ ઈચ્છું છું, પણ એના માટે કોઈએ મારા પર મુકેલ ભરોસો હું હરગિઝ ન તોડી શકું.

તું વિચાર કર, બેંક લોન કે અન્ય વ્યવસ્થા થઈ શકે તેમ હોયતો વિચાર. વધારે વાત સવારે કરશું.” કહી, માના ચરણસ્પર્શ કરી શેઠ નવકાર મંત્રની માળા ફેરવવા ચાલ્યા ગયા.

દામ્પત્ય જીવનના આટલાં વરસોમાં આ પહેલો પ્રસંગ હતો જેમાં શેઠે પત્નીને આટલું કહ્યું હોય. નિશાંત પણ સમજદાર હતો, તેને પણ પિતાજીની વાત સાચી લાગી હતી. માની વાત વ્યવહારુ હતી પણ પિતાજીના સિદ્ધાંત સાથે બંધબેસતી નહતી. તે પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં સુઈ ગયો.

બીજા દિવસે વહેલી પરોઢે ત્રણેક વાગ્યે સાકરચંદ શેઠના ઘરની સાંકળ ખખડી. આટલા વહેલાં કોણ હશે? વિચારતાં શેઠે ખડકી ખોલી. સામે ખભે પંચિયું નાખી ઉભેલા કરસન પટેલના સાળાએ સમાચાર આપ્યા કે પરબત પટેલ ગામતરું કરી ગયા છે અને સવારે સાત વાગે કાઢી જવાનું નક્કી કરેલ છે. આટલા સમાચાર આપી ને તે ગયો. શેઠે સફેદ ઝબ્બો-ધોતિયું અને શારદાબેન સફેદ સાડી પહેરી ઝડપથી તૈયાર થઈ પરબત પટેલની ડેલીએ પહોંચ્યાં.

ઘણા ખરખરે જઈ ચુકેલા સાકરચંદ શેઠ મૃતકની પાછળ છાતી કુટવાના કે પોક મૂકી રડવાના વિરોધી હતા, તેને તે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ગણી કર્મબંધનનું કારણ માનતા. એના બદલે જાપ-ધર્મધ્યાન કરવું જોઈએ એવી તેમની દ્રઢ માન્યતા હતી કેમકે તે ચુસ્ત જૈન હતા. તેના જેવો ભડ માણસ પણ આજે પોતાની લાગણીઓ કાબુમાં ન રાખી શક્યા અને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા.

આસપાસના લોકોએ તમને શાંત પાડ્યા. પછી તેમણે કરસન પટેલ પાસે જઈ પ્રેમપૂર્વક સાંત્વના પાઠવી. અંતિમવિધિ પતાવી,ઘેર આવી સ્નાનાદિક વિધિ પૂર્ણ કરી પ્રભુભજનમાં પ્રવૃત થયા.

આજે દુકાન ખોલવાની ઈચ્છા ન થઈ. આ દરમ્યાન માતા સંતોષબેન અને નિશાંત પણ કરસન ભાઈને ત્યાં જઈ સાંત્વના આપી આવ્યા. બપોરે નિશાંત પિતાજીને મળી અમદાવાદ નિકળી ગયો. જતાં જતાં તેણે પિતાજીને કહ્યું કે અમેરિકાની ફી ની ચિંતા ન કરજો. હું બેંક લોન અથવા અન્ય રીતે વ્યવસ્થા કરી લઈશ.

દસ દિવસ પછી નિશાંત નો ફોન આવ્યો કે તે સાકરચંદ શેઠ ના લંગોટિયા મિત્ર મનસુખલાલ પાસે સુરત ગયો હતો અને ફી નાં નાણાં ની વ્યવસ્થા કરાવી લીધી હતી અને નાણાં તેની એજ્યુકેશન લોન પાસ થયે તે પોતે ચુકવી દેશે. મનસુખલાલ નો સુરતમાં હીરાનો મોટો કારોબાર હતો.

આ વાતને છ-સાત મહિના વિતી ચુક્યા છે. કરસન પટેલ અતિ ભરોસે ઘસાતા ચાલ્યા છે પણ પરબત પટેલના સમયની સાહેબી અને ઠાઠ જાળવી રાખવા આવક કરતાં ખર્ચ ઘણો વધી ગયો છે. સાકરચંદ શેઠે એક-બે વખત સમજાવવા પ્રયત્ન કરતાં શેઠથી મારી મોટાઈ જિરવાતી નથી એમ માની શેઠની અવગણના કરી. નિશાંત ની સમગ્ર એજ્યુકેશન લોન પાસ થઈ જતાં તેણે મનસુખભાઈ ની રકમ મુદત પહેલાંજ વ્યાજ સહિત પરત કરી દીધી છે.

તેનો અભ્યાસ ધારણા પ્રમાણેજ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. શેઠ સમાયક પુજા આદિ પૂર્ણ કરી દુકાને આવ્યા છે. પેલી બાજુ કરસન પટેલના ઘરે ટેન્શનનો પાર નથી. ઊંઝાથી આવેલા વશરામ પટેલ આવતા મહિનાની અગિયારસનાં દિકરાના લગ્ન કરવાની વાતની રઢ પકડી બેઠા છે. કરસન પટેલ પાસે તૈયારીઓ માટે અને નાણાંની વ્યવસ્થા માટે માત્ર ત્રીસ દિવસ બચ્યા છે.

આટલા ટૂંકા સમય ગાળામાં નાણાં અને પ્રસંગને અનુરૂપ બીજી વ્યવસ્થાઓ કરવાનું કરસન પટેલ માટે અસંભવ છે કારણ કે પરબત પટેલના અવસાન સમયે ખરખરો કરવા આવેલા વેવાઈ વશરામભાઈએ લગ્નની કોઈ ઉતાવળ નથી એમ સામેથી કહેલું એટલે પોતાને તૈયારીઓ કરવા આઠ-દસ મહિનાનો સમય મળી રહેશે એમ તેઓ માનતા હતા. પણ, આજનો વેવાઈ નો રંગ જુદો હતો. એમને બરાબરનો મોકો મળી ગયો હતો. કરસન પટેલ, તેમના સાળા, ગામના બીજા આગેવાન પટેલો પણ વશરામભાઈને સમજાવવી ન શક્યા. કહોને એ વાત સમજવા જ ન હોતા માંગતા.

આખરે કરસન પટેલનાં પત્ની જમનાબેને પોતાના ભાઈ અને પતિને એકબાજુ બોલાવી સાકરચંદ શેઠને બોલાવવા સલાહ આપી. કરસનભાઈ એ પહેલાંતો આનાકાની કરી, પછી સહમત થયા. તેમના સાળાએ જઈ સાકરચંદ શેઠને તાબડતોડ કરસનભાઈની ડેલીએ આવવા વિનંતી કરી. શેઠ દુકાન વહેલી વધાવી કરસન પટેલની ડેલીએ પહોંચ્યા. વેવાઈ વશરામભાઈની આમન્યા અને સન્માન જાળવી જુહાર કર્યા.

વિગતોથી વાકેફ થઈ શેઠે વશરામભાઈ ને બે-ચાર મહિનાની મુદતે જે સારું મુહૂર્ત આવતું હોય ત્યારે લગ્ન નક્કી કરવા વિનંતિ કરી પણ વેવાઈ એકના બે ન થયા. અંતે શેઠ બોલ્યા, “વશરામભાઈ, અમે અમારી અગવળતા અને તકલીફ આપને કહી, આમ છતાં જો આપને આવતે મહિને અગિયારસના જ લગ્ન લેવરાવવાં હોયતો અમારી ના નથી.

દિકરીના બાપને દિકરાવાળાનું સન્માન જાળવવું જોઈએ, તમતમારે આવતી અગિયારસે ધામધૂમ પૂર્વક જાન જોડીને આવજો. જાનમાં સરખે સરખા જાનૈયા હોય એમાં બન્ને વેવાઈની શોભા વધે, માટે કોઈ જાતના સંકોચ વિના જાન લઈ પધારજો.” વશરામ પટેલ એક ક્ષણ માટે તો ચકિત થઈ ગયા. આટલા દિવસમાં તો હું પણ તૈયારી ન કરી શકું ને આ વાણિયો શું વદે છે? શેઠે ઘરે જઈ ચોવિહાર કરી સમાયક કર્યું. પછી કરસન પટેલની ડેલીએ પહોંચ્યા.

વેવાઈ જમીને પોતાની કારમાં ઊંઝા જવા નિકળી ગયા હતા. કરસન પટેલ ચિંતાતુર વદને ડેલીના ઢોલિયે બેઠા હતા. સાકરચંદ શેઠે જમનાબેન, કરસનભાઈ, કરસનભાઈ ના સાળા અને એક દૂરના કાકાને બોલાવ્યા. તેમના રીત રિવાજ પ્રમાણે શું શું તૈયારી કરવી તે બધું એક નોટબુકમાં વિગતવાર નોંધી લીધું. તેમણે ફટાફટ કામની વહેંચણી કરવા માંડી.

કંકોત્રી થઈ માંડી કોને કોને આમંત્રણ આપવાં, લગ્નનું સ્થળ, મંડપ, ઢોલી, રસોયા, દિકરી માટે પાનેતર અને દાગીના, જાનની આગતા સ્વાગતાની વ્યવસ્થા બધું જ આયોજન ગોઠવી કાઢ્યું. બીજા દિવસે પેલી સાચવી રાખેલ અમાનત માં થી બે લાખ રૂપિયા લઈ કરસનભાઈ ને આપી આવ્યા. પોતાની દિકરી અંજુને તેડાવી રાધા સાથે તેને ગમતા ઘાટના દાગીના બનાવવા મહેસાણા પોતાના ઓળખીતા જ્વેલર્સ પાસે મોકલી. અંજુના મામાને કહી તેના ઓળખિતા મંડપ અને લાઈટ ડેકોરેશન વાળા ને કહી દીધું. નિશાંત ના એક ઓળખીતા ફોટોગ્રાફર ને ફોન કરાવી ફોટોગ્રાફી-વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરી. તેમને મન આ પ્રસંગ કરસનભાઈની દિકરી ના લગ્ન નો નહીં પણ પરબત પટેલની પત (આબરૂ)નો હતો.

તેઓ દરરોજ અડધો દિવસ દુકાન બંધ રાખી વ્યવસ્થામાં લાગી ગયા. એક દિવસ કરસનભાઈ થી ન રહેવાયું, તે પૂછી બેઠા,” પણ શેઠ મારા ગજા બહારનો ખર્ચ કાં કરો, આ બધું હું કેમ ચુકવીશ? મારે વખ ઘોરવાનો વારો ન આવે ઈ જો જો બાપલા”. ત્યારે શેઠે જમના બેનને બોલાવી બન્ને ને કહ્યું, ” હું તમારી દિકરી ને નથી પરણાવતો, પરબત કાકાની પોતરી ને પરણાવું છું, આ ગામમાં આજે હું જે કંઈ છું એ પરબત કાકા થકી છું, મારા જીવતેજીવ એમની આબરૂને બટ્ટો લાગે એવું કાંઇ પણ થાય તો હું નુગણો ગણાઉં, તમારે વખ ઘોળવાની કોઈ જરુર નથી, જે તમારું છે એ જ તમને પાછું સોંપું છું.” આટલું કહી, પરબત પટેલે સોંપેલી અમાનત, રાધાના નવા દાગીના, બે ખેતરોના દસ્તાવેજ બધુંજ બન્ને ને સોંપી ઋણ મુક્ત ચિંતા મુક્ત થઈ ગયા.

અગિયારસના જાન લઈ આવેલા વશરામભાઈ તો વ્યવસ્થા જોઈ છક્ક થઈ ગયા. વહુને દાગિના- કરિયાવર, વરરાજાને હીરાની વીંટી, સગાંસંબંધીઓ ને પેરામણી, જાનૈયાઓ માટે ઉત્તમોત્તમ ભોજન, ઊતારાની ઉત્તમ વ્યવસ્થા શું બાકી રહેતું હતું? અને જાનની વિદાય વેળા બુલેટ મોટર સાયકલ ની ચાવી લગ્ન માટે ખાસ આવેલા નિશાંતે જમાઈ યોગેશને સોંપી ત્યારેતો સૌ અચંભિત થઈ ગયા.

પ્રસંગ રંગેચંગે પાર પતી ગયા પછી સૌ કરસન પટેલની ડેલીએ બેઠા છે. હળવાફુલ બનેલા કરસન ભાઈ એ પુછ્યું, “સાકરચંદભાઈ, આ અમાનત ની વાત તો તમારા સિવાય કોઈ જાણતું નહોતું. મેં તો હંમેશાં તમારી ઉપેક્ષા જ કરી હતી. તમેં ધાર્યું હોતતો કોઈને ખબર ન પડત.” “એક મારો આત્મા, એક મારા પારસનાથ ભગવાન અને પરબત કાકાનો આત્મા તો આ વાત જાણતાજ હતા, અને હા, જેમ અત્યારે તમે વિચાર્યું કે આ વાત થી તો બધા અજાણ હતા, જો હું આ અમાનત ઓળવી જાતતો કોઈને ખબર ન પડત, પણ આવો વિચાર પરબત કાકાને આવ્યો હોત તો તે આ અમાનત મને સોંપી જાત ખરા?” સાકરચંદ શેઠ ના સવાલનો જવાબ કોઈ પાસે ન હતો.

– મોહન સંઘવી 12.06.2021

તસ્વીર પ્રતિકાર, કોપી પેસ્ટ

(સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ, અમર કથાઓ ગ્રુપ)